કાશ્મીરમાં આતંકવાદી હુમલોઃ LOC નજીક આર્મીના વાહન પરના હુમલામાં 5 જવાન ઘાયલ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ નજીક આર્મીની ટ્રક પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાંચ જવાન અને એક પોર્ટલ ઘાયલ થયો છે. આતંકવાદી હુમલો ગુલમર્ગમાં નાગિન વિસ્તારમાં 18 રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર)ની ટ્રક પર કરવામાં આવ્યો હતો. આર્મીની ગાડી બોટપાથરીથી આવી રહી હતી ત્યારે નિયંત્રણ રેખા (એલઓસી) નજીકથી પાંચ કિલોમીટર અંતરે હતી, ત્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
આતંકવાદીઓ આર્મીના વાહન પર નિશાન રાખીને બેઠા હતા ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ બનાવ પછી આર્મીની ક્વિર રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. થોડા સમય પહેલા કાશ્મીરમાં પરપ્રાંતીય મજૂર પર હુમલો કરવામાં આવ્યો હતો. મજૂરની ઓળખ પ્રીતમ તરીકે કરવામાં આવી છે. આતંકવાદી હુમલાઓને કારણે પ્રશાસન સતર્ક બન્યું છે. આજે સવારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ યુપીના મજૂરને ગોળી મારીને ઘાયલ કર્યો હતો.
અહીં એ જણાવવાનું કે અગાઉ રવિવારે ગાંદરબલ જિલ્લામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં છ મજૂર અને એક સ્થાનિક ડોક્ટરનું મોત થયું હતું. 18મી ઓક્ટોબરના શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી હતી.