એકસ્ટ્રા અફેર

ચીન ભારતના પચાવેલા પ્રદેશો છોડે એ વધારે મહત્ત્વનું

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ચીને ભારતનો બહુ મોટો પ્રદેશ હડપી લીધો હોવાના આક્ષેપ વચ્ચે ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ અંગે સમજૂતી થઈ હોવાની જાહેરાત કરાઈ છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૦માં ભારત અને ચીન બંનેના સૈનિકો એલએસી એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરતા હતા ત્યાં સુધી બંને દેશોના સૈનિકો પેટ્રોલિંગ ફરી શરૂ કરી શકે એ માટેનો કરાર થયો છે.

હવેથી ભારતીય સૈનિકો ૨૦૨૦ની અથડામણ પહેલાં જ્યાં પેટ્રોલિંગ કરતા હતા તેની નજીકના વિસ્તાર સુધી પેટ્રોલિંગ કરી શકશે. આ કરારમાં ભારત અને ચીનની લશ્કર વચ્ચેનાં સંઘર્ષનાં બે મુખ્ય કેન્દ્ર એવા ડેપસાંગ મેદાનો અને ડેમચોકમાંથી લશ્કર હટાવવાનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી ચીનનું લશ્કર આ બે મુદ્દે ચર્ચા કરવાનો પણ તૈયાર નહોતું તેથી આ વાત મહત્ત્વની છે.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે, નવા કરાર પ્રમાણે ચીનનું લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા રોકશે નહીં કે અડચણો મૂકીને અવરોધશે નહીં. ભારતીય લશ્કર હવે પીપીએસ ૧૦થી શરૂ કરીને પીપીએસ ૧૩ સુધી એટલે કે એલએસીની છેક નજીકના વિસ્તારો સુધી પેટ્રોલિંગ કરી શકે છે.

ભારતે આ સમજૂતી અંગે જે નિવેદન આપ્યું છે તેમાં કહેવાયું છે કે, ચીન અને ભારત પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એપ્રિલ ૨૦૨૦માં જે સ્થિતિ હતી તે જ સ્થિતિ પુન:સ્થાપિત કરવા માટે સંમત થયા છે અને તેનો અર્થ એ થયો કે હવે ચીની લશ્કર એ વિસ્તારોમાંથી હટી જશે જ્યાં તેમણે અતિક્રમણ કર્યું હતું.

આ ભારતીય મીડિયાએ કરેલું રિપોર્ટિંગ છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ સત્તાવાર રીતે જે નિવેદન આપ્યું તેમાં બિલકુલ અલગ વાત કરી છે. મિસરીએ જે કરારની વાત કરી છે તે કરાર પ્રમાણે, ભારત અને ચીનના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે ૨૦૨૦ની અથડામણ પછી ઉદ્ભવેલા મુદ્દાઓને ઉકેલવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે અને બંને દેશો આ પ્રસ્તાવના અમલ માટે જરૂરી પગલાં માટે કરાર થયો છે. મિસરીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોના ઘણા રાઉન્ડના પરિણામે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં એલએસી પર પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે એક કરાર થયો છે અને આ કરાર લશ્કરને પાછું ખેંચવા તરફ દોરી જશે તથા ૨૦૨૦ની અથડામણ પછી ઉદ્ભવેલી સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ બનશે.

આ ભારત તરફથી સત્તાવાર રીતે કરાયેલું નિવેદન છે કે જે ભારતીય મીડિયાના રિપોર્ટિંગથી બિલકુલ અલગ છે. ભારત સરકારના સત્તાવાર નિવેદનમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, ચીન પોતાના લશ્કરને પાછું ખેંચવા સંમત થયું છે. ભારતીય મીડિયાના રિપોર્ટિંગ પ્રમાણે, ચીન ડેપસાંગ અને ડેમચોકને અંગે વાટાઘાટો માટે સહમત થયું છે. ચીન આ બે મુદ્દે વાટાઘાટો કરવા સહમત થાય તેનો અર્થ એ થયો કે, પૂર્વ લદ્દાખમાં ચીન-ભારત સરહદી વિવાદમાં સમાધાન શક્ય બની શકે છે પણ ડેપસાંગ અને ડેમચોકમાં સમાધાન અંગેના ભારતીય નિવેદનને ચીનના વિદેશ મંત્રાલય અથવા ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. ચીને ભારત સાથે સમજૂતી થઈ હોવાનું સ્વીકાર્યું છે પણ ભારત કહે છે એ રીતે કોઈ વિગતો આપી નથી કે ભારતે જે દાવા કર્યા છે તેને સમર્થન પણ આપ્યું નથી.

ભારતીય મીડિયામાં ચીન સાથેના આ કહેવાતા કરારને મોદી સરકારની મોટી જીત ગણાવાઈ છે. મોદી સરકાર ચીનને ઘૂંટણિયે પાડવામાં સફળ થયું છે એવી વાતો થઈ રહી છે કે જે અત્યંત હાસ્યાસ્પદ છે. સૌથી પહેલી વાત એ કે, આ કહેવાતો કરાર ચીને ભારતનો વિસ્તાર
પચાવી પાડ્યો છે તેનો સીધો સ્વીકાર છે. ગલવાન ઘાટીમાં ૧૫ જૂન ૨૦૨૦ના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી લોહિયાળ અથડામણમાં ભારતના ૨૦ સૈનિકો મરાયા હતા. આ અથડામણ પેટ્રોલિંગના મુદ્દે જ થઈ હતી.

અત્યારે થયેલી સમજૂતીમાં ભારતીય લશ્કર ૨૦૨૦ની અથડામણ સુધી પેટ્રોલિંગ કરતું હતું ત્યાં સુધી તો પેટ્રોલિંગની પણ મંજૂરી નથી. ભારત ૨૦૨૦ જૂન સુધી જ્યાં સુધી પેટ્રોલિંહ કરતું હતું એ વિસ્તાર ભારતનો જ હતો પણ છેલ્લાં ચાર વર્ષથી ભારતીય લશ્કર ત્યાં પેટ્રોલિંગ પણ ના કરી શકતું હોય તેનો મતલબ એ જ થયો કે, ચીને એ વિસ્તાર પચાવી પાડ્યો છે. હવે તમારે તમારા જ પ્રદેશમાં પેટ્રોલિંગ કરવા માટે ચીનની દયા પર નિર્ભર રહેવું પડે તો તેને ભારત સરકારની જીત કઈ રીતે કહેવાય ? ને હજુ તો એલએસીની નજીકના બધા વિસ્તારમાં તો આપણે પેટ્રોલિંગ કરી શકવાના નથી. જ્યાં પેટ્રોલિંગ કરી શકીશું એ વિસ્તાર પણ તેમના કબજામાં જ રહેવાનો છે એ જોતાં આ કરારમાં કશું હરખાવા જેવું નથી. બલ્કે આ કરારે આપણી જાંઘ આખી દુનિયા સામે ઉઘાડી કરી દીધી. ચીન ચાર વર્ષથી આપણો પ્રદેશ પચાવીને બેઠું છે ને આપણે કશું કરી શકતા નથી તેનાથી વધારે શરમજનક કંઈ ના કહેવાય. એપ્રિલ ૨૦૨૦માં ચીને લશ્કરી અથડામણ પછી પૂર્વ લદ્દાખના ૬ વિસ્તારોમાં અતિક્રમણ કરીને પચાવી પાડ્યા હતા. ૨૦૨૨ સુધીમાં ચીનના લશ્કરે ૪ વિસ્તારોમાંથી પીછેહઠ કરી હતી એવું કહેવાય છે પણ તેની વાસ્તવિકતા પણ આપણને ખબર નથી. ભારતીય લશ્કરને દૌલત બેગ ઓલ્ડી અને ડેમચોકમાં પેટ્રોલિંગ કરવાની મંજૂરી નહોતી તેનો મતલબ એ થયો કે, એ વિસ્તાર પણ ચીને પચાવેલો છે.

સરદહી બાબતોના જાણકારોના મતે, ચીને જે વિસ્તાર પચાવ્યો છે એ ભારતને પાછો મળવો મુશ્કેલ છે. છેલ્લાં ચાર વર્ષોમાં, ડેપસાંગના મેદાનોમાં ચીને વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. . તાજેતરના ઉચ્ચ-રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરી પેંગોંગ વિસ્તારમાં નવી વસાહતોને જોયા પછી ચીન ૨૦૨૦ પછી બનાવેલી ચોકીઓ કે બીજું કશું તોડે એ શક્ય નથી. ડેમચોકમાં ચાર્ડિંગ-નિલુંગ નાલા (સીએનએન) જંક્શન પર ચીનના લશ્કરે ૨૦૧૮થી બે તંબુ લગાવ્યા છે કે જે ભારતીય પેટ્રોલિંગને તે બિંદુ સુધી અવરોધે છે. ભારતીય સૈનિકો ૨૦૨૦ પહેલાં ચાર્ડિંગ લા પાસ પર પેટ્રોલિંગ કરી શકતા પણ નવા કરારમાં તેનો પણ સમાવેશ નથી.

આ બધું જોતાં આ કરાર પી.આર. એક્સરસાઈઝથી વધુ કંઈ નથી. જે દિવસે ચીનનું લશ્કર ખસી જાય એ દિવસે ભારતીયોએ ખુશ થવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button