યુપીમાં ચૂંટણી નહીં લડવાનો કૉંગ્રેસનો નિર્ણય યોગ્ય
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ સાથે દેશમાં 48 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ છે. આ પૈકી સૌથી મોટો જંગ ઉત્તર પ્રદેશમાં છે કે જ્યાં 9 બેઠકો માટે પેટાચૂંટણી છે.
યુપીમાં 13 નવેમ્બરે 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને પરિણામ 23 નવેમ્બરે આવશે. ઈન્ડિયા મોરચામાં આ 10 બેઠકોમાંથી કોને કેટલી બેઠકો મળે તેની ખેંચતાણ ચાલી રહી હતી ને સમાજવાદી પાર્ટી તથા કૉંગ્રેસમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી એવી વાતો બહાર આવી રહી હતી ત્યારે કૉંગ્રેસે મોટો આંચકો આપી દીધો.
કૉંગ્રેસે એલાન કર્યું છે કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં એક પણ બેઠક પર નહીં લડે. યુપી કૉંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેએ આ જાહેરાત કરતાં કહી દીધું કે, કૉંગ્રેસ પેટાચૂંટણીમાં ઈન્ડિયા જોડાણને સમર્થન કરશે. યુપીમાં ઈન્ડિયા જોડાણમાં સપા અને કોંગ્રેસ જ છે એ જોતાં સપા જ બધી બેઠકો પર લડશે એ નક્કી થઈ ગયું.
અખિલેશની પાર્ટીના 9 બેઠકોમાંથી 7 બેઠકો માટેના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા હતા ને કૉંગ્રેસની જાહેરાત પછી સપાએ ગાઝિયાબાદ અને ખેર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નાખતાં હવે યુપીની 9 બેઠકો પર ભાજપ વિરુદ્ધ સપાનો સીધો જંગ થશે. કૉંગ્રેસે લીધેલું પગલું આશ્ચર્યજનક છે પણ અનપેક્ષિત નથી કેમ કે અખિલેશે પહેલા જ જાહેરાત કરી દીધેલી કે યુપીમાં ઈન્ડિયા મોરચાના તમામ ઉમેદવાર સમાજવાદી પાર્ટીના સાઈકલના ચિહ્ન પર ચૂંટણી લડશે.
બુધવારે રાત્રે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. રાહુલે પેટાચૂંટણી ન લડવાનું અને સપાને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું એવું કહેવાય છે.
આ વાતચીત પછી બુધવારે રાત્રે 11.11 કલાકે અખિલેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં વાત બેઠકોની નથી પણ જીતની છે. આ વ્યૂહરચના હેઠળ, ઈન્ડિયા ગઠબંધન'ના સંયુક્ત ઉમેદવારો તમામ 9 બેઠકો પર સપાના પ્રતીક
સાઈકલ’ પર ચૂંટણી લડશે. કૉંગ્રેસ અને સપા મોટી જીત માટે ખભેખભા મિલાવીને ઊભા છે અને ઈન્ડિયા એલાયન્સ આ પેટાચૂંટણીમાં જીતનો નવો અધ્યાય લખવા જઈ રહ્યું છે. કૉંગ્રેસ પાર્ટીના ટોચના નેતૃત્વના બૂથ લેવલના કાર્યકરો સાથે આવવાથી, સપાની શક્તિ અનેકગણી વધી ગઈ છે. દેશના બંધારણ, સંવાદિતા અને પીડીએના સન્માનને બચાવવાની આ ચૂંટણી છે.
અખિલેશ યાદવે ગુરુવારે સવારે રાહુલનો હાથ પકડીને ઉભા હોય એવો એક ફોટો શેર કર્યો હતો. ફોટામાં લખ્યું હતું કે, અમે નક્કી કર્યું છે. બંધારણ, અનામત અને સમરસતાને બચાવવી પડશે. અખિલેશની પોસ્ટ પરથી સ્પષ્ટ હતું કે, કૉંગ્રેસના ઉમેદવારો સાઈકલ ચિહ્ન પર ચૂંટણી લડવા સહમત છે પણ કૉંગ્રેસે એક કદમ આગળ વધીને બધી બેઠકો જ સપાને આપી દીધી.
ભાજપે કૉંગ્રેસ યુપીમાં ચૂંટણી નથી લડવાની એ મુદ્દે કટાક્ષ કર્યો છે કે, કૉંગ્રેસ યુપીમાંથી ખાલી હાથે પાછી ફરી. ભાજપના કહેવા પ્રમાણે, ઈન્ડિયા જોડાણ તૂટી ગયું છે અને ફરી એકવાર યુપીમાં હાથ ખાલી રહ્યો છે. કૉંગ્રેસ હાથ મિલાવતી રહી પણ સપાએ કૉંગ્રેસને હરાવી દીધી છે. સપા ભાજપના `કૉંગ્રેસ મુક્ત’ ના નારાને સાકાર કરી રહી છે. ભાજપના કહેવા પ્રમાણે, અખિલેશે મધ્યપ્રદેશ અને હરિયાણા વિધાનસભા ચૂંટણીનો બદલો લીધો છે પણ કૉંગ્રેસ પોતાની દુર્દશા માટે પોતે જ જવાબદાર છે.
ભાજપ ગમે તે કહે પણ વ્યૂહાત્મક રીતે કૉંગ્રેસે લીધેલો નિર્ણય તેના પોતાના ફાયદા માટે છે અને સમાજવાદી પાર્ટી સાથેના તેના જોડાણને મજબૂત કરનારો પણ છે. કૉંગ્રેસે ખાલી પડેલી તમામ બેઠકો માટે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી હતી અને તમામ બેઠકો પર ચૂંટણીના કાર્યક્રમો પણ શરૂ કરી દીધા હતા. સપા સામે કૉંગ્રેસે અગાઉ પાંચ બેઠકોની માગ કરી હતી પણ સપાએ અલીગઢની ખેર અને ગાઝિયાબાદની સદર બેઠક એમ બે બેઠકો આપવા તૈયારી બતાવી હતી.
આ કારણે કૉંગ્રેસ અને સપા વચ્ચે તિરાડની વાતો વહેતી થઈ પણ વાસ્તવમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ પેટાચૂંટણી લડવા જ નહોતું માગતું. કૉંગ્રેસના ટોચના નેતૃત્વને પેટાચૂંટણીમાં બહુ રસ નહોતો તેનુ કારણ એ છે કે, કૉંગ્રેસ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી એ મહત્ત્વની છે. આ બે રાજ્યોનાં પરિણામો પર કૉંગ્રેસનું અસ્તિત્વ નિર્ભર છે તેથી કૉંગ્રેસ આ બંને રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
કૉંગ્રેસે સમાજવાદી પાર્ટીએ હરિયાણામાં બતાવેલા સૌજન્યનો પણ બદલો વાળ્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સપા અને કૉંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી ના થતાં સપા સૌજન્ય બતાવીને ખસી ગઈ હતી અને ચૂંટણી લડી ન હતી. કૉંગ્રેસે યુપીમાં ઉમેદવારો ઊભા નહીં રાખીને એવું જ કર્યું છે.
વ્યૂહાત્મક રીતે કૉંગ્રેસનો નિર્ણય યોગ્ય છે કેમ કે યુપીમાં સમાજવાદી પાર્ટી વધારે મજબૂત છે. લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 62 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા કે જેમાંથી 43 ઉમેદવારો જીત્યા અને 19 હાર્યા. કૉંગ્રેસે 17 ઉમેદવારો ઉભા રાખેલા કે જેમાંથી 6 ઉમેદવારો જીત્યા અને 11 હાર્યા. સપાનો જીતનો રેશિયો કૉંગ્રેસ કરતાં બહુ ઉંચો છે કેમ કે સપા પોતે લડેલી બે તૃતિયાંશ બેઠકો જીત્યું જ્યારે કૉંગ્રેસ માત્ર એક તૃતિયાંશ બેઠકો જીતી. આ કારણ સપા વધારે મજબૂત છે એ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપને ટક્કર આપવાની તાકાત સપામાં વધારે છે એ સ્પષ્ટ થઈ ગયું છે એ જોતાં કૉંગ્રેસે સપોર્ટિવ રોલમાં રહેવું જોઈએ ને કમ કે સમ આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસે એ જ કર્યું છે.
ભાજપને હરાવવો હોય તો યુપીમાં હરાવવો પડે એ કહેવાની જરૂર નથી ને કૉંગ્રેસ પાસે યુપીમાં એકલા હાથે ભાજપને હરાવવાની તાકાત નથી જ્યારે સપામાં એકલા હાથે ભાજપને હરાવવાની તાકાત છે. આ સંજોગોમાં કૉંગ્રેસ આ પ્રકારનાં સૌજન્ય બતાવીને સપાને પોતાની સાથે રાખે તો તેના કારણે ભવિષ્યમાં બંનેનું જોડાણ અત્યંત મજબૂત થશે.
જોડાણ મજબૂત થશે તેનો ફાયદો કૉંગ્રેસને જ થશે કેમ કે અખિલેશ યાદવ કદી ભાજપની પંગતમાં બેસી શકવાના નથી. થોડુંક જતું કરીને ભાજપને મોટો ફટકો મારી શકાતો હોય તો એ કરવામાં કશું ખોટું નથી એ જોતાં કૉંગ્રેસની વ્યૂહરચના રાજકીય રીતે યોગ્ય છે.