ફિલ્મનામા : કલાકારનાં નામ સાથે જોડાઈ જતાં પાત્ર
- નરેશ શાહ
તમારા પ્રિય કલાકાર તમારા મનોજગતમાં કઈ રીતે ચિત્રિત થયા છે, કહી શકો?
વાત આમિર ખાનથી શરૂ કરીએ કે અમજદ ખાનથી?
આ પ્રશ્નના જવાબમાં તમારા સ્મૃતિપટ પર ‘લગાન’ અને ‘શોલે’ ફિલ્મના નામ આવવાના કારણકે ભુવન અને ગબ્બરસિંહ હવે અમર થઈ ગયા છે. અરે, આમિર-અમજદને છોડો, કેટલીક ફિલ્મોનાં નામ પણ એનાં સર્જક સાથે સંકળાઈ જતાં હોય છે, જેમકે આશુતોષ ગોવારીકર અને રમેશ સિપ્પીના નામ સાથે પણ એમણે બનાવેલી ‘લગાન’ અને ‘શોલે’ ફિલ્મો ફેવિકોલની જેમ ચીપકી ગઈ છે.
કલાકારો સાથે આવું થાય છે. એની કેરિયર ભલે બે ત્રણ દશકા લાંબી હોય અને પાત્રો કે સર્જન ભલે બે કે ત્રણ આંકડામાં હોય પણ એનું શ્રેષ્ઠ સર્જન એનો પીછો ક્યારેય છોડતું નથી. બીજા શબ્દોમાં, જે તે કલાકારની સરખામણી એનાં શ્રેષ્ઠ સર્જન સાથે થતી જ રહે છે. સંજય દત્ત ગમે તેવાં અને ગમે તેટલાં પાત્ર ભજવે પણ એ આજીવન ‘મુન્નાભાઈ’ થકી જ લોકોની સ્મૃતિમાં જીવવાનો છે. શત્રુઘ્ન સિંહાએ ‘મેરે અપને’માં છેનુનો રોલ કરીને બધાનું ધ્યાન ખેંચેલું, પણ લોકો એને (કાલીચરણ તરીકે નહીં પણ) ‘વિશ્ર્વનાથ’ તરીકે જ યાદ રાખશે, કારણ કે ‘જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ’ જેવો ‘વિશ્ર્વનાથ’નો એક સંવાદ અમરત્વ પામી ગયો છે.
એ જ રીતે, ‘શોલે’ના સાંભા (મેકમોહન)ના બે શબ્દ : ‘પૂરે પચાસ હજાર….’ અને ગબ્બરના ‘કિતને આદમી થે ?’ સદાબહાર થઈ ગયા છે.
| Also Read: સૌથી વધુ ફિલ્મો, સૌથી વધુ ડબલ રોલ ને ટ્રિપલ રોલ, એક જ વર્ષમાં સૌથી વધુ ફિલ્મો…..કોણ છે એ કલાકાર?!
આ રીતે, જુવો તો બહુ ઈન્ટરેસ્ટિંગ છે આ સ્ટડી. લોકપ્રિયતા અને શ્રેષ્ઠતા તમારી એક એવી કાયમી છબી બનાવી દે છે કે જેનામાંથી તમે ઈચ્છો તો પણ બહાર આવી નથી શકતા. અમરીશ પુરી એટલે જ ‘મોગેમ્બો’ તરીકે લોકહૃદયમાં છવાઈ ગયા છે. કુલભૂષણ ખરબંદા ‘શાન’ ફિલ્મના (જાણકારો-શોખીનો માટે) ‘શાકાલ’ જ રહેશે, ભલે ‘શાન’ ફિલ્મ ફ્લોપ થઈ હોય અને ભલે કુલભૂષણ ખરબંદાએ ‘અર્થ’ સહિતની અનેક અર્થપૂર્ણ ફિલ્મો કરી હોય.
સિનેમા-સાહિત્યના શોખીનો માટે તો નસિરુદ્દીન શાહ જ હવે ‘મીર્ઝા ગાલિબ’ છે, જે રીતે શરદબાબુનો સાચો ‘દેવદાસ’ તો દિલીપકુમાર જ હતો-છે ને રહેશે!
વાત દિલીપકુમાર સુધી પહોંચી જ ગઈ છે તો લગે હાથ, રાજકપૂર અને દેવ આનંદની વાત પણ કરી લઈએ. રાજકપૂરે તો મોટાભાગે એકસરખા જ પાત્રો ભજવ્યા છે, પરંતુ ‘તિસરી કસમ’ અને ‘જાગતે રહો’ કરતાં એ ‘જોકર’ તરીકે વધુ સ્વીકાર્ય છે. તો ફિલ્મીરસિયાઓ માટે દેવસાહેબ ‘જહોની’ (મેરા નામ) તરીકે અવ્વલ અને અભિનેતા તરીકે રાજુ ‘ગાઈડ’ અને ‘તેરે મેરે સપને’ના ડૉકટર તરીકે હંમેશાં સ્મરણમાં રહેશે.
હા, ગુરુદત્તને ‘પ્યાસા’થી ઓળખવા કે ‘કાગઝ કે ફૂલ’થી સન્માનવા એ અવઢવ રહે છે. બલરાજ સાહની માટે પણ આવી મૂંઝવણ થાય એમની બે ફિલ્મ: ‘દો બીઘા જમીન’ અને ‘ગર્મ હવા’.
આવી બે ફિલ્મની મીઠી મૂંઝવણ તો રિયલ સુપરસ્ટાર રાજેશ ખન્ના માટે પણ થાય. અભિનયના અભ્યાસુઓનું કહેવાનું છે કે સિનેમાના પરદે રાજેશ ખન્ના જેવું પ્રભાવી રીતે મરતાં કોઈને આવડતું નથી. એની આવી જ બે ફિલ્મ હતી: ‘સફર’ અને ‘આનંદ’. જો કે વોટિંગ કરાવીએ તો ‘આનંદ’ને વધુ માર્ક મળવાની શક્યતા ખરી, કારણ કે – આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં!
| Also Read: કાશ્મીરના ટેરરિઝમનો ‘તનાવ’
આ કોલમના નવી જનરેશનના વાચકો માટે કહેવાનું કે શાહરુખ ખાનના ચોપડે હજુ એવી એકાદી ફિલ્મ ચડી નથી કે જેનું નામ તરત લઈ શકાય. સલમાન ખાન – ઋત્વિક માટે પણ એવું જ. તમે ઈરફાનખાન માટે બેઘડક ‘પાનસિંહ તોમર’નું નામ લઈ શકો કે ધર્મેન્દ્ર માટે ‘સત્યકામ’, મીનાકુમારી માટે ‘સાહેબ બીબી ઔર ગુલામ’ કે ઓમ પૂરી માટે ‘અર્ધસત્ય’ કે ડેની ડેન્ઝોપ્પા માટે ‘ધૂંધ’ કે પરેશ રાવલ માટે ‘તમન્ના’ કે ‘સર’ કે ‘સરદાર’ ફિલ્મનું નામ લઈ શકો (‘હેરાફેરી’ રાખો તો ય વાંધો નથી)….
- એન્ડ અમિતાભ બચ્ચન…
બીગ બી ઉપરાંત રાજેશ ખન્ના, દિલીપકુમાર જ એવા અભિનેતા છે, જેમની સેક્ધડ ઈનિંગ પણ નોંધનીય રહી છે. દિલીપકુમારે બીજી ઈનિંગમાં ‘કર્મા’- ‘સૌદાગર’-‘દુનિયા’ જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપેલી, પણ ‘મશાલ’ આ બધામાં એક વ્હેંત ઊંચી હતી તો રાજેશ ખન્નાએ ‘અવતાર’ ફિલ્મમાં આવું જ પાવરપેકડ પર્ફોમન્સ આપ્યું હતું અને બચ્ચનજી તો બીજી ઈનિંગમાં ભરપૂર ખીલ્યાં છે, પણ ‘બ્લેક’ અને ‘પા’માં એક અદાકાર તરીકે એ બેમિસાલ રહ્યા.
પ્રથમ ઈનિંગની ‘બેમિસાલ’માં પણ એ લાજવાબ હતા. આપો જવાબ: હા કે ના?!
આમ તો આ અધ્યાય અખંડ ધૂણીની જેમ ચાલી શકે એવો છે, પણ છેલ્લા ચટકારા સાથે વાત પૂરી કરીએ.
કે. આસિફસાહેબની ઓળખ એટલે ‘મોગલ-એ-આઝમ’ ફિલ્મ. એમણે બહુ ફિલ્મો કરી પણ નહોતી પરંતુ ‘મોગલ-એ-આઝમે’ જ હજ્જારાનું કામ કર્યું. પૃથ્વીરાજ કપૂર માટે પણ આ ફિલ્મ એકદમ મહત્ત્વની, કારણ કે એમણે શહેનશાહ અકબરનું પાત્ર જાનદાર રીતે ભજવેલું.
વરસો પછીની વાત છે. ઋષિ કપૂર હિમાચલ પ્રદેશમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે રાતે હોટેલ પર મુંબઈથી લાઈટનિંગ કોલ આવ્યો. સામે છેડે મનમોહન દેસાઈ હતા, પણ વાતચીતમાં ડિસ્ટર્બન્સ બહુ હતું તેથી સ્પષ્ટ સંભળાતું નહોતું. ઋષિને માત્ર એટલું સમજાયું કે મનમોહન દેસાઈ એમને નવી ફિલ્મમાં લેવા માંગે છે, જેમાં એણે ‘અકબર’નું પાત્ર ભજવવાનું છે.
| Also Read: અરીસામાં મોઢું ને સંસારમાં સુખ હોતું જ નથી એ માત્ર ભ્રમ છે !
‘દાદાની જેમ દમામદાર રીતે ‘અકબર’નું પાત્ર હું ન ભજવી શકું અને એવી સરખામણી પણ ઈચ્છનીય નથી’ એમ વિચારીને ઋષિ કપૂરે પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. મુંબઈ આવ્યા પછી અને મનમોહન દેસાઈએ મળીને સમજાવ્યા પછી ઋષિ કપૂરને સમજાયું કે મારે શાહજહાં અકબરનું નહીં, અમર-અકબર-એન્થનીના મોર્ડન અકબર ઈલાહાબાદીનું પાત્ર ભજવવાનું છે…!
આમ દાદા-પૌત્રએ એક જ નામના બે કિરદાર ભજવ્યાંનો રેકોર્ડ જરૂર બની ગયો!