સલમાન ખાને મામલો પતાવવા બિશ્નોઈને બ્લેન્ક ચેક આપ્યો હતો, લોરેન્સના ભાઈનો દાવો
મુંબઈ: લોરેન્સ બિશ્નોઈ ગેંગ છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Lawrance Bishnoi Threatened Salman Khan) ને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે. મુંબઈમાં સલમાન ખાનના નજીકના ગણાતા નેતા બાબા સિદીકીની હત્યા (Baba Siddiqui) થયા બાદ સલમાન ખાનની સુરક્ષા પર મોટું જોખમ ઉભું થયું છે. આ સમગ્ર મામલાનું મૂળ છે સલમાન ખાન પર લાગેલો કાળીયારનો શિકાર (Black buck) કરવાનો આરોપ., લોરેન્સના પિતરાઈ ભાઈએ દાવો કર્યો છે કે સલમાન ખાને વર્ષો પહેલા ‘બ્લેન્ક ચેક’ આપણીને મામલો પતાવવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપો મુજબ વર્ષ 1998માં સલમાન ખાને કાળિયારનો શિકાર કર્યો હતો. બિશ્નોઈ સમુદાય દ્વારા આ કાળીયાર પવિત્ર માનવામાં આવે છે. એક ન્યુઝ ચેનલ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં, જેલમાં બંધ લોરેન્સના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ સલમાન ખાન અંગે ખુલાસો કર્યો હતો.
રમેશ બિશ્નોઈએ દાવો કર્યો હતો કે કાળિયારનો મામલો ઉઠ્યા બાદ અને બિશ્નોઈ સમુદાયે સલમાન સામે વિરોધ કર્યો હતો. ત્યારે સલમાને વળતર તરીકે પૈસાની ઓફર કરી. તેણે કહ્યું કે સલમાન સમુદાયના નેતાઓને મળવા માટે એક કોરી ચેકબુક લાવ્યો હતો, જેમાં મામલો ખતમ કરવાના બદલામાં તેઓ ઈચ્છે તેટલી રકમ ભરવાનું કહ્યું હતું. રમેશે કહ્યું, “જો અમારે પૈસની જ જરૂર હોત તો, તો અમે ચેક સ્વીકારી લીધો હોત.”
લોરેન્સ નાણા પડાવવા સલમાનને નિશાન બનાવી રહ્યા હોવાના સલમાનના પિતા સલીમ ખાનના આરોપને અંગે રમેશ બિશ્નોઈએ કહ્યું કે આ મુદ્દો વિચારધારા પર આધારિત છે, પૈસા પર નહીં. તે સમયે અમારું લોહી ઉકલી ઉઠ્યું હતું. લોરેન્સ પાસે ભારતમાં 110 એકર જમીન છે, તેને ખંડણીના રૂપિયા ઉઘરાવવાની જરૂર નથી.
સલમાન ખાન વર્ષ 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે જોધપુરમાં કાળિયારના શિકારની ઘટના બની હતી. તેની સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ 25 વર્ષ ચાલ્યો અને સલમાન દોષિત ઠેરવવામાં આવ્યો હતો, હાલમાં તે જામીન પર બહાર છે.
બિશ્નોઈ સમુદાય, જે કાળિયારને પવિત્ર માને છે, સમુદાયે વારંવાર સલમાનને તેના કૃત્ય માટે માફી માંગવા કહ્યું છે. અભિનેતાના પિતા, સલીમ ખાને તાજેતરમાં કહ્યું હતું કે માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે તેનો અર્થ એ થશે કે સલમાન અપરાધ સ્વીકારી રહ્યો છે.