પુણેમાં પાણીની ટાંકી તૂટી પડતાં પાંચ મજૂરનાં મોત, પાંચ ઘાયલ
પુણે: પુણે જિલ્લામાં લેબર કેમ્પ ખાતે ગુરુવારે સવારે કામચલાઉ પાણીની ટાંકી તૂટી પડતાં પાંચ મજૂરનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય પાંચને ગંભીર ઇજા પહોંચી હતી.
પિંપરી ચિંચવડ ટાઉનશિપના ભોસરી વિસ્તારમાં આ ઘટના બની હતી. એ સમયે પાણીની ટાંકી નીચે અમુક મજૂરો સ્નાન કરી રહ્યા હતા.
પિંપરી ચિંચડવના એડિશનલ પોલીસ કમિશનર વસંત પરદેશીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે પાણીના પ્રેશરને કારણે ટાંકીની દીવાલ ફૂટવાથી પાણીની ટાંકી તૂટી પડી હશે.
આ પણ વાંચો :MOC કેન્સર કેઅર અને રિસર્ચ સેન્ટરનું સ્વર્ગેટ, પુણેમાં નવું કેન્દ્ર
ટાંકી નીચે સ્નાન કરી રહેલા મજૂરો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. આમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે બે જણને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં અન્ય પાંચ મજૂરને પણ ગંભીર ઇજા પહોંચતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ સાઇટ કોની છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (પીટીઆઇ)