વીક એન્ડ

દેશનું કેસરીકરણ કરવામાં જલદી કરો મરીજ, એક તો ઓછા રંગ છે ને ભારે વિરોધ છે!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

આ દેશ સામે જોરદાર કાવતરું ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર લશ્કરે તોઇબા, તાલિબાન, કેજીબી, એફબીઆઇ, આઇએસઆઇ કે મોસાદ કરી રહ્યા નથી. આ કાવતરામાં હંમેશની માફક વિદેશી હાથ નથી (કોઇ પણ દુર્ઘટના કે ઘટના ઘટે એટલે વગર તપાસે દોષનો ટોપલો વિદેશી હાથ પર ઢોળી દેવાનો! કાયદાના હાથ લાંબા હોય તેવું અનેકવાર સાંભળ્યું છે, પરંતુ, વિદેશી હાથ લાંબા હોય તે સાંભળ્યું ન હતું. પાકિસ્તાનમાં બેસેલ દાઉદ લાંબો હાથ કરી વાઘા બોર્ડર ઓળંગી દિલ્હી સ્થિત પોલીસના ગાલ ખેંચે તે વિશ્ર્વની કેટલામી અજાયબી કહેવાય?)

આ દેશ સામે દેશના લોકો જ પ્રપંચ કરે? જે ગૌરવપ્રદ ઘટના કહેવાય! ગ્રેટ સ્ટાર્ટએપ કહેવાય. ઉતમ મેક ઇન ઇન્ડિયા કહેવાય! દેશના લોકો ખુદની સાથે કાવતરું કરવા સ્વાશ્રયી થાય તેનો અનેરો આનંદ થાય. દેશળવિસળ, અમીચંદ મીરજાફર સ્વદેશી ગદ્દાર હતા. વિભીષણ વિદેશી ગદ્દાર હતા!

હિન્દોસ્તા, ભારત, આર્યાવર્ત , ઇન્ડિયાને કેસરીસ્તાન બનાવવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાનું કેટલાલ કેસરી નહીં પણ આંખમાં પીળીયો થયેલા લોકોને ભ્રમ છે. અમે એ ભ્રમનું નિરસન કરીએ છીએ! વિપક્ષોને કેસરીકરણ સામે કેસરિયા ન કરવા ગુલાબી આંખે વિનંતી કરીએ છીએ. બની શકે તો શનિવાર નહીં પણ દરરોજ કેસરી સિંદૂરનું તિલક કરી કેસરીકરણનું સમર્થન કરવા કેસરી અનુરોધ કરીએ છીએ!

કેટલી નાની બાબત. આટલી નાની બાબતે શેનો હોબાળો મચાવવાનો? વંદે ભારત ટ્રેનને કેસરી રંગે રંગે તો વિપક્ષના પેટમાં કેમ કેસરી તેલ રેડાય છે? વંદે ભારત ટ્રેન શરૂ કરવાનો મકસદ જ અમારો પ્રચાર કરવાનો હતો, છે અને રહેશે! વંદે ભારત ટ્રેનના ભાડા એસટી બસ કે લોકલ ટ્રેન કરતા મોંઘા રાખ્યા છે! તમારે કરવો હોય તેટલો વિરોધ કરી લો. અમારી કેસરિયા યાત્રા અવિરત ચાલું રહેવાની છે.

અમે હમણા એક હૉસ્પિટલનું સ્ટ્રેચર કેસરી રંગે રંગ્યું. એમાં પણ હોબાળો? સ્ટ્રેચર સફેદ રંગનું ન હોય તો દર્દીને હૉસ્પિટલમાં લાવવા કે લઇ જવામાં રાહુની મહાદશા જેવી અડચણ આવે? એમાં પણ હૉસ્પિટલનું કેસરીકરણ દેખાય છે? સફેદ રંગનું સ્ટ્રેચર તમને જોવું ગમતું હતું? તમારી જીએફના સોંગદ ખાઇને કહો કે સફેદ સ્ટ્રેચર જોઇને શોલેની બસંતી, મિસ્ટર ઇન્ડિયાની બિજલી ગિરાને આવેલી શ્રીદેવી કે બાબુજી ધીરે ચલો બિજલી ગીરી બીજલી ગીરીની યાના ગુપ્તા જેવી સિઝલીંગ, હોટ, સેન્સ્યુલ ફિલિંગ આવતી હતી કે શોલે ફિલ્મની સફેદ વસ્ત્રધારી જયા ભાદુરી જેવી મણિબેન ટાઇપ ફિલિંગ આવતી હતી? આંખને સફેદ રંગ ગમે કે કેસરી કલર ગમે? કેસરી કલરના સ્ટ્રેચરમાં દર્દીને રોગ સામે લડવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય! કુછ પલ્લે પડા કી નહીં? જાનમાં કેસરી કલરના સાફા પહેરેલા જાનૈયા કેવા દમામદાર લાગે છે! સ્ટ્રેચરના કેસરી કલર માટે તમે ગામ ગજવ્યું, વિપક્ષી વહુએ વગોવ્યાં મોટા ખોરડા. એટલે મેલ કરવત મોચીના મોચી ન્યાયે સફેદ રંગમ્ ગચ્છામિ કરવું પડ્યું. કજીયાનું મોં કેસરી નહીં પણ સફેદ કરવું પડ્યું!

અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુકત હોદ્દેદારોએ તેમની નેઇમ પ્લેટ કેસરી રંગની ચિતરાવી એમાં વિપક્ષનો કયો ગરાસ, રાસ, પ્રાસ, તાસ,ચાસ, આશ, ઉજાશ લૂંટાઇ ગયો હોય તેમ ત્રાસ કરે છે? હજુ અમે નોટીંગપેપર, ફાઇલ કવર, નોટપેડ કેસરી કરવાના છીએ. જાવ રોક શકો તો રોક લો! પાણીનો કલર કેસરી કરશું. ચા ઉકાળીએ એટલે કેસરી કલરની થશે. સફેદ વાળ કાળા રંગને બદલે કેસરી રંગની ડાઇ કરીશું!

હાઈસ્કૂલમાં ભણતી દીકરીઓને અપાતી સાઇકલનો કાળો રંગ સાઇકલ આપવામાં આવતી હતી. આ કાળા રંગની સાઇકલનો રંગ કાજળઘેરા કાળાડીબાંગ અંધારામાં દેખાતો ન હતો તેવી આધારહીન, તથ્યહીન અને અતાર્કિક રજૂઆતો મળતાં સાઇકલનો કાળો કલર બદલીને કેસરી કરેલ. અમે આટલેથી અટકવાના નથી! અમે મધ્યાહન ભોજન યોજનાની રોટી અને ભાતને કેસરી રંગે રંગવાના છીએ. પછી કહેતા નહીં કે અમે તમને જાણ કરી ન હતી.
બાળકોના ડાઇપર અને સેનેટેરીન નેપક્ધિસ પણ કેસરી કલરના રંગે રંગી નાંખવાના છીએ. બોલો, એની ડાઉટસ?!

ભારતના બંધારણના ઘડવૈયા ડૉકટર આમ્બેડકર સાહેબના ફોટોગ્રાફ કે મૂર્તિ સામાન્યત: વાદળી રંગના જોવા મળે છે. ઉતર પ્રદેશમાં અમે આંબેડકર સાહેબને અમારા પક્ષમાં મરણોતર પ્રવેશ આપીને કેસરી રંગના રંગે રંગેચંગે રંગી નાંખ્યા. આંબેડકર સાહેબ તો રંગ પરિવર્તનથી ખુશ છે તેવું સાહેબને કાનોકાન કહી આવેલા. કેમ કે,ભગવો રંગ સંન્યાસ કે અધ્યાત્મનો દ્યોતક છે. કેટલાક લોકોને આ રંગ પરિવર્તન પસંદ ન આવ્યું. તેમણે ઊહાપોહ કર્યો. પછી મૂર્તિ ઓરિજનલ વાદળી રંગમાં રંગાઉ ગઇ! કહે છે ને કે પાંચે આંગળી કેસરી ન હોય. યુપીમાં હજહાઉસને લીલો રંગ ગમતો ન હતો. આપણા રાજ્યમાં લીલો રંગ કેમ ચલાવી લેવાય? લીલો રંગ મઝહબી પાકિસ્તાની છે. એટલે રાતોરાત તું રંગાઇ જાને કેસરીમાં રંગાઇ ગયું. પ્રગતિ વિરોઘી તત્ત્વોએ ઊહાપોહ કર્યો અને હજહાઉસ લીલા રંગની આગોશમાં સમાઇ ગયું!

સામાન્ય રીતે રંગો આપમેળે કે આપબળે બદલાતા નથી. ભગવાને કાંચિડાને આ સુવિધા આપી છે, હવે જો કે, કાંચિડાની સંખ્યા વધતી જાય છે! કાંચિડો રંગ બદલીને કેસરી કલર કેમ કરતો નથી તેની આનુંવંશિક ઊણપ અંગે રિસર્ચ કરી કાંચિડો કલર બદલી કેસરી કલર કરે તે અમારી સરકારની પ્રાથમિકતા રહેશે! મહિલાઓને સ્વ રોજગારી માટે આપવામાં આવતી રિક્ષાનો પીંક કલર બદલીને કેસરી કલર કરવાનું આયોજન પાઇપલાઇનમાં છે!
ગાજર સમજદાર સબ્જી છે. તેનો રંગ કેસરીતુલ્ય છે. ગાજરને પગલે બટેટા, લસણ, ડુંગળી, ફૂદીનો, મેથી, પાલક, ભીંડી, પરવળ, વટાણા, ટમેટાંને કેસરી રંગ ધારણ કરવા નહીંતર પાકિસ્તાન જતા રહેવાની ચીમકી આપવામાં આવી છે! વટાણાનો લીલો રંગ ચાલશે નહીં તેવા વટાણા વેરી દો! વટાણાને કેસરી રંગના કેસરિયા પહેરાવો! કોથમીર અને મીઠા લીમડાને પણ કેસરિયામાં રંગી દો.

જૂના જમાનામાં રાજપૂતો ખરાખરીનો જંગ લડવા જાય તેને ‘કેસરિયા’ કર્યા એમ કહેવાતું, એમાં લીલા રંગને કોઇ સ્થાન ન હતું. ગરબામાં પણ ‘કેસરિયો રંગ તને લાગ્યો એલા ગરબા’ એમ ગવાય છે. લીલો રંગ તને લાગ્યો ઓલા ગરબા ગવાતું નથી. યે પોઇન્ટ નોટ કિયા જાય માય લોર્ડ!

અમે કહીએ છીએ કે કેસરીયાત્રા પ્રાણાંતે પણ ચાલુ રાખવી જોઇએ. આપણે તારાનો પીળો રંગ કોઇ પણ સંજોગોમાં ચલાવવો જોઇએ નહીં. પીળા ટમટમતાં તારોનો રંગ કેસરી કરી નાંખો. જમીનનો કાળો, ભૂખરો રંગ નહીં ચાલે, એને પણ કેસરી રંગમાં રંગી દો! એનો કોન્ટ્રેકટ અદાણી-અંબાણીને આપો. વાદળો કાળા કે સફેદ નહીં ચાલે. તમામ વાદળનો રંગ કેસરી કરો. વરસાદની જલધારા કેસરી જ થવી જોઇએ! જમીન પર ઉગતા ઘાસના લીલા કલરને લીધે નકારાત્મકતા વધે છે. ઘાસના એક એક તણખલાને પવિત્ર કેસરી રંગથી રંગી દો. પવનને પણ કેસરી કલરથી રંગી દો.

એક સરકારિયા જેવું કેસરિયા આયોગ બનાવો અને બધું કેસરી કરવા માટેની રણનીતિ-ટાપુનીતિ નક્કી કરે. પંજાબના રાજા રણજિતસિંહે ઐતિહાસિક વાક્ય ઉચ્ચારેલું કે યે સબ કેસરી હો જાયેંગા! બસ આ એવું જ થવાનું છે!

આપણે બધું કેસરી કરવા કૃતસંકલ્પ છીએ. સારી બાબત છે, પરંતુ ‘પઠાણ’ ફિલ્મમાં દીપિકા પદુકોંણે પહેરેલી કેસરી બિકીનીનો વિરોધ આંખમાં કણાની માફક ખૂંચે છે. બધાએ વિરોધ કરતા દીપિકાનો આ સીન વારંવાર ફોરવર્ડ રિવર્સ કરીને લાળ પાડતાં જોયો હતો!
દેશનું કેસરીકરણ કરવામાં જલદી કરો મરીજ, એક તો ઓછો કલર છે ને ભારે વિરોધ છે
તથાસ્તુ. સોરી કેસરી અસ્તુ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button