ઘોડાગાડી ચલાવતા પિતાની પુત્રીએ 16 વર્ષની સફળ હૉકી કારકિર્દી પર પાડી દીધો પડદો
નવી દિલ્હી: ભારતીય મહિલા હૉકી ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલે રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. રાનીએ નાનપણમાં પરિવારના ભારે સંઘર્ષ વચ્ચે હૉકીમાં 16 વર્ષની સફળ અને શાનદાર કારકિર્દી માણી અને હવે હૉકીના કોચિંગમાં ઝંપલાવવાની સાથે ખેલાડી તરીકેની કરીઅરને ગુડબાય કરી છે. હરિયાણાના નાના નગરમાંથી હૉકીના મેદાન પર આવનાર રાની નાની હતી ત્યારે તેના પિતા ઘોડાગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેના પિતા રામપાલ એ સમયે રોજના 80 રૂપિયા કમાતા હતા એટલે પુત્રીને હૉકી સ્ટિક પણ અપાવી નહોતા શક્તા.
હરિયાણાના શહાબાદમાંથી આવેલી રાનીએ સફળ હૉકી ખેલાડી બનવા માટે નાનપણમાં પ્રયાસો શરૂ કર્યા હતા એ દરમ્યાન તેણે ખૂબ સંઘર્ષભર્યા દિવસો જોયા હતા. ભારે ગરીબાઈમાંથી બહાર આવવા તેણે હૉકીની રમતને માધ્યમ બનાવ્યું અને એમાં જે સફળતા મેળવી એ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે.
29 વર્ષની રાની રામપાલના સુકાનમાં ભારતીય મહિલા હૉકી ટીમની સૌથી મોટી સફળતા 2021માં હતી જેમાં ભારતે ટોક્યો ઑલિમ્પિક્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો : ભારતના જુનિયર હૉકી ખેલાડીઓએ કરી કમાલ…બે દિવસમાં જીત્યા બે મૅચ
રાનીએ ગુરુવારે રિટાયરમેન્ટ જાહેર કર્યા પછી કહ્યું, ‘મારી હૉકીની સફર અસાધારણ રહી. હું આટલા બધા વર્ષો સુધી ભારત વતી હૉકી રમીશ અને સફળ કારકિર્દી સાથે ખેલાડી તરીકે હૉકીના મેદાન પરથી વિદાય લઈશ એવી મેં કદી કલ્પના પણ નહોતી કરી. નાનપણમાં મેં ખૂબ ગરીબાઈ જોઈ હતી, પરંતુ મેં હંમેશાં દેશ વતી પ્રતિનિધિત્વ કરવા પર જ ધ્યાન આપ્યું હતું અને એમાં સફળ થઈ. એ માટે હું મારા પરિવારનો અને ખાસ કરીને મારા પિતાનો આભાર માનું છું.’
રાનીને નાનપણમાં એક જિલ્લા સ્તરિય કોચે તે ખૂબ ગરીબ પરિવારમાંથી આવતી હોવાથી તેને ખેલાડી તરીકે અપનાવવાનું નકાર્યું હતું. જોકે રાનીને નાનપણથી હૉકીની રમત બેહદ પ્રિય હતી એટલે તેણે છ વર્ષની ઉંમરે એક સ્થાનિક ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે તૂટેલી હૉકી સ્ટિકથી પ્રૅક્ટિસ ચાલુ રાખી હતી અને પછી 14 વર્ષની ઉંમરે ભારતની સૌથી યુવાન મહિલા હૉકી ખેલાડી બની હતી.
રાનીએ 2008માં 14 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય હૉકીમાં ડેબ્યૂ કર્યું હતું. તે 16 વર્ષની કરીઅર દરમ્યાન 254 મૅચ રમી હતી જેમાં તેણે 205 ગોલ કર્યા હતા. તેના સુકાનમાં ભારતીય ટીમ 2018ના વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થઈ હતી તેમ જ એ જ વર્ષમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીતી હતી.
2020માં રાનીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. એ જ વર્ષમાં તેને પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો હતો.
તાજેતરમાં જ રાનીને મહિલાઓની સબ-જુનિયર ટીમની રાષ્ટ્રીય કોચ તરીકે નીમવામાં આવી છે.