ન્યાયની દેવી આંખ પરથી પટ્ટી હટાવવા મામલે વિવાદ ! જાણો શું છે કારણ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દાયકાઓ બાદ ન્યાયની દેવીની પ્રતિમામાં કરવામા આવેલ પરિવર્તનને દેશમાં ખૂબ વખાણવામાં આવ્યું છે. જો કે હવે આ મુદ્દે બાર એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે. બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને આ પરિવર્તન સામે પ્રશ્નો ઉઠાવ્યા છે, તેમણે કહ્યું છે કે આ પરિવર્તન કઈ પરિભાષાના આધારે કરવામાં આવ્યુ છે? આ પરિવર્તન કરતાં પહેલા અમારા કોઇ જ સભ્ય સાથે પરામર્શ કરવામાં નથી આવ્યો.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એકતરફી રહીને કેટલાક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. આ ફેરફારો દરમિયાન બાર એસોસિએશન સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી, જ્યારે અમે ન્યાયના પ્રશાસનમાં અમારું પણ સમાન મહત્વ છે. બાર એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટ સામે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જ્યારે આ ફેરફારોની દરખાસ્ત કરવામાં આવી હતી તો અમારી કેમ કોઇ ચર્ચા કરવામાં આવી ન હતી.
કોર્ટમાં ન્યાયની દેવીની જૂની પ્રતિમામાં રહેલ ત્રાજવું સંતુલન અને નિષ્પક્ષતાનું પ્રતિનિધત્વ કરતું હતું, જ્યારે તલવાર કાયદાની શક્તિનું પ્રતિનિધિત્વના રૂપે હતી. જો કે, નવી પ્રતિમા ભારતમાં સંસ્થાનવાદી વારસાની બાબતોના નિર્મૂલન સાથે જોવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ આ ફેરફાર દર્શાવે છે કે ભારતીય કાયદો અંધ નથી. ન્યાયની દેવીની નવી પ્રતિમા સુપ્રીમ કોર્ટમાં જજોની લાઇબ્રેરીમાં મૂકવામાં આવી છે.