વરલીમાં પોલિટિકલ વૉરઃ આદિત્ય ઠાકરેને હરાવવા મહાયુતી આ સાંસદને આપશે ટિકિટ?
મુંબઈઃ ચૂંટણી આવે ત્યારે અટકળોનું બજાર આપોઆપ ગરમાતું હોય છે અને ઘણીવાર ન માન્યામાં આવતી વાતો સાચી પણ પડતી હોય છે. આવી જ એક વાત રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે, જે મુંબઈની વરલી વિધાનસભા બેઠક પરની છે.
આ બેઠક હાલમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની છે, અહીંથી આદિત્ય ઠાકરે વિધાનસભ્ય છે અને આગામી ચૂંટણી પણ તે જ લડી રહ્યો છે. હવે આદિત્યને મ્હાત કરવા માટે મહાયુતીએ ખાસ ચ્રક્રવ્યૂહ બનાવ્યો હોવાનું કહેવાય છે. આ માટે આદિત્ય વિરુદ્ધ અહીંના ભૂતપૂર્વ સાંસદ અને હાલના શિંદેસેનાના રાજ્યસભાના સાંસદ મિલિન્દ દેવરાને ટિકિટ આપવાનો વિચાર થઈ રહ્યો છે. મિલિન્દ સાંસદ બન્યા બાદ રાજ્યના રાજકારણમાં સક્રિય થાય કે નહીં તે અલગ વાત છે, પંરતુ મહાયુતી આ નામની ચર્ચા કરી રહી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
મિલિન્દ સાથે શાઈના એન સીનું નામ પણ ચર્ચામાં છે. વરલી પોશ વિસ્તાર છે અને અહીં મુંબઈના માલેતુજારો રહે છે. દેવરા અને શાઈના બન્ને આ સમૂહમાં ખૂબ જાણીતા ચહેરા છે. જોકે દેવરાને વિધાનસભામાં મેદાનમાં ઉતારે તે વાત માન્યામાં આવે તેમ નથી, પરંતુ આદિત્યને હરાવવા માટે મજબૂત ચહેરો અનિવાર્ય છે, આથી ભાજપ સહિતના પક્ષો ખાસ મથામણ કર રહ્યા છે.
આ પણ વાંચો…..Maharashtra Election 2024: બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીએ છોડ્યો કોંગ્રેસનો સાથ, NCPએ આપી આ બેઠક પરથી ટિકિટ
બીજી બાજુ રાજ ઠાકરેએ અહીં તેના યુવા નેતા અને કોર્પોરેટર રહી ચૂકેલા સંદીપ દેશપાંડેને ટિકિટ આપી છે. સૂત્રો જણાવે છે કે મહાયુતી અને ઠાકરે વચ્ચે પણ બેઠક થઈ હતી અને તેમાં ઠાકરે ભત્રીજા આદિત્યને હરાવવામાં મદદ કરે તે અંગે ચર્ચા થઈ હતી. જોકે રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે વિરુદ્ધ શિવેસના (યુબીટી) ઉમેદવાર નહીં ઊભો કરે, તેવી ચર્ચા છે ત્યારે રાજ આદિત્ય વિરુદ્ધ કામ કરશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.