સ્પોર્ટસ

અશ્વિને પુણેમાં બતાવ્યો પરચો, વર્લ્ડ રેકૉર્ડ પોતાને નામ કર્યો

પુણે: ન્યૂ ઝીલૅન્ડેે ગયા અઠવાડિયે ભારતને બેન્ગલૂરુમાં પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં માત્ર 46 રનમાં ઑલઆઉટ કર્યું અને ત્યાર પછી એ મૅચ જીતી લઈને સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી, પરંતુ ગુરુવારે પુણેની બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય સ્પિનર્સે અસરદાર પર્ફોર્મ કર્યું હતું. એક તરફ રાઇટ-આર્મ ઑફ-બ્રેક સ્પેશિયલિસ્ટ વૉશિંગ્ટન સુંદરે સાત વિકેટ લઈને યાદગાર પર્ફોર્મ કર્યું હતું ત્યાં બીજી બાજુ કિવીઓને ભારતીય સ્પિન-આક્રમણનો પરચો બતાવવાની શરૂઆત કરનાર ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ત્રણ વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડના ટૉપ-ઑર્ડરને સાફ કરી નાખ્યો હતો. એટલું જ નહીં, અશ્વિને એક વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાને નામ કર્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડની ટીમ બૅટિંગ પસંદ કર્યા બાદ 259 રનમાં ઑલઆઉટ થઈ હતી અને પછી ભારતે એક વિકેટે 16 રન બનાવ્યા હતા. રોહિત શર્મા ઝીરો પર જ આઉટ થઈ ગયો હતો.

અશ્વિને કિવી કૅપ્ટન ટૉમ લેથમ (15 રન)નો એલબીડબ્લ્યૂમાં શિકાર કર્યો એ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ઇતિહાસમાં સૌથી વધુ 187 વિકેટ લેનાર ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયનની તેણે બરાબરી કરી હતી. ત્યાર બાદ અશ્વિને વિલ યંગ (18 રન)ને વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ કરાવીને 188મી વિકેટ લીધી હતી અને ડબ્લ્યૂટીસીના વર્લ્ડ રેકૉર્ડ ધારક તરીકે પોતાનું નામ લખાવ્યું હતું.

આ પણ વાંચો : વૉશિંગ્ટન સુંદરે કમબૅકના પહેલા જ દિવસે વટ પાડ્યો

ત્યાર બાદ અશ્વિને ડેવૉન કૉન્વે (76 રન)ની પણ વિકેટ લીધી હતી અને એ સાથે અશ્વિનના ખાતે હવે કુલ 189 વિકેટ છે જે નવો કીર્તિમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button