loksabha સંગ્રામ 2024આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદે આક્રમક બનતા ભાજપની મુશ્કેલીઓ વધી, મહાયુતીના ત્રણેય નેતા દિલ્હીના દરબારમાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચૂંટણી (Maharashtra assembly elections)ની ધમાસાણ શરૂ થઈ ગઈ છે. કૉંગ્રેસ અને ભાજપ બન્ને રાષ્ટ્રીય પક્ષો સાથે શિવેસના અને એનસીપીના એક એક જૂથ જોડાયેલા છે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો પણ સારું વર્ચસ્વ ધરાવતા હોવાથી તેમની સાથે બેઠકની વહેંચણી કરવાનું બન્ને મોટા પક્ષો માટે અઘરું બની ગયું છે. કૉંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર)ની મહાવિકાસ આઘાડી (એમવીએ)એ દરેક પક્ષને 85 બેઠકની જાહેરાત કરી છે છતાં 15થી 20 બેઠકો પર સમાધાન થયું નથી અને ખેંચતાણ ચાલી રહી છે, તેમ સૂત્રો જણાવે છે.

તો બીજી બાજુ મહાયુતીમાં પણ 20થી 25 બેઠક એવી છે જે મામલે સંઘર્ષ એટલો વધી ગયો છે કે ત્રણેય પક્ષના નેતા એકનાથ શિંદે(Eknath Shinde), દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) અને અજિત પવાર (Ajit Pawar)દિલ્હી દોડ્યા છે.

આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એકનાથ શિંદેએ ખૂબ જ આક્રમક અને મક્કમ ભૂમિકા અપનાવી છે. તેમણે ભાજપને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે લોકસભાની ચૂંટણી સમયે સર્વેના તારણો અને અન્ય કારણોસર શિવસેનાએ સમાધાનકારી વલણ રાખ્યું હતું. લોકસભામાં ભાજપને ધારી સફળતા મળી નથી અને બીજી બાજુ છેલ્લા અઢી વર્ષમાં એકનાથ શિંદેની લોકપ્રિયતા ઘણી વધી છે અને તેનો સીધો ફાયદો ભાજપને મળવાનો છે. આથી વિધાનસભાની બેઠકોની વહેંચણીમાં સમાધાન થશે નહીં.

બીજી બાજુ અજિત પવાર પણ ઓછી બેઠકો મળી હોવાથી સંતુષ્ટ નથી. અગાઉ મંગળવારે પણ તેઓ એકલા દિલ્હી દોડયા હતા.

હવે આજે ફરી ભાજપના નેતા અમિત શાહ (Amit Shah) સાથે દિલ્હી (Delhi) ખાતે ત્રણેય નેતાઓની મુલાકાત છે. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના છે, પણ લોકસભાની જેમ વિધાનસભામાં ભાજપ માટે હાથ ઉપર રાખવો અઘરો બની રહ્યો છે તે વાત નક્કી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button