વીક એન્ડ

કેરોલિના રીપર પ્રકરણ-૨૪

પ્રફુલ શાહ

બધાને સમજાવજો કે હમણાં આકાશભાઈ વિશે ચૂપ જ રહે

આકાશને લાગ્યું કે મોના એનું કંઈક લઈ ગઈ, ઘણું લઈ ગઈ, બધ્ધેબધ્ધું લઈ ગઈ

પતિ આકાશ મહાજનની ગોલ્ડન પુઠ્ઠાવળી ડાયરીને સ્પર્શ કરતા પત્ની કિરણના હાથ ધ્રૂજતા હતા. મનમાં ગજબનો ફફડાટ થતો હતો. ન જાણે આમાં મારા માટે કેવા કેવા કુઠારાઘાત હશે. જે આકાશ ક્યારેય મને ન કહી શક્યો એ બધુ આમાં હશે? આ ક્યાંક મારી નિષ્ફળતાની દદર્નાક દાસ્તાન ન હોય. હૈયે ટાઢક વળવાની આશા નથી પણ બધા ડામ સહન થશે ખરા? એવા વિચારો કિરણને આકાશની ડાયરી હાથમાં લેવા સાથે આવવા માંડ્યા.

તેણે અચકાટ સાથે પહેલું પાનું જોયું આકાશે લાલ રંગથી બે-ચાર દિલ દોર્યાં હતા. તે વાંચવા માંડી.

“ઓહ માય ગોડ. આ બોરિંગ પાર્ટીઝ. પણ શું થાય? પપ્પાએ નવી બ્રાંચ અને નવી બ્રાંડને વધાવવા પાર્ટી રાખી છે. એમાં ન જઈએ તો પપ્પા, મમ્મી અને મમતાને ખરાબ લાગે. કિરણ બકબક કરે પણ એ તો ઠીક છે. સમજાતું નથી કે પપ્પાએ આવા કંટાળાજનક વેપારીઓ, કર્મચારીઓ વચ્ચે જીવન વિતાવ્યું કેવી રીતે?

આ બાંધો તો આદત મુજબ સ્મોલ પેગ લઈને બેન્કવેટ હોલની બહાર બાલકનીમાં ઊભો રહી ગયો. એક ચહેરો નજીક આવતો દેખાયો. જાણે તાજગીભરી હવાની લહેરનો સ્પર્શ થયો. ચહેરા જેટલું જ આકર્ષક ફિગર, સ્માઈલ, સ્ટાઈલ… માય માય… ન જાણે શું થઈ ગયું મને? બધું ભૂલીને હું એને પાગલની જેમ ઘૂરતો રહી ગયો. બળબળતા રણમાં તન-મન પ્રસન્ન કરી નાખતા મસ્ત પવનની જેમ એ આવી અને થોડી પળોમાં નજરથી ઓઝલ થઈ ગઈ. હું થોડાં ડગલાં એની દિશામાં ચાલ્યો અને ત્યાં જ જાણે સ્થિર થઈ ગયો. મારા ચહેરા પર નિરાશા પૂરેપૂરી ઊતરી આવી. ત્યાં તો મારા ખભા પર કોઈકે હળવેકથી હાથ મૂક્યો. “મને શોધો છે તમે?

મેં પાછળ વળીને જોયું તો એ એકદમ સામે હતી, ખૂબ નજીક બન્ને એકમેકના શ્ર્વાસને મહેસૂસ કરી શકતાં હતાં. એ તોફાની સ્મિત સાથે બોલી, “મારું જતું રહેવું તમને ન ગમ્યું એટલે હું પાછી આવી.

હું માંડમાંડ બોલી શક્યો. “નો, નો-એવું કંઈ નથી.

આ સાંભળીને કંઈ બોલ્યા વગર એ ચાલવા માંડી. એટલે હું એની સામે ઊભો રહી ગયો. “હવે તમે જતા રહેશો તો મને ખરેખર નહીં ગમે.

બન્નેની આંખ એક થઈ. હું પેગ લઈને બાલકનીના ખૂણા તરફ ચાલવા માંડ્યો. મને વિશ્ર્વાસ હતો કે એ પાછળ આવતી જ હશે. પાર્ટીની ધાંધલ ધમાલથી દૂર અમે બન્ને, એકમેકથી તદ્ન અપરિચિત, ચૂપ ચાપ ઊભાં રહી ગયાં. કંઈ બોલ્યા વગર મૌન ઊભાં રહ્યાં.
તેણે શરૂઆત કરી, “આઈ એમ મોના. તમારો મોબાઈલ ફોન આપશો?

“આઈ એમ આકાશ, આકાશ પુરોહિત. આ લો મારો મોબાઈલ ફોન. એ સદ્નસીબ છે કે તમારો સ્પર્શ પામશે!

મોના હસી પડી. “ફ્લર્ટિંગ સારું કરી લો છો. તેણે મારા મોબાઈલ ફોનથી પોતાનો નંબર ડાયલ કર્યો. પછી બે મિનિટ બારી સામે જોતી રહી.

મોના ચાલવા માંડી બે ડગલાં ચાલીને બોલી, “મને લાગે છે કે આપણે મળવું જોઈએ. તમને ય એવું લાગતું હોય તો મારો નંબર છે જ. પછી એ સ્વસ્થ પગલે બાલકની ક્રોસ કરીને બેન્કવેટ હોલના મેઈન ગેટમાંથી સડસડાટ બહાર જતી રહી.

મોના… મોના… મોના… મને લાગ્યું કે એ મારું કંઈક લઈ ગઈ. ઘણું લઈ ગઈ. બધ્ધે બધ્ધું લઈ ગઈ.

કિરણને પોતાની આંખ પર વિશ્ર્વાસ ન બેઠો. એ જ સમયે મમતા રૂમમાં આવી. “ભાભી, મમ્મીને ઉધરસ આવે છે, તો હળદરવાળું દૂધ અપાય?

જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ કિરણ ટગર ટગર મમતાને જોતી રહી.


મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન વિશ્ર્વાસનાથ આચરેકરે પાંચમીવાર ચીફ મિનિસ્ટરને ફોન લગાવ્યો, પણ રણજીત સામવીએ ફોન ન ઉપાડ્યો. આચરેકરના મગજનો પારો ચડતો હતો. એને થયું કે આખી દુનિયા મારા વિરુદ્ધ કાવતરું રચી રહી છે. તેણે પી.એ. નિશીથ કરંદીકરને પાસે બોલાવ્યો.

“તને શું લાગે છે?

“શેનું શું લાગે છે સર?

“અરે, આ મીડિયાવાળા મારી પાછળ કેમ પડી ગયા છે? કોનો દોરીસંચાર લાગે છે?

“સર, મારામાં આપની જેટલી સમજ થોડી હોય? આપ તો અનુભવી છો, રાજકારણના એવા ખેલાડી છો કે બધા આપનાથી ડરતા ફરે.

આ મસ્કાબાજીએ આચરેકરનો દિમાગ કંઈક અંશે શાંત પાડ્યો. “તારી વાત સાવ સાચી પણ આપણે જાણવું તો પડે કે નહીં? તું એક કામ કર. આ ‘મહારાષ્ટ્ર આજ’ સાથે કંઈક ગોઠવણ કરી લઈએ. ભલેને મોટી રકમ એના મોઢા પર મારવી પડે. પેલી કોણ છે ત્યાં…?

“અનીતા… અનીતા દેશમુખ?

“હા, એના સુધી વાત પહોંચાડ. આ કામ થઈ જાય તો નિરાંત.

“સર, કેટલે સુધી ઓફર કરું?

“પાંચ લાખથી શરૂ કર વીસ સુધી વાંધો નહીં. એને કહેવાનું કે માત્ર બે જણ જાણશે આ વિશે. એ મને એકલી મળે, બાકી હું સંભાળી લઈશ. આ શબ્દો બોલતી વખતે આચરેકરના આંખ સમક્ષ અનીતા આવી ગઈને જોશભેર દાંત ભીંસાયા. “આ પંખીને તો એવું પાડી દેવું છે કે કાયમ મારાં ગીતો ગાતી રહે અથવા એકદમ મોઢું બંધ કરી દે. એનું મોઢું જોઈને કરંદીકર મલકી ઊઢ્યો.


ટોચના ઉદ્યોગપતિ જ્યોતિસ્વરૂપ રૂઈયા ખાસ રાજાબાબુ સદન આવ્યા. કોઈ મહત્ત્વની બિઝનેસ મીટિંગ માટે તૈયાર થયા હોય એવો તેમનો ઠાઠમાઠ હતો. સ્વભાવ મુજબ દરેક વર્તન, એક એક વ્યવહાર અને બધી વાતચીત પૂરેપૂરી ગણતરી સાથે કરે. વ્યક્તિત્વ એવું કે સામેવાળો ડઘાઈ જાય પણ ભાગ્યે જ કોઈને માન ઊપજે. જોકે જ્યોતિસ્વરૂપને માનપાનમાં જરાય રસ નહીં, એને માત્ર રોકડા અને નફા સાથે જ નિસ્બત.

બીમાર માલતીના પલંગ પાસે આવીને તેઓ બેઠા “આપના પરિવારની સતત ફિકર રહ્યા કરે. આકાશભાઈ, રાજાબાબુ અને તમે… કોણ કોને સંભાળે? પણ બધા હિમ્મતવાળા છો.

માલતીએ ધીમા અવાજે આગ્રહ કર્યો. “આવ્યા છો તો જમીને જ જવાનું છે.
“એ શું બોલ્યા? હમણા પાણી પણ ગળે નહીં ઊતરે. ક્યારનું આવવું હતું, પણ અજય કહે કે આપણે બન્ને સાથે જ જઈએ. ખુશી થઈ કે છોકરો વ્યવહારમાં રહેવા માગે છે. બાકી આજકાલના છોકરાને તો તમે ઓળખો જ છો…

“અજયકુમાર ઘરે આવશેને?

“એ સીધો હૉસ્પિટલમાં જવાનો હતો મમતાબેટાને ય મળવાની વાત કરતો હતો સાંજની તો રિટર્ન ફ્લાઈટ છે.

“અરે એમ તે કંઈ જવાય?

“રાજાબાબુ ઘરે આવે પછી નિરાંતે આવીશ. હું ખાસ એટલું કહેવા આવ્યો છું કે કોઈ વાતે મુંઝાતા નહીં. આપણા ઘરનો મામલો છે છતાં કહીશ કે આકાશભાઈ વિશે કોઈ મોઢું ન ખોલે તો સારું. ખૂબ જ ગૂંચવાયેલા મામલો છે.

“બસ, એ હેમખેમ પાછો ફરે એટલે ગંગા નાહ્યા.

“બરાબર છે હમણાં બધા મને રાજકારણમાં ખેંચી રહ્યા છે. ત્યાંની દુનિયા જ અલગ છે. ગમે તેવા ભલે હો પણ દેખાવા સૌથી સવાયા હોવા જોઈએ… અને હા, કિરણબહેન સાવ બિન-અનુભવી છે તો ધંધામાંય ક્યાંય મૂંઝવણ હોય તો અમને પારકા ન સમજતા. હવે તમે આરામ કરો ને હું રજા લઉં.

જ્યોતિસ્વરૂપ રૂઈયા હાથ જોડીને ઊભા થયા. માલતી હાથ જોડે એ અગાઉ તેઓ ચાલવા માંડ્યા. દરવાજે પહોંચીને પાછા વળીને થોડા અલગ જ અવાજમાં બોલ્યા, “ઘરમાં બધાને સમજાવો કે હમણાં આકાશભાઈ વિશે ચૂપ રહેવામાં ભલાઈ છે.


“ચૂપ રહેવું એટલે શું? અકળાઈને મમતા મહાજને પોતાના ભાવિ પતિ અજયને પૂછ્યું.
“પ્લીઝ, અકળાવાનું રહેવા દે. હું એટલું જ કહું છું કે સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી ઘરમાંથી કોઈ આકાશભાઈ વિશે કંઈ ન બોલે. નાહકની ઉપાધિ ન ઊભી થાય.

“અરે ઘરનો સભ્ય ગાયબ છે. કોઈ શા માટે ન બોલે? પપ્પાની તબિયત સારી થાય એટલે હોમ મિનિસ્ટરને મળવાનો મારો વિચાર છે.

“એવા ગાંડાઘેલા કાઢતી નહીં.

“વ્હોટ ડુ યુ મીન? એક તરફ ભાઈ લાપતા છે, પપ્પા હૉસ્પિટલમાં છે અને મમ્મીએ ખાટલો પકડી લીધો છે. તારે સતત ઘરનો દીકરો બનીને અમારી સાથે રહેવું જોઈએ. એ કામ કરવાનો હું પ્રયત્ન કરી રહી છું. ત્યારે મને સપોર્ટ કરવાને બદલે તું આવી ગાંડીઘેલી વાતો કરે છે!

“મમતા પ્લીઝ સમજવાની કોશિશ કર તો સારું. હું એટલું જ ઈચ્છું છું કે આપણને કોઈને વધુ તકલીફ ન થાય.

“એટલે?

“તું બધું જાણે છે છતાં મારા મોઢે બોલાવવું છે? તો સાંભળ આકાશભાઈ મુરુડની એ હોટેલમાં ગયા હતા જ્યાં બ્લાસ્ટ્સ થયા હતા. એ ધડાકામાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા એવાય રિપોર્ટ આવ્યા છે…

“એક મિનિટ… એટલે તું આવા વાહિયાત રિપોર્ટને સાચા માને છે? મોટાભાઈ આતંકવાદી? ઑહ ગૉડ, તું આવું વિચારીય કેવી રીતે શકે?

“હું એવું વિચારતો નથી, મમતા પણ આવું એક નેરેટિવ ચાલે છે, જેની અવગણના કેવી રીતે કરાય? હું પણ ઈચ્છું છું કે આ નેરેટિવ સત્તાવાર રીતે ખોટું સાબિત થાય. ત્યાં સુધી આપણે ચૂપ રહેવાનું છે. પ્રોમિસ આપ કે ત્યાં સુધી તું કે ઘરનું કોઈ કંઈ નહીં કરો કે મોઢું નહીં ખોલો. પ્લીઝ મમતા.

મમતા સતત અજય સામે જોઈ રહી. “આપણે લાઈફ પાર્ટનર બનવાના છીએ. એકમેકના સુખ-દુ:ખમાં ભાગીદારી કરવાની છે. ભાગ્યે જ કોઈ પર આવી હોય એટલી અસાધારણ અને અધધ આફતો અમારા પરિવાર પર આવી છે, ત્યારે પડખે ઊભો રહેવાને બદલે તું આવું વિચારે છે? પ્લીઝ મમ્મીને મળવા જા ત્યારે આવું કંઈ બોલતો નહીં.
“મમ્મીને મળવા પપ્પા તો ગયા છે. હજી એક મીટિંગ છે એ પતાવીને મારી સાંજની ફલાઈટ છે. આ સાંભળીને મમતાના મનમાં તણખો થયો. “સાવ આવો લાઈફ પાર્ટનર? (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button