પૃથ્વી પરના પ્રાકૃતિક બગીચાઓમાંનો સૌથી અનોખો બગીચો
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી
ગાર્ડન નામ આવે એટલે આપણને સૌથી પહેલું “દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું એ વાક્ય યાદ આવે. પછી આપણે જોયેલા કે સાંભળેલા મૈસૂરનો વૃંદાવન ગાર્ડન, ચંડીગઢનો રોક ગાર્ડન અને જૂનાગઢનો કેકટસ ગાર્ડન જેવા થોડા વિશિષ્ટ બગીચાઓ યાદ આવી જશે. પરંતુ શુ તમે દરિયાના પેટાળમા કોઈ જીવોનો બનેલો ગાર્ડન હોય એવું તમે સાંભળ્યું છે કદી ? હા, સમુદ્રના પેટાળમાં ઘટતી અનેક અચરજકારી ઘટનાઓમાંની આ એક ઘટના છે. આ સ્થળે બનતી ઘટનાને કારણે વૈજ્ઞાનિકો તે સ્થળને પર્લ ઓક્ટોપસ ગાર્ડન એવું નામ આપ્યું છે. આ સાંભળીને આપણને એમ થશે કે આ ગાર્ડનમા ઓક્ટોપસની અલગ અલગ જાતિઓને દરિયાના પેટાળમાં કેવી રીતે રાખી હશે, અથવા તો અલગ અલગ જાતિના ઓક્ટોપસ એક જ જગ્યાએ રહેતા હોય એવું બની શકે. પરંતુ ના આખી ઘટના એકદમ પ્રાકૃતિક જ છે.
વાત સન ૨૦૧૮ની છે. “મોસ લેન્ડિંગ મરાઈન લેબોરેટરીઝ અને “સાન જોઝ સ્ટેટ યુનિવર્સિટીના આમંડા કાન’ નામના પર્યાવરણ-વિજ્ઞાની કેલિફોર્નિયાના દરિયાકાંઠાથી ૧૨૦ કિલોમિટર દૂર દરિયાના પેટાળમાં ૧૦,૫૦૦ ફૂટ ઊંડે આવેલા એક મૃત જ્વાળામુખીની પર્વતશૃખંલાની એક નાની ટેકરી પર “નોટીલસ નામના સબમર્સિબલ વ્હિકલમાં સંશોધન કરી રહ્યા હતા. એકાએક એમણે એ ટેકરી પરની તિરાડોમાં બે ઓક્ટોપસ જોયા. એ બન્ને ઓક્ટોપસ ઊંધા હતા, શરીરનો પેટાળનો ભાગ ઉપરની બાજુ રાખીને બેઠા હતાં. આગળ સંશોધન માટે નોટીલસને ઊંચી ઉઠાવી તો તેઓ આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. દરિયાના પેટાળમાં આવેલી અનેક તિરાડોમાં હજારોની સંખ્યામાં પર્લ ઓક્ટોપસ તરીકે જાણીતા ઓક્ટોપસ જોવા મળ્યાં. આમંડાને વિચાર આવ્યો કે આટલા ઊંડાણમાં રહેતા ઓક્ટોપસ બે ચાર જોવા મળી જાયા એ તો ઠીક, પણ આટલી સંખ્યામાં આ જાતિના ઓક્ટોપસ કેમ બેસી રહ્યા હશે ? કૌતુક એ જ્ઞાન પ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે.
આમંડાએ આ સ્થળને નામ આપ્યું “પર્લ ઓક્ટોપસ ગાર્ડન. અને તેમણે આ અજીબોગરીબ ઘટનાનું રહસ્ય શોધવા કમર કસી. એમના સંશોધનોના પરિણામોમાં થોડી આશ્ર્ચર્યજનક બાબતો ઊભરી આવેલી. પર્લ ઓક્ટોપસ તરીકે ઓળખાતી ઓક્ટોપસની આ પ્રજાતિ દરિયાના પેટાળમાં લગભગ દસથી પંદર હજાર ફૂટ નીચે એકદમ અંધારિયા વાતાવરણમાં જીવે છે. આ ઊંડાઈમાં ઓક્ટોપસના શરીર દરિયાની ઘનતાનું દબાણ સહન કરવા માટે જ ઘડાયા હોય છે. અત્યંત ઠંડા દરિયાના પાણી પણ સપાટી પર અમુક અંશે તો હુંફાળું જ હોય છે, પરંતુ જેમ જેમ ઊંડાઈ વધતી જાય તેમ તેમ આ પાણી ઠંડાથી લઈને અતિ ઠંડા એટલે કે થીજાવી નાખે એટલા ઠંડા હોય છે. આ પાણીને ફ્રીજિડ વોટર કહે છે. જેમ જેમ વાતાવરણ ઠંડું થતું જાય તેમ તેમ તેમાં વસતા જીવોનું મેટાબોલિઝમ પણ મંદ પડતું જાય છે.
આપણે અગાઉ ગ્રીનલેન્ડ શાર્ક વિશે જાણેલું કે તેઓ પણ અત્યંત ધીમા મેટાબોલિઝમવાળા જીવ હોવાથી તેમનો વિકાસ પણ અત્યંત ધીમો હોય છે, એ જ રીતે આ પર્લ ઓક્ટોપસ પણ ફ્રીજિડ વોટર્સમાં જીવતા હોવાથી તેમનું મેટાબોલિઝમ પણ ધીમું હોય છે અને તેમના ઈંડા સેવવાનો સમયગાળો પણ અત્યંત લાંબો હોય છે. લાંબો એટલે કેટલો? બે મહિના, ચાર મહિના આઠ કે બાર મહિના ? સાંસ થામ કે સુનિયે મિત્રો . . . એક નહીં, બે નહીં, પરંતુ પર્લ ઓક્ટોપસના ઈંડાને સેવાઈને બચ્ચાં બહાર નીકળવામાં આઠ કે તેથી પણ વધુ વર્ષોનો સમય થાય છે ! હા આઠ વર્ષ. હવે આ આઠ અથવા વધુ વર્ષોમાં ઈંડાને ચેપ લાગવાનો, ઈજા થવાનો, અને શિકારીઓનો ખતરો પણ એટલો જ હોય છે. આપણે જેમને જાનવર કહીએ છીએ એ જાનવરોની કુદરતી સૂઝ-સમજણ જોવા સમજવા જેવી છે.
આપણા આજના હીરો પર્લ ઓક્ટોપસો’એ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. કેલિફોર્નિયાના દરિયામાં આવેલા આ મૃત જ્વાળામુખીની ટેકરીઓમાની એકની તિરાડોમાંથી આજે પણ સલ્ફ્યૂરિક પાણી બહાર નીકળ્યા જ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઈંડા સેવવા માટે માની હૂંફ એટલે કે ગરમી જરૂરી છે. આમંડા અને તેની ટીમે ઓબ્ઝર્વ કર્યું કે લગભગ આખા વર્ષ ગરમ પાણીના ઝરાવાળા બે ચોરસ કિ.મી.ના આ વિસ્તારમાં ઓછામાં ઓછી વિસેક હજાર માદા પર્લ ઓક્ટોપસ પોતાના ઇંડા સેવતી હોય છે. તેઓ ઈંડા તરફ પોતાનું ઉપરનું શરીર રાખે છે અને પોતાના આઠ પગ બહારની બાજુ રાખે છે જેથી કોઈ શિકારી આવે તો તેનો સામનો કરી શકાય. આમંડા અને તેની ટીમે આ તિરાડોની આસપાસ અને થોડે દૂર પાણીની ગરમી માપતા સેન્સર મૂક્યા.
લગભગ પાંચેક વર્ષના સંશોધન બાદ તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે જ્યાં માદા ઓક્ટોપસ ઈંડા સેવે છે ત્યાંના પાણીનું તાપમાન ૪૧ થી ૫૮ ડિગ્રી ફેરનહીટ હોય છે અને એ ગરમ પાણીના ઝરાની થોડે દૂરના પાણીનું તાપમાન ૩૪ ડિગ્રી ફેરનહીટ હોય છે. આમ તે વિસ્તારના પાણીના સામાન્ય તાપમાન કરતાં આ ગરમ પાણીના ઝરાવાળી ટેકરી પર પાણીનું તાપમાન લગભગ ૧૬ ડિગ્રી વધુ હોય છે. આમ, વધુ તાપમાનના લીધે પર્લ ઓક્ટોપસના ઈંડા જે આઠ કે વધુ વર્ષે ફલિત થતાં, તે જ ઈંડા બે વર્ષની અંદર સેવાઈ જાય છે અને ઈંડામાંથી બચ્ચાં નીકળવા માંડે છે. અને બીજું તારણ એવું છે કે આ હૂંફાળા વાતાવરણમાં મેટાબોલિઝમનો રેટ ઊંચો હોવાથી આ બચ્ચાં જલદી ખાઈ-પી, તાજામાજા થઈને ઊછરી જાય છે.
હવે આવે છે સૌથી રસપ્રદ વાત. માદા પર્લ ઓક્ટોપસના બચ્ચાં જન્મી જાય ત્યાર બાદ મૃત્યુ પામે છે. આ માદા ઓક્ટોપસના અનેક મૃતદેહો ત્યાંની ઈકોસિસ્ટમ માટે જરૂરી કાર્બનનો મોટો સ્રોત બની જાય છે. આ મૃતદેહો ત્યાંની ઊંડાઈ પર અન્ય જીવોના આહારનો પણ એક ભાગ બની જાય છે. દરિયાના દસ હજાર પાંચસો ફૂટ ઊંડાણના અંધારિયા વિશ્ર્વમાં બનતી આ એક નાનકડી અને અજાયબ ઘટના આપણને કહે છે કે આ પૃથ્વી પર માનવ એકલો જ બુદ્ધિશાળી જીવ નથી. ઉ