US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..

Donald Trump News: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને (US President Election 2024) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન એક પૂર્વ મૉડલે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર 1993માં તેની સાથે છેડતી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. 1990ના દાયકામાં મૉડલ તરીકે કામ કરતી સ્ટેસી વિલિયમ્સે, (Stacey Williams) કહ્યું કે, તે જેફરી એપસ્ટીનના (Jeffrey Epstein) માધ્યમથી ટ્રમ્પને મળી હતી અને આ ઘટના ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવરમાં (Trump Tower) બની હતી. વિલિયમ્સએ આ ઘટનાને ટ્રમ્પ અને એપસ્ટીન વચ્ચે વિકૃત રમત તરીકે વર્ણવી હતી. એપસ્ટીને 2019માં જેલમાં આપઘાત કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે આરોપોને ફગાવ્યા
પેન્સિલ્વેનિયાની રહેવાસી 56 વર્ષીય વિલિયમ્સે સર્વાઈવર્સ ફોર કમલા નામના એક ગ્રુપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ઘટના અંગે ખુલાસો કર્યો હતો. આ ગ્રુપ 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનું સમર્થન કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપોને ફગાવી દીધા હતા. તેમની ટીમે આરોપને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, હરિફ ઉમેદવાર કમલા હેરિસ દ્વારા પ્રેરિત હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : બ્રિકસમાં સામેલ થવાની પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી
રિપોર્ટ મુજબ, વિલિયમ્સે કહ્યું કે 1993માં એક ક્રિસમસ પાર્ટીમાં ટ્રમ્પને મળી હતી. એપસ્ટીને તેમની મુલાકાત કરાવી હતી. જેની સાથે તેણે થોડા સમય ડેટિંગ કર્યુ હતું. વિલિયમ્સે આરોપ લગાવતાં કહ્યું કે, થોડા મહિના બાદ એપસ્ટીને તેને ન્યૂયોર્ક ટાવરમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરવા કહ્યું હતું. તે ત્યાં પહોંચી ત્યારે ઉષ્માભેર સ્વાગત કર્યું, પરંતુ તેણે મને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. જેથી હું થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. ટ્રમ્પ ટાવરમાંથી નીકળ્યા બાદ એપસ્ટીને મારા પર ગુસ્સો કર્યો અને કહ્યું તે ટ્રમ્પને સ્પર્શ કેમ કરવા દીધો.
વિલિયમ્સે આ કાર્યક્રમમાં કહ્યું, તે સમયે મને શરમ આવી હતી. ટ્રમ્પે મને ખૂબ નીચી દેખાડી હતી મને બરાબર યાદ છે કે તે સમયે હું ખૂબ મૂંઝાઈ ગઈ હતી. જે બાદ મેં એપસ્ટીન સાથે સંબંધ કાપી નાંખ્યો. હું એપસ્ટીનની યૌન શોષણની પેટર્નથી અજાણ હતી.
ટ્રમ્પ પર પહેલાં પણ લાગી ચુક્યા છે આરોપ
આ પહેલાં પણ ટ્રમ્પ પર યૌન શોષણના આરોપ લાગી ચુક્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, બે ડઝનથી વધારે મહિલાએ પહેલાં પણ આ પ્રકારના વ્યવહારનો આરોપ લગાવ્યો છે, જેમાં તેમની મંજૂરી વગર કિસ, ખોટી રીતે સ્પર્શ કરવો તથા બ્યૂટી કોન્ટેસ્ટમાં સ્પર્ધકોના ચેન્જિંગ રૂમમાં ઘૂસવાનો સમાવેશ થાય છે.