વીક એન્ડ

અગલી ફરમાઈશ હૈ ઝુમરી તલૈયા સે…!

મસાલેદાર વેબસિરીઝ બને એટલો મસાલો આ ગામમાં મોજૂદ છે!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

અમુક ઘટનાઓ ક્રમવાર ગોઠવાઈને એવો રસપ્રદ ઘટનાક્રમ બનાવે છે, કે ઇતિહાસનાં પાનાઓ પર એને સ્થાન આપવું પડે! આજે એવા જ એક ઘટનાક્રમની વાત કરવાની છે, જેમાં ખનીજથી શરૂ થયેલો ઘટનાક્રમ ભારતીય સિનેસંગીતની સૂરાવલીઓ વચ્ચે થઈને એકાએક ‘પૈસાદાર’ થઇ ગયેલા ટપાલીઓ સુધી પહોંચે છે! એમાં વચ્ચે વળી ભારત સરકાર અને શ્રીલંકાનો ઉલ્લેખ પણ આવશે.

આજની મોબાઈલ-ઓટીટી જનરેશનને રેડિયોનું સુખ નહિ સમજાય. બાકી એક જમાનો હતો, જ્યારે ટેલિવિઝન પણ લોકો સુધી પહોંચ્યા નહોતા, ત્યારે મનોરંજનના એકમાત્ર સાધન તરીકે રેડિયો ટોચ પર બિરાજતો હતો. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR)ની લોકપ્રિયતા ટોચે હતી, અને એમાં ફિલ્મી સંગીતનો ફાળો બહુ મોટો હતો. પણ ઇ.સ. ૧૯૫૨માં ભારત સરકારના તત્કાલીન માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી બી. વી. કેસાકરને વિચાર આવ્યો કે ફિલ્મી સંગીત આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી, માટે ઓલ ઇન્ડિયા રેડિયો પર ફિલ્મી સંગીત પર પ્રતિબંધ મૂકીને માત્ર ભારતીય સંગીત જ પીરસવું જોઈએ! પત્યું! મંત્રીજી બોલે પછી કોની મગદૂર કે વિરોધ કરે?! મંત્રીજીના આદેશ મુજબ AIR એ ફિલ્મી સંગીત પીરસવાનું બંધ કર્યું! એ સાથે જ લોકો માટે ઘરબેઠા મનોરંજનનો એકમાત્ર સ્રોત સૂકાઈ ગયો!

આનું પરિણામ એ આવ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં ફિલ્મ સંગીત પીરસનાર માધ્યમ માટે એક વિશાળ સ્કોપ પેદા થયો, જેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો ટચૂકડા પડોશી દેશ શ્રીલંકાએ. શ્રીલંકાએ પોતાના રેડિયો સિલોન’ સ્ટેશન પરથી લોકપ્રિય હિન્દી ફિલ્મી સંગીત પીરસવાનું શરુ કરી દીધું. અમીન સયાનીના અવાજમાં સંભળાતું જી હાં, ભાઈયો બહેનો… આજે પણ ઘણા વયસ્ક મિત્રોના કાનમાં ગુંજતું હશે! બહુ ઝડપથી ભારતીય માર્કેટ સર કરી લીધા બાદ, રેડિયો સિલોને એ જમાનામાં ‘માસ્ટર સ્ટ્રોક ગણાય’ એવું પગલું ભર્યું. આ માસ્ટર સ્ટ્રોક એટલે લોકોની ફરમાઈશ મુજબના ગીત વગાડવાની શરૂઆત! જરા વિચાર કરો, કમ્યુનિકેશનના અતિશય ટાંચાં સાધનો વચ્ચે તમે રેડિયો સિલોનને એક પોસ્ટકાર્ડ ઉપર તમારું નામ-ઠામ અને પસંદગીનું ગીત લખી મોકલાવો. અને એ ગીત, તમારા નામ અને ગામના ઉલ્લેખ સાથે રેડિયો સ્ટેશન પરથી વાગે, તો ગામમાં કેવો વટ્ટ પડી જાય! બસ, આ વટની વાત રેડિયો સિલોન માટે ટ્રંપ કાર્ડ સાબિત થઇ. લોકો હોશે હોશે કાગળ લખવા માંડ્યા, અને પોતાનું ગમતું ગીત પોતાના નામ-ઠામ સહિત રેડિયો પરથી પ્રસારિત થાય, એની કાગડોળે રાહ જોવા માંડ્યા! આ પ્રવૃત્તિને કારણે રેડિયો સિલોનનો શ્રોતાવર્ગ દિવસ-રાત વધતો ચાલ્યો. જોતજોતામાં રેડિયો સિલોનની ‘બિનાકા ગીતમાલા’ અને એના હોસ્ટ, ઘૂંટાયેલા અવાજવાળા અમીન સયાની આખા દેશમાં અત્યંત લોકપ્રિય થઇ ગયા.
પણ આ તો થઇ રેડિયો સિલોન, બિનાકા ગીતમાલા અને અમીન સયાનીની વાત. એમાં પેલા ખનીજથી માંડીને પોસ્ટમેન સુધીની વાત ક્યાંથી આવી?! જી હાં, ભાઈયોં બહેનો, ઇસકા જવાબ પાને કે લીયે હમેં જાના પડેગા ઝારખંડ!

ઇસ ૧૮૯૦માં ભારત પર રાજ કરતા બ્રિટિશર્સને ભારતના કોડરમા જિલ્લામાં માઈકા (Mica)નો મોટો જથ્થો હાથ લાગ્યો. માઈકા, એટલે કે અબરખના અનેક ઉપયોગ છે, પણ એ બધી વાતો અહીં અસ્થાને છે. આ ખનીજનું મહત્ત્વ સમજાવવા માટે એક જ બાબત કાફી છે. માઈકાને બહારની દુનિયા સુધી પહોંચાડવા માટે બ્રિટિશરોએ ખાસ રેલમાર્ગ નખાવડાવેલો. આવું કિંમતી ખનીજ મળે એટલે સ્વાભાવિક રીતે જ આસપાસના વિસ્તારોમાં વસતા લોકો, ખાસ કરીને જમીનદારોના નસીબ ખૂલી જાય! કોડરમામાં આવું જ એક ગામ હતું ‘ઝુમરી તલૈયા’. કંઈક યાદ આવ્યું? આ ગામનું નામ જાણીતું, છતાં વિચિત્ર લાગે છે ને? એનું કારણ છે હિન્દી ફિલ્મોનાં ગીતોમાં અનેક વાર આવતો એનો ઉલ્લેેખ. જો કે જૂની પેઢીના વાચકો આ ગામને ઓળખે છે રેડિયો સિલોન અને બિનાકા ગીતમાલાને કારણે!

ઝુમરી તલૈયા પાસે અબરખનો જે ભંડાર હતો, એ ખોદી કાઢવા માટે નાની મોટી અનેક ખાણો શરૂ થઇ. આવી ખાણોની સંખ્યા હજારોમાં હતી. સમય જતા, આ ખાણો જેમની જમીનો પર હતી એ બધા માલામાલ થઇ ગયા. દાયકાઓ સુધી ચાલતા રહેલા અબરખના વેપારને કારણે આખા વિસ્તારની સમૃદ્ધિ વધી. ઝુમરી તલૈયાના બે ભાઈઓ છાત્તુરામ ભદાણી અને હોરિલરામ ભદાણી તો ‘માઈકા કિંગ’ તરીકે ઓળખાવા માંડ્યા! બંને ભાઈઓ ધમધોકાર રૂપિયા કમાયા. જો કે રૂપિયા હાથમાં આવતા આ બંનેએ ગામને પણ લાભ કરાવ્યો. એક સમયે ખોબા જેવડું ગણાતું ઝુમરી તલૈયા નગરની જેમ વિકસવા માંડ્યું. આ એ સમય હતો જ્યારે હિન્દી ફિલ્મોમાં સૂરીલી ગાયિકા સુરૈયાનો અવાજ ગુંજતો. ઝુમરી તલૈયાની જનતાની ફિલ્મ સંગીત પ્રત્યેની રુચિને કારણે ભદાણી ભાઈઓ એ જમાનામાં સુરૈયાને મુંબઈથી ઝુમરી તલૈયા લઇ આવેલા, અને મોટો પ્રોગ્રામ ગોઠવેલો! બોલો, જે જમાનામાં ખુદ મુંબઈને ફિલ્મી ગીતોના લાઈવ કોન્સર્ટની નવાઈ હતી, એ જમાનામાં ઝુમરી તલૈયાવાલા જબરું ઇવેન્ટ મેનેજમેન્ટ કરી ગયા! જો કે આની પાછળ સ્થાનિક પ્રજાની ફિલ્મ સંગીત પ્રત્યેની પ્રીતિનો મોટો ફાળો હતો. ભારતની સ્વતંત્રતા બાદ પણ એ પ્રીતિ બરકરાર રહી, બલકે રેડિયોના માધ્યમને કારણે દિવસે દિવસે વધતી ગઈ.

હવે વાતને રેડિયો સિલોન અને ઝુમરી તલૈયાના વિશિષ્ટ સંબંધો તરફ આગળ ધપાવીએ. બિનાકા ગીતમાલા સ્વરૂપે ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ શરૂ થયો, એ સાથે જ ઝુમરી તલૈયાની પ્રજાને એમાં ભારે રસ પડ્યો. અહીં ભદાણીબંધુઓ સહિત ત્રીજો પણ એક માયકાકિંગ મોજૂદ હતો, જેનું નામ રામેશ્ર્વર પ્રસાદ બર્નવાલ. આ ભાઈ પણ ફિલ્મી ગીતોના ભારે રસિયા. બર્નવાલબાબુને એવી ચળસ ચડી કે રોજેરોજ બિનાકા ગીતમાલાને પોસ્ટ કાર્ડ લખીને ફરમાઈશ મોકલવા માંડ્યા. બની શકે કે એ સમયે સંદેશ વ્યવહારના ટાંચા સાધનો અને ગરીબી-નિરક્ષરતાને કારણે રેડિયો સ્ટેશનને પોસ્ટકાર્ડ લખી મોકલવાનું સામર્થ્ય ધરાવનારા લોકો દેશમાં બહુ ઓછા હશે. એટલે બિનાકાવાળાને પણ રામેશ્ર્વર બાબુ જેવા ડેડીકેટેડ શ્રોતાની જરૂર હશે. પરિણામે બિનાકા ગીતમાલામાં રોજેરોજ રામેશ્ર્વર બાબુ અને ઝુમરી તલૈયાના ઉલ્લેખ સાથે ફરમાઈશી ગીતો વગાડવા માંડ્યા. જેટલી વાર રામેશ્ર્વરનું ગીત વાગે એટલી વાર અમીન સયાની બર્નવાલનું નામ અને ઝુમરી તલૈયાનો ઉલ્લેખ કરે. બર્નવાલ બાબુને તો મોજ પડી ગઈ! બર્નવાલની આ રોજિંદી મોજથી આકર્ષાઈને ગંગાપ્રસાદ મગધિયા અને નંદલાલ સિંહા નામના બીજા બે ઝુમરી તલૈયાવાસીઓને પણ ફરમાઈશી પોસ્ટકાર્ડ લખવાનો ચસ્કો લાગ્યો! ફિર તો કયા થા, એક પછી એક લોગ જુડતે ગયે, ઔર ફરમાઈશી પોસ્ટકાર્ડસકા કારવાં બનતા ગયા!

આજના જમાનામાં આ બધી વાતો કદાચ નાદાનિયતમાં ખપી જાય. બટ અગેઇન, આ એ જમાનાની વાતો છે, જ્યારે મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક સમાચારપત્રો પણ માંડ માંડ પહોંચતા. એ જમાનામાં કોઈનું નામ અને ગામ દેશના લાખો શ્રોતાઓ સામે ઉલ્લેખ પામે, એનો રોમાંચ કેવડો મોટો હશે! લોકોને વળગેલા ચસકા પાછળ આજ રોમાંચ કારણભૂત હતો.

રામેશ્ર્વર બર્નવાલ, ગંગાપ્રસાદ મગધિયા અને નંદલાલ સિંહાની પાછળ પાછળ ઝુમરી તલૈયામાં ફરમાઈશી પોસ્ટકાર્ડ લખનારાઓનો જાણે આખો સંપ્રદાય ઊભો થઇ ગયો. નાના અમથા નગરમાં ફિલ્મ મ્યુઝિક લવર્સના અનેક ગ્રુપ બનવા લાગ્યા. રેડિયો પર ઝુમરી તલૈયાનું નામ આવ્યા વિના એક્કેય દિવસ જતો નહિ. પરિણામે બિનાકા ગીતમાલાની સાથે સાથે ઝુમરી તલૈયાનું નામ પણ આખા ભારતમાં ખ્યાતિ પામ્યું.

ઠેઠ ૧૯૫૭માં ઓલ ઇન્ડિયા રેડિયોને પોતાની (એટલે કે પેલા મંત્રીજીની) ભૂલ સમજાઈ. ભૂલના પશ્ર્ચાતાપ સ્વરૂપે ખાસ ફિલ્મ સંગીત માટે જ વિવિધ ભારતી (VBS) નામનું અલાયદું સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. દરમિયાન, ઝુમરી તલૈયાના ગીતપ્રેમીઓ પણ પ્રગતિ કરીને ફરમાઈશના છાપેલા ફોર્મેટવાળા પોસ્ટકાર્ડ વાપરતા થઇ ગયા, જેમાં પોસ્ટકાર્ડ મોકલનારે માત્ર પોતાનું નામ અને ફરમાઈશી ગીતનું નામ જ લખવાના રહેતા!

હવે લેખની શરૂઆતમાં જણાવેલી આખી વાત તમને મનમાં બેઠી હશે. અબરખની ખાણોથી શરૂ થયેલી વાત કઈ રીતે સંગીતની સૂરીલી સફર કરી ગઈ, એ સમજાયું હશે. પણ શરૂઆતમાં જે ‘પૈસાદાર’ પોસ્ટમેનનો ઉલ્લેખ કર્યો, એ કઈ રીતે વાતમાં આવ્યા? ગૌર સે પઢતે રહીએ ભાઈયોં બહેનો… અબ જાનતે હૈ પોસ્ટમેનકી કમાઈ કે કિસ્સે…
થયું એવું કે રેડિયો સિલોન પર વારંવાર નામ આવવાને કારણે ઝુમરી તલૈયામાં એવા કેટલાક લોકલ ‘સુપર સ્ટાર્સ’ પેદા થઇ ગયા, જેમનું નામ વારંવાર રેડિયો પર સંભળાતું. આ લોકોને પાછી અંદરોઅંદર એકબીજાની ઈર્ષ્યા થવા માંડી. તેઓ એકબીજાને પોતાના પ્રતિસ્પર્ધી માનવા માંડ્યા! પોતે લખેલો પોસ્ટકાર્ડ સમયસર રેડિયો સ્ટેશન સુધી પહોંચે, એન્ડ એટ ધિ સેમ ટાઈમ, પોતાનાં પ્રતિસ્પર્ધી’નો પોસ્ટકાર્ડ ક્યાંક અટવાઈ જાય’, એ માટે ઘણા ગીતપ્રેમીઓએ ટપાલીઓને લાંચ આપવાની શરૂઆત કરેલી! જો કે આ બાબત હજી સાબિત નથી થઇ, એટલે ચોક્કસપણે કશું કહી શકાય નહિ, પરંતુ માનવ સ્વભાવની લાક્ષણિકતાઓ જોતા આવું થવું શક્ય છે જ.

તો બોલો, ખનિજથી માંડીને ફિલ્મ સંગીત અને ગ્રામ્ય પોલિટિક્સના તાણાવાણા ધરાવતી એકાદ કસદાર વેબસિરીઝ બની જાય, એટલો મસાલો છે ને ઝુમરી તલૈયાના ઇતિહાસમાં! મજાની વાત એ છે કે રેડિયો પર પુનરાવર્તિત થતા વિચિત્ર પ્રકારના નામને કારણે ઘણા લોકો ‘ઝુમરી તલૈયા’ જેવું કોઈ નામ છે એવું માનવા જ તૈયાર નહોતા થતા. કેટલાક એવું માનતા કે રેડિયો સ્ટેશનવાળાઓ પોતાને મનગમતાં ગીતો વગાડવા માટે ઝુમરી તલૈયા જેવું બોગસ નામ વાપરતા હશે. જો કે આ બધી વાતોની વચ્ચે ઝુમરી તલૈયાનું પોતાનું સત્ય એવું ય છે કે ગામના અનેક લોકોએ રેડિયોમાં પોતાનું નામ સાંભળતા રહેવાના ચસકા પાછળ જીવનનો કિંમતી સમય બરબાદ કરી નાખ્યો, અને રેડિયો સામે ચોંટી રહ્યા! આ માટે ગંગાપ્રસાદ મગધિયાએ એક વાર ખિન્ન હૃદયે કહેલું, માના કી ફરમાઈશ બચપન બરબાદ કરતી હૈ, મગર એ ક્યા કમ હૈ કિ દુનિયા યાદ કરતી હૈ!

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે