મેટિનીસ્પેશિયલ ફિચર્સ

ફટા પોસ્ટર, નિકલા… : આર્ટ ફિલ્મોના અઘરા ‘પ્રેક્ષક-પંડિતો’!

  • મહેશ નાણાવટી

પેલી કહેવત છે ને, ‘ચા કરતાં કિટલી ગરમ..’ એ રીતે ક્યારેક મહાન ફિલ્મ મેકરો કરતાં અમુક ફિલ્મ-પંડિતો વધારે ઊંતી કક્ષાના નીકળતા હોય છે.

એક કિસ્સો એવો બન્યો હતો કે પૂણેની પ્રખ્યાત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ’માં જાણીતા ફિલ્મમેકર સત્યજીત રેની કોઈ ફિલ્મનું સ્ક્રિનિંગ ચાલી રહ્યું હતું. (ઇન્સ્ટિટ્યૂટમાં એક નાનકડું થિયેટર છે, જેમાં લગભગ રોજ કોઈ ને કોઈ ફિલ્મનું સ્ક્રિનિંગ ચાલતું હોય છે.)

આ ફિલ્મ પતી પછી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના સ્ટૂડન્ટોમાં ડિસ્કશન ચાલ્યું. એના એક દૃશ્યમાં એવું હતું કે એક કૂતરો ડાબેથી જમણી તરફ પસાર થઈ જાય છે, એક સ્ટુડન્ટે કહ્યું : ‘એમ હતું કે આ કૂતરો, એટલે કે ‘ડોગ’ એ દેશના ‘અન્ડરડોગ’ યાને કે વંચિત લોકોનું પ્રતીક છે. દિગ્દર્શક સત્યજીત રે આ દ્વારા વંચિત લોકોની પીડા તરફ છૂપો ઈશારો કરી રહ્યા છે.’

| Also Read: ફ્લૅશ બૅક : પ્રદીપ કુમાર ઓછી પ્રતિભા, મોટી પ્રતિમા

બીજાએ એમાં ઉમેર્યું: ‘એટલું જ નહીં, એમાં હજી ઊંડો સંકેત છે…કૂતરો ડાબે તરફથી જમણી તરફ જાય છે એનો મતલબ એમ થયો કે કૂતરો જમણી વિચારધારા તરફ જઈ રહ્યો છે, રે સાહેબે ભલે ભારતની ગરીબીને પડદા ઉપર દેખાડી છે, પરંતુ એ ક્યારેય ખુલ્લી રીતે સામ્યવાદી જણાયા નથી. અહીં રે સાહેબ એવો સંકેત આપી રહ્યાં છે કે બિચારો ભૂખ્યો ડાબેરી કૂતરો હવે સામ્યવાદી વિચારધારા છોડીને કેપિટાલીઝમ એટલે કે જમણેરી દિશા તરફ જવા માટે મજબૂર છે અને એ જ તો આજના પશ્ર્ચિમ બંગાળની વાસ્તવિકતા છે! સામ્યવાદનો ભ્રમ તૂટી રહ્યો છે…વગેરે, વગેરે.’
એમાં વળી કોઈ ત્રીજાએ નવું અર્થઘટન કાઢ્યું કે, ‘ભલે કૂતરો, યાને કે ‘અન્ડરડોગ’, ડાબેથી જમણી તરફ જઈ રહ્યો છે, પણ ત્યાં એના માટે શું છે? એ બાજુ પણ એના માટે કંઈ ભોજન નથી.’

વળી સામી દલીલ ચાલી કે ‘રે સાહેબ જેવા મહાન દિગ્દર્શક બધું ઊઘાડું અને સીધેસીધું ના બતાડે, કેમ કે આ કૂતરો તો બેકગ્રાઉન્ડમાં છે. મુખ્ય દૃશ્ય તો બીજું જ ચાલી રહ્યું છે. કૂતરાનું ડાબેથી જમણી તરફ જવું એ માત્ર એક ‘હિડન લેયર’ છે. એક જાતનું ‘સિમ્બોલીઝમ’ છે…વગેરે, વગેરે.’

આમાં ખાસ્સું લાંબું અને ગરમાગરમ ડિસ્કશન થઈ ગયું! છેવટે કોઈ પક્ષે ‘સમાધાન’ ન થયું એટલે ચર્ચા ત્યાં જ અટકી પડી. ત્યારબાદ કંઈક મહિનાઓ પછી સત્યજીત રે પુણે ફિલ્મ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પ્રસંગોપાત પધાર્યા હશે, તે વખતે આ સ્ટુડન્ટોને પેલા કૂતરાની ચર્ચા યાદ આવી!
એમાંના એક ઊભા થઈને પૂછ્યું કે ‘ફલાણી ફિલ્મમાં તમે જે બતાડ્યું છે કે એક કૂતરો ડાબેથી જમણી તરફ જાય છે.. તો એ દ્વારા તમે શું કહેવા માગો છો?’

રે સાહેબ તો વિચારમાં પડી ગયા. પૂછ્યું:, ‘ભાઈ, કઈ ફિલ્મ? કયું દૃશ્ય?’
વિદ્યાર્થીઓએ ફિલ્મનું નામ દઈને ચોક્કસ દૃશ્યની યાદ અપાવી ત્યારે રે સાહેબ હસી પડ્યા અને બોલ્યા, ‘ઓહ ધેટ ડોગ? હી જસ્ટ પાસ્ડ!’ (અરે એ કૂતરો? એ તો આમ જ પસાર થયેલો એમાં કેમેરામાં ઝડપાઈ ગયો !)

આપણાં છાપાઓમાં પણ ફિલ્મનું વિવેચન કે રસપાન કરાવવાને બહાને અમુક કટાર લેખકો છાપાનું લગભગ અડધું પાનું ભરીને આવા ‘મેટાફર’, ‘લેયર્સ’, ‘હિડન મેસેજ’, ‘લેયર્ડ સ્ટોરીટેલિંગ’ અને ‘સટ્લ સિમ્બોલિઝમ’ જેવા શબ્દોના વઘાર કરતાં કરતાં પોતાની પંડિતાઈના પ્રદર્શનો કરતા રહે છે.

જોકે હવે પછીનો જે કિસ્સો છે એમાં બિચારો એક ભોળો પ્રેક્ષક છે. મુંબઈના સ્ક્રિન-રાઇટર્સ એસોસિએશનના ઉપક્રમે અવારનવાર ‘માસ્ટર-ક્લાસ’ નામે એક કાર્યક્રમ થતો હોય છે, જેમાં નામી લેખક-દિગ્દર્શકો પોતાની ફિલ્મો વિશે વાતો કરતા હોય છે. આવા જ એક પ્રોગ્રામમાં જાણીતા દિગ્દર્શક વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિન્દા’ વિશે ચર્ચા ચાલી રહી હતી. એમાં એક ભોળા યુવાન પ્રેક્ષકે સવાલ કર્યો કે ‘તમે તમારી ફિલ્મમાં જે મુંબઈ શહેર બતાડ્યું છે, તે આમ સાવ ‘ઘોસ્ટ સિટી’ જેવું કેમ લાગે છે?’

| Also Read: ક્લેપ એન્ડ કટ..! : અરે બાંગડુ , કિશોર કુમારના રોલમાં આમિર ખાન?!

વિધુ વિનોદ ચોપડા પૂછે છે : ‘ઘોસ્ટ સિટી’? ‘કઈ રીતે?’

પેલા ભાઈ કહે છે, ‘જુઓને, શહેરમાં ખાસ લોકો જ દેખાતા નથી, રસ્તાઓ લગભગ સુમસામ છે, ટ્રાફિક જામ નથી… વગેરે.’
વિધુ વિનોદ ચોપડા હસી પડ્યા: ‘કેમ કે મિત્ર, જ્યારે હું એ ફિલ્મ શૂટ કરી રહ્યો હતો ત્યારે મુંબઈ શહેર એવું જ હતું! આજના કરતાં ટ્રાફિક અને ભીડ ઘણાં ઓછાં હતાં.!’
આપણને થાય કે એ ભાઈને પચાસના દશકની હિન્દી ફિલ્મો બતાડવી જોઈએ. એમાં તો આખેઆખી ચોપાટી ખાલીખમ દેખાય છે.! ‘ચલતી કા નામ ગાડી’માં તો કિશોર કુમાર, અશોક કુમાર અને અનુપ કુમાર ટ્રાફિક સર્કલોની આસપાસ પોતાની ખટારા કાર વડે ‘ઘુમરીઓ’ લઈ રહ્યાં છે ને રેડ સિગ્નલ દેખાતા જ નથી! (‘બાબુ સમજો ઈશારે..’.વાળું ગીત)

ત્રીજો કિસ્સો તો સાવ અવળચંડો છે. એ વખતે આ લખનાર વડોદરા ‘એમ.એસ. યુનિવર્સિટી’ની હોસ્ટેલમાં રહેતાં હતાં. (ઉંમર હતી પોણા સત્તર વર્ષ) એ વખતે નવો નવો ‘સમાંતર સિનેમા’નો પવન ફૂંકાવાનો શરૂ થયેલો. એ ગાળામાં ‘સારા આકાશ’ (બાસુ ચેટર્જી જેના દિગ્દર્શક) ફિલ્મ એક થિયેટરમાં માત્ર મેટિની શોમાં પડેલી. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં એક્ મિત્રનો જે રૂમ પાર્ટનર હતો એ ત્યાંની ડ્રામા કોલેજના ખૂબ જ બ્રાઇટ સ્ટુડન્ટ ‘સારા આકાશ’ જોઈ આવેલા અને કંઈ વખાણ કરે, કંઈ વખાણ!

‘આહાહા, શું ગજબની ફિલ્મ છે…ધ્રૂજતો તાજમહલ…તૂટી જતા સંવાદો… વારંવાર ટ્રકો પસાર થવાના અવાજો…ગજબ છે યાર! ગજબ!’

આ રિવ્યુથી પ્રભાવિત થઈને અમે પણ ‘સારા આકાશ’ જોવા ગયા, પણ પેલો ધ્રૂજતો તાજમહલ તો દેખાયો જ નહીં! હા, તાજમહલ હતો પણ ધ્રૂજતો નહોતો! બલ્કે અમુક દૃશ્યોમાં આખું ઘર ધ્રૂજતું હતું!

| Also Read: સૌથી વધુ ફિલ્મો, સૌથી વધુ ડબલ રોલ ને ટ્રિપલ રોલ, એક જ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો…..કોણ છે એ કલાકાર?!

પાછળથી ખબર પડી કે ફિલ્મની પ્રિન્ટમાં કઈ ટેક્નિકલ ખામી હતી, જેના કારણે દરેક શોમાં અલગ-અલગ દૃશ્યો ધ્રૂજતાં હતાં! અલગ-અલગ દૃશ્યોનાં સંવાદો તૂટી જતા હતા અને પેલો પસાર થતી ટ્રકોનો અવાજ નહીં, પણ એ તો ટેક્નિકલ ડિસ્ટબર્ન્સનો ઘોંઘાટ હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button