વેર-વિખેર – પ્રકરણ-૯૬
- કિરણ રાયવડેરા
જમાઈબાબુ, જો હું વાઘ લાગતો હોઉં તો એનું એક માત્ર કારણ એ છે કે મારી આજુબાજુ એક શિયાળ માણસ સ્વરૂપે ફરે છે. એ શિયાળે મારા જિગરજાન મિત્ર પર હુમલો કરવાની કોશિશ કરી છે… એ શિયાળને હું નહીં છોડું!
વારવાર વાતમાં અર્થહીન ટાપશી પૂરીને બધાને અકળાવતા જતીનકુમારાથી ત્રાસેલા કરણથે રહેવાયું નહીં :
‘જમાઈબાબુ, આપણે હોસ્પિટલ આવે ત્યાં સુધી ચૂપચાપ બેસીએ તો કેવું રહેશે?’
‘બહુ જ ઉત્તમ રહેશે, સાળાબાબુ, તમે ચિંતા નહીં કરો. તમને કોઈ પૂછે કે તમારી વહુએ શેરબજારમાં કેટલું નુકસાન કર્યું કે એને પચ્ચીસ લાખની જરૂર પડી ગઈ? સાળાબાબુ, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી’ એ ઉક્તિ તો સાંભળી છે ને? ફરક બસ એટલો છે કે તમારી વહુએ તો સાસરિયાના બારણેથી નહીં, પિયરના બારણેથી જ એનાં લક્ષણ દેખાડવાનાં શરૂ કરી દીધાં છે.’
કરણને ઝાળ લાગી ગઈ. ઈચ્છા તો એવી થઈ આવી કે પડખે બેસેલા જમાઈને એક અડબોથ લગાવી દે, પણ એમ કરવા જતાં બાજી બગડી જશે. કબીર અંકલની સામે તમાશો થઈ જશે અને પછી કરણે નિસાસો નાખીને બારીની બહાર જોવા માંડયું.
હોસ્પિટલમાં સમય મળશે તો રૂપા સાથે વાત કરી લઈશ. એક વાત નથી સમજાતી કે મમ્મી, પપ્પા, કબીર અંકલ, જતીનકુમાર બધા રૂપા વિરુદ્ધ શા માટે છે…. કરણ વિચારતો હતો:
શું રૂપાએ રૂપિયાની માંગણી ન કરવી જોઈએ? કરણના મનમાં વારંવાર પ્રશ્ન ઉદ્ભવતો હતો.
રૂપાની પસંદગીમાં ક્યાંક એની તો ભૂલ નહોતી થતીને એવો વિચાર માથું ઊંચકે એ પહેલાં કરણે એ વિચારનું ગળું મરડી નાખ્યું.
એક વાર નિર્ણય લેવાઈ ગયા બાદ એના પર વારંવાર વિચાર કરતા રહીએ તો આત્મવિશ્વાસ ઓછો થવા માંડે અને મનમાં જાતજાતની શંકાકુશંકા થયા કરે.
એ તો ઠીક છે, પણ હમણાં રૂપાને મનાવવી કેવી રીતે? એ તો રૂપિયા લીધા વિના આવશે નહીં અને પપ્પા તો હોસ્પિટલમાં પડયા છે. આવડી મોટી રકમની ગોઠવણ કેવી રીતે કરવી?
‘વિક્રમ, કરણ… હોસ્પિટલમાં મીડિયાવાળા એકત્ર થયા હશે. ગઈકાલે તો કમિશનર રવિ શ્રીવાસ્તવે જગ્ગે પર થયેલા ઍટેકની વાત દબાવી દીધી હતી, પણ હોસ્પિટલમાં બનેલી ઘટનાને છૂપી નહીં રાખી શકાય. એટલે ધ્યાન રાખજો…’
‘તો અંકલ, અમારે શું કરવાનું?’ કરણે પૂછયું.
‘કંઈ નહીં, તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે નો કોમેન્ટ્સ. મીડિયા સાથે હું ડીલ કરીશ…’ કબીરે કહ્યું.
‘અને મારે શું કહેવાનું?’ જતીનકુમારે પૂછયું.
‘તમારે બિનધાસ્ત કહી દેવાનું કે તમતમારે પૂછો જે પૂછવું હોય એ. હું બધી કોમેન્ટ્સ કરવા તૈયાર છું….’
‘ઠીક છે’ ઈસાબ, હું કંઈ નહીં બોલું બસ?’ જતીનકુમાર ગિન્નાઈને બોલ્યા.
‘ડો. કરમાકર, શું બન્યું હતું?’ કબીરે ડોકટર કરમાકરને પ્રશ્ન કર્યો. જગમોહન દીવાનનું ઑપરેશન હોસ્પિટલના ડોકટર મહેતા અને ડોકટર કરમાકરે કર્યું હતું.
‘હું મારી કેબિનમાં હતો’ ડોકટર કરમાકરે રિપોર્ટ આપવાનું શરૂ કર્યું: ‘ત્યાં મેં બૂમાબૂમ અને નાસભાગ થતી સાંભળી. બહાર આવ્યો ત્યારે મિ. દીવાનની કેબિનની નર્સે કહ્યું કે થોડી વાર માટે બહાર ગઈ હતી. જ્યારે પાછી ફરી ત્યારે એણે એક અજાણ્યા શખ્સને કેબિનમાં જોયો. નર્સને એમ કે મિ. દીવાનના કોઈ રિલેટિવ એમની તબિયત જોવા આવ્યા હશે, પણ અચાનક નર્સની નજર એ માણસના હાથમાં રહેલા ચાકુ પર પડી, ત્યારે એને એના ઈરાદાની ગંધ આવી ગઈ. નર્સે ચીસાચીસ કરી મૂકી. ત્યારે પેલો માણસ ગભરાઈને નર્સને ધક્કો મારીને કેબિનની બહાર ભાગી ગયો.’
‘તમે નર્સને બોલાવી શકશો…?’ કબીરે પૂછયું.
‘શ્યોર’ ડોકટર કરમાકરે કહ્યું અને પછી પોતાના મદદનીશને નર્સને બોલાવવા સૂચના આપી.
‘રવિ શ્રીવાસ્તવે હોસ્પિટલમાં સિક્યુરિટીની વ્યવસ્થા તો કરી હતી.’ કબીર સ્વગત બબડયો.
‘યસ સર, ‘હોસ્પિટલની બહાર અને બીજા માળે કોરિડોર પાસે એમણે સિક્યુરિટીનો બંદોબસ્ત કર્યો હતો. બીજા માળે આવનારા દરેક મુલાકાતી પર એમની નજર રહેતી હતી. ડોકટરે ત્વરાથી જવાબ આપ્યો ‘તો પછી…? એ લોકોએ પેલા અજાણ્યા ઈસમને ન જોયો?’
કબીર સિક્યુરિટી બંદોબસ્તથી નાખુશ જણાતો હતો.
‘ના, બૂમાબૂમ થતાં એ લોકો દોડી આવ્યા, પણ નર્સે જે વ્યક્તિનું વર્ણન આપ્યું એવી વ્યક્તિને એ લોકોએ જોયો નહોતો…’
‘હાઉ સ્ટુપિડ…! જે હુમલો કરવા આવે એ માણસ સિકયુરિટી પાસે પોતાનું નામ રજિસ્ટર કરાવે?’ કબીર ચીડાઈ ગયો.
‘મે આઈ કમ ઈન સર?’ કેબિનના દ્વાર પર ટકોરા સાથે એક મૃદુ અવાજ સંભળાયો.
‘યસ, નર્સ મરિના, કમ ઈન… આ મિ. કબીર લાલ છે. પોલીસના વરિષ્ઠ અધિકારી છે. તમે જગમોહન દીવાનની કેબિનમાં જે જોયું એ વિશે એમને રિપોર્ટ આપો…’
કબીરે જોયું કે મરિના ૨૫ વરસની એક આકર્ષક યુવતી હતી. નર્સના યુનિફોર્મમાં એ વધુ શોભતી હતી.
‘સર’, મરિનાએ કબીર સામે જોઈને બોલવાનું શરૂ કર્યું:
‘હું થોડી વાર માટે બહાર ગઈ…’
‘તમે ક્રિટિકલ પેશન્ટને એકલાં મૂકીને બહાર જાઓ છો?’ કબીરે એની વાતને કાપીને પૂછયું.
‘નો સર’, મરિના ખચકાઈ ગઈ: ‘મને દવા બાબત થોડું ક્નફયુઝન હતું એટલે મેટ્રેનને પૂછવા ગઈ હતી.’ સ્પષ્ટીકરણ કર્યા બાદ મરિનાએ થોડી ક્ષણો સુધી કબીર સામે એકીટશે જોયા કર્યું. કબીર મરિનાના આત્મવિશ્વાસથી પ્રભાવિત થયો.
‘ઓ.કે. ગો અહેડ…’ કબીરે રજા આપતાં જ મરિનાએ ફરી બોલાવનું શરૂ કર્યું: ‘બહારથી આવી ત્યારે જોયું કે મિ. દીવાનની કેબિનનો દરવાજો ખુલ્લો હતો. મને આશ્ચર્ય થયું, કારણ કે મને યાદ હતું કે મેં દરવાજો બંધ કર્યો હતો. ફ્રેન્કલી સ્પીકિંગ ત્યારે હું થોડી ડરી ગઈ હતી. આસ્તેથી બારણું ખોલીને અંદર દાખલ થઈ ત્યારે જોયું કે એક માણસ ‘મિ. દીવાનના બેડ પાસે ઝૂકીને ઊભો હતો. ત્યારે મને થયું કે મિ. દીવાનનું કોઈ સ્વજન એમની ખબરઅંતર પૂછવા આવ્યું છે. એ સમય વિઝિટિંગ અવર્સ ન હોવાથી મને ખૂબ ગુસ્સો ચડયો.’ મરિનાની આંખમાં ખોફ સ્પષ્ટ જોઈ શકાતો હતો. જાણે એ ફરીથી એ માણસને એની સામે જોઈ રહી હોય.
‘અચાનક કદાચ મારાથી કોઈ ખખડાટ થઈ ગયો. કદાચ ડરના માર્યા દરવાજાનું હેન્ડલ હાથમાંથી છૂટી ગયું. એ માણસે જ્યારે ગભરાઈને પાછળ જોયું ત્યારે મેં એના હાથમાં એક લાંબી છરી જોઈ.’ મરિનાનો ચહેરો પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો.
‘મને જોઈને એ માણસ ડરી ગયો. એ લપકીને મારી તરફ આવ્યો અને હું કંઈ કરું એ પહેલાં જ મને ધક્કો મારીને બહાર ભાગ્યો. મેં ચીસાચીસ કરી મૂકી પણ એ માણસ કોઈને દેખાયો નહીં.’
‘એનો દેખાવ યાદ છે… આઈ મીન, એની ઉંમર કેટલી હશે, દેખાવમાં કેવો હતો?’ કબીરે પૂછયું.
‘એ લગભગ પાંત્રીસેક વરસનો હતો. દૂબળો-પાતળો અને ગોરો વાન.૩૯; મરિનાએ આંખ બંધ કરીને એ માણસને ફરી યાદ કરતાં કહ્યું:
‘થોડી વાર પહેલાં પોલીસના બીજા ઑફિસર આવ્યા હતા. એમને પણ મેં આ જ વાત કરી હતી.’
‘ઓ. કે. કોઈ વાત યાદ આવે તો જણાવજો… હજી હું થોડી વાર અહીં જ છું…’ કબીરે મરિનાને ઈશારાથી જવા કહ્યું.
મરિનાની વિદાય બાદ ડોક્ટર કરમાકર સાથે હસ્તધૂનન કરતાં કબીરે કહ્યું: ‘થેન્ક યુ ડોક્ટર, હું એક વાર જગમોહનની કેબિનમાં આંટો મારીને રવાના થઈ જઈશ.’
‘ઓ.કે. થેન્ક યુ.’ ડોક્ટરે કહ્યું.
કબીર બહાર આવ્યો ત્યારે કોરિડોરમાં વિક્રમ, કરણ અને જતીનકુમારને જોયા. એ લોકો કદાચ એની જ રાહ જોતા હતા.
કબીરને જોઈને જતીનકુમાર બોલ્યા: ‘હુમલો ભલે બહારની વ્યક્તિ કરે પણ હમણાં આ માણસ આવીને કહેશે ઘરનું માણસ સંડોવાયેલું છે.’
‘શું લાગે છે અંકલ?’ કરણે પૂછયું.
‘જે માણસ જગમોહન પર ઍટેક કરવા માગતો હતો એ કદાચ ભાડૂતી હતો પણ એ પ્રોફેશનલ નહીં હોય. જો કે એ કોણ હતો એ મહત્ત્વનું નથી, એ કોના ઈશારે કામ કરતો હતો એ અગત્યનું છે. બીજું, ચિંતાનો વિષય એ છે કે જગમોહન હોસ્પિટલમાં પણ સલામત નથી…’
‘તમારી વાત સાચી છે.૩૯; જતીનકુમાર બોલ્યા: ‘ઘરને ધરતીનો છેડો કહેવાય પણ સસુરજી માટે તો એ જિંદગીનો અંત બની જાત અને હવે હોસ્પિટલમાં પણ શાંતિ નથી. આ તે કોઈ જિંદગી છે. માણસ સ્મશાનમાં ગયો હોય તો ત્યાં પણ આપણને મારવા દોડી આવે…’
કબીરને જતીનકુમારની વાતમાં રસ નહોતો. એ તો કમિશનર રવિ શ્રીવાસ્તવ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો.
‘રવિ, આઈ એમ નોટ હેપી વીથ યોર એરેન્જમેન્ટ્સ. જગમોહનની કેબિનની બહાર સિક્યુરિટીની એવી ગોઠવણ કરવામાં આવે કે જેથી કોઈ અજાણી વ્યક્તિ અંદર દાખલ ન થઈ શકે.’
‘સોરી કબીર, પણ ડોન્ટ વરી. હું હોસ્પિટલની આસપાસ અને કેબિનની બહાર જડબેસલાક વ્યવસ્થા કરાવું છું.’ કબીરને રવિ શ્રીવાસ્તવના પ્રતિભાવથી સંતોષ ન થયો પણ એ નિરૂપાય હતો.
ત્યાં જ જય આવી ચડ્યો. એને જોઈને વિક્રમ બોલ્યો: ‘તું ક્યાં હતો, જય?’
‘હું નીચે પપ્પા સાથે ફોનમાં વાત કરતો હતો. એમને અહીંના રિપોર્ટ આપ્યા. પપ્પા કહેતા હતા કે જરૂર હોય તો એ આવી જાય.’
‘ના… ના… એમને તકલીફ આપવાની જરૂર નથી. આવશ્યકતા લાગશે તો ફોન કરી દઈશું.૩૯; વિક્રમે ઉડાઉ જવાબ આપ્યો.
‘ના રે ભાઈ’, જતીનકુમારે વાત સાંભળી લીધી હતી: ‘તમારા પપ્પાને કહેજો કે વાઘની બોડમાં પ્રવેશવામાં આનંદ આવતો હોય તો ભલે આવે…’ કહીને જતીનકુમારે કબીર સામે જોયું.
કબીરે હસતાં હસતાં કહ્યું: ‘કેમ જમાઈબાબુ, હું વાઘ જેવો લાગું છું?…’
‘ના… ના… તમે તો સસલા જેવા નિર્દોષ અને ગભરુ લાગો છો…’ જતીનકુમારે ચહેરા પર કૃત્રિમ નિર્દોષતા લાવીને કહ્યું.
‘જમાઈબાબુ, જો હું વાઘ લાગતો હોઉં તો એનું એકમાત્ર કારણ એ છે કે મારી આજુબાજુ એક શિયાળ માણસ સ્વરૂપે ફરે છે. એ શિયાળે મારા જિગરજાન મિત્ર પર હુમલો કરવાની કોશિશ કરી છે. અને મારા દોસ્તનો જે દુશ્મન એ મારો પણ દુશ્મન. એની વે લેટસ ગો…’
‘ક્યાં…?’ કરણ અને વિક્રમ એકીસાથે બોલી ઊઠ્યા.
‘ઘરે…’ કબીરે નચિંતપણે જવાબ આપ્યો.
‘અને પપ્પા… એમને આ રીતે અહીં કેવી રીતે રાખી શકાય?’ વિક્રમે પૂછયું.
‘એની ચિંતા કરવાની જરૂર નથી. જગમોહન પર હોસ્પિટલમાં બીજો હુમલો નહીં થાય. જે માણસ હુમલો કરવા આવ્યો હતો એ અણઘડ હોઈ શકે, પણ જે પડદા પાછળ રહીને દોરીસંચાર કરે છે એ બહુ જ ખતરનાક માણસ છે. એ હવે હોસ્પિટલમાં બીજો ઍટેક કરાવવાની મૂર્ખતા નહીં કરે…’
‘હું મારા ઘરે જઈ શકું?’ જતીનકુમારે પૂછયું.
‘નહીં જમાઈબાબુ, આ કેસનો ઉકેલ જ્યાં સુધી નથી આવી જતો ત્યાં સુધી તમે બધા મારી નજરકેદમાં રહેશો. ઈઝ ઈટ ક્લીયર?’
કબીરે મક્ક્મ સ્વરે આદેશ આપ્યો.
‘હા ભાઈ ક્લીયર… બધું જ ક્લીયર… ચાલો ઘરે… સાસરે મને રહેવું ગમતું નથી પણ તમે બધા આગ્રહ કરો છો તો ઠીક છે… ચાલો…’
જગમોહનની કેબિનની બહાર વધારાની સિક્યુરિટીનો બંદોબસ્ત જોઈ લીધા બાદ કબીરે સંતોષ વ્યક્ત કર્યો. બધા ગાડીમાં ગોઠવાયા અને કાર સ્ટાર્ટ થઈ ત્યારે હોસ્પિટલની બહાર એક માણસ મોબાઈલમાં કહી રહ્યો હતો: ‘એ લોકો અહીંથી ગયા…. હવે મારા માટે શું હુકમ છે?’
એ જ પળે કબીર સેલફોનમાં ડોકટરને સૂચના આપતો હતો.
‘ડોક્ટર કરમાકર, મારી વાત ધ્યાનથી સાંભળજો. જગમોહનની કેબિનની બહાર પોલીસના માણસો છે. એમને ત્યાં ડયૂટી કરવા દેજો પણ થોડી વારમાં તમે જગમોહનને ત્રીજે કે ચોથે માળે શિફ્ટ કરી દો. સિક્યુરિટીવાળાને કહેજો કે થોડા ટેસ્ટ કરવાના છે એટલે જગમોહનને અહીંથી ખસેડવા પડે તેમ છે. હું કમિશનરને ઈન્ફોર્મ કરી દઉં છું.’
સામે છેડેથી ડોકટર કરમાકરનો ‘યસ સર’ જવાબ સાંભળ્યા બાદ કબીરના ચહેરા પર સંતોષનું સ્મિત ઝળકી ઊઠયું.
(ક્રમશ:)