ભણતરની એક, બે ને ત્રણ, બનાય તો નેતા
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
આજકાલ મોંઘવારી ભ્રષ્ટાચારની જેમ વધતી જાય છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી નોકરી કરતા લોકો રીપિટ થવાશે કે નહીં તે ચિંતામાં મૂળ વાત ભૂલી અને મુખી કે એટલું જ ધ્યાનમાં લે છે. મૌન યુગ આવી ગયો છે.
ગાડા યુગથી લઈ અને યંત્ર યુગ સુધી સમય બદલાતો રહ્યો, પરંતુ એક યુગ ક્યારેય ન બદલાય તે નેતા યુગ. દેશ આઝાદ થયો ત્યારથી લઇ અને અત્યાર સુધીનો સમય તમે જુઓ તો નેતાઓની ક્વૉલીટીમાં જાજો ફેર નથી પડ્યો. વાવાઝોડાને કારણે કેરીનો પાક બગડે.
એક પેટી લો અને તેમાં બે ચાર બગડેલી કેરી હોય એવું બને, પરંતુ રાજકારણની પેટીમાં આથી ઊંધુ હોય છે બહુ ઓછા સારા નીકળે. હાલની શિક્ષણપદ્ધતિ અને ફીનું ધોરણ જોતા વાલીઓએ હવે વિચારી લેવું જોઈએ કે લાખો ખર્ચી અને છોકરા-છોકરીઓને ભણાવશો, પરંતુ જરૂરી નથી કે તે એન્જિનિયર, ડૉક્ટર કે કમ્પ્યુટર એક્સપર્ટ થશે. તમારા ફિમાં ખર્ચેલા પૈસાનું કદાચ પાણી થઇ જાય, પરંતુ જો છોકરાને સરકારી શાળામાં ભણાવી ફી બચાવી અને તેને લોકનેતા બનાવવામા રોકાણ કરશો તો ભવિષ્યમાં પાક્કો રાજકારણી બની શકશે.
સરકારી નોકરીમાં જેમ ક્લાસ વન, ટુ, થ્રી, ફોર, નોકરી હોય છે તેમ આમાં વડા નેતાથી માંડી મહોલ્લા પ્રમુખ સુધીની કેટેગરી મળી શકે. સમાજમાં જેમ નોકરીવાંચ્છુઓની બેકારોની ફોજ હોય એમ નેતા બનવાની હોડમાં ઘણા ટિકિટવાંછુઓ હોય.
કોઈપણ વ્યવસાયમાં એમ કહેવાય છે કે ૯૯૯ દિવસ ગધેડાની જેમ મહેનત કરવી પડે પછી તમારો ધંધો જામે.
રાજકારણ એક જ એવો ધંધો છે કે પહેલા જ વર્ષે હાથી બાંધી શકો એટલું રળી આપે. અત્યારની પરિસ્થિતિમાં ઘણા ઓફિસરો પણ રાજકારણીઓની જેમ ખાઉધરા થવા માંડયા છે. મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે ખાતાના પ્રધાનની બુદ્ધિ ઓછી હોય તે ખાતાનો વહીવટ હોશિયાર સરકારી અધિકારીઓ જ કરતા હોય છે. ‘હાથમાં તેના મોઢામાં’ એ કહેવત પ્રમાણે નેતાઓને ભાગે કદાચ વધ્યું, ઘટયું આવતું હશે.
આટલી વાતો સાંભળ્યા પછી દિલાએ વાક બૉમ્બ ફોડ્યો કે મારામાં સ્કૂલ ટાઈમથી નેતાના બધા જ ગુણ છે હું મારા ક્લાસમાં મોનિટર હતો. અને એ સમયે એવું હતું કે વર્ગનો સૌથી તોફાની છોકરાને મોનિટર બનાવવામાં આવતો જેથી વર્ગમાં શાંતિ રહે. અને દિલાનું શરીર પહેલેથી જ ભારે એટલે જે કોઈ છોકરો તોફાન કરે તેને સુવડાવી તેની ઉપર એક કલાક દિલાને બેસાડવામાં આવતો. એટલે દિલો પણ શાંત રહે અને દબાયેલો છોકરો બીજી વાર તોફાન ન કરે. આમ દિલો એની વાતમાં ખોટો ન હતો.
આજકાલના યુવાનો માટે વિવેકાનંદ કે ગાંધીજી આદર્શ નથી રહ્યા, પણ ઓ ટી ટી પર રિલીઝ થતી વેબ સિરીઝના ગૅંગસ્ટર આદર્શ થતા જાય છે. તેમનાં માટે અર્થવ્યવસ્થા એટલે કોઈ પણ રીતે રૂપિયા મળવા જોઇએ એટલે સમાજમાં બે ભાગ પડતા જાય છે રાજા ભોજ અને ગંગુ તેલી જેટલું અંતર થતું જાય છે.
હમણા એક નેતા લક્ઝરિયસ ગાડી ખરીદવા ગયા. ગાડીના શોરૂમનો માલિક દોડતો દોડતો આગતાસ્વાગતા કરવા માટે આવી. ગયો ૨૫ લાખની ગાડી પસંદ કરી અને નેતાએ ફોર્માલિટી ખાતર પૂછ્યું કેટલા રૂપિયાની છે? એટલે શોરૂમના માલિકે કહ્યું કે સાહેબ તમારા પૈસા થોડા લેવાય? તો નેતાએ કહ્યું કે મારે તમને કશુંક તો દેવું જોઈએ.
તો શોરૂમના માલિકે કહ્યું કે કાંઈ વાંધો નહીં એક રૂપિયો આપો. નેતાજીએ ખિસ્સામાંથી બે રૂપિયાનો સિક્કો કાઢ્યો. શોરૂમના માલિકને મજાક સૂજી એટલે તેણે કહ્યું કે મારી પાસે રૂપિયો છુટ્ટો નથી. નેતાજી કહે કાંઈ વાંધો નહીં રૂપિયો છુટ્ટો ન હોય તો મારી વાઇફ માટે પણ આવી એક બીજી કાઢી દે. શોરૂમના માલિકે શો રૂમ વેંચી કરિયાણાની દુકાન કરી તો નેતાજી ત્યાંથી વરસના ઘઉં ભરી આવ્યા. જપટે ન ચડાય.
નેતાજી બનવાની પાયાની બાબતો અંગે ચુનિયાએ સ્કૂલ ખોલી છોકરાને ૧૦ ફૂટ ઊંચી વંડી પર ઊભો રાખ્યો અને વિશ્ર્વાસમાં લઇ નીચે જાડા ગાદલા પાથરી છોકરાને ઠેકડો મારવા કહ્યું. છોકરાએ ના પાડી તો ચુનિયાએ વિશ્ર્વાસ આપ્યો કે કશું જ નહીં થાય.
ચિંતા કરવામાં મારી પર વિશ્ર્વાસ રાખ. જેવો છોકરાએ ઠેકડો માર્યો કે ચુનિયાએ ગાદલું અને પોતાનો હાથ સેરવી લીધો. છોકરો નીચે જમીન પર પડ્યો, સારું એવું વાગ્યું. છોકરો રોવા લાગ્યો અને કહ્યું કે તમે મને વિશ્ર્વાસ આપ્યો હતો મેં તમારી ઉપર વિશ્ર્વાસ રાખ્યો અને તમે હટી ગયા એટલે તરત જ ચુનિયાએ કહ્યું કે નેતા થવા પહેલી સલાહ એ છે કે સગા બાપ પર પણ વિશ્ર્વાસ ન મૂકો.
વિચારવાયું
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કેમ કરે છે?
દરેક જ્ઞાતિને પોત પોતાનાં વડા પ્રધાન, મુખ્ય પ્રધાન, મંત્રીઓ મળેને એટલે. (???)