T20 મેચમાં નવા વિશ્વ વિક્રમ બનાવનાર સિકંદર રઝા કોણ છે, Pakistan કનેક્શન જાણો?
કેન્યાના નૈરોબીમાં ગઈ કાલે ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચે રમાયેલી T20 મેચ (ZIM vs GMB T20 Match) ઐતિહાસિક રહી, આ મેચમાં ઘણા જુના રેકોર્ડ્સ ધ્વસ્ત થઈ ગયા અને નવા રેકોર્ડ્સ રચાયા. બંને દેશની ટીમો આ મેચ લાંબા સમય સુધી યાદ રાખશે. ઝિમ્બાબ્વેએ T20 ક્રિકેટમાં 344 રન બનાવીને ઈતિહાસ રચી દીધો હતો, તેની સામે ગામ્બિયાને 290 રનની કરામી હાર મળી હતી.
આ જ મેચમાં ઝિમ્બાબ્વેના દિગ્ગજ ખેલાડી સિકંદર રઝા(Sikandear Raza)એ ઈતિહાસ રચ્યો હતો, તેણે માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી, આ સાથે તે T20 ક્રિકેટમાં સદી ફટકારનાર ઝિમ્બાબ્વેનો પ્રથમ ખેલાડી બન્યો હતો. રઝા T20I ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદીનો ફટકારનાર ખેલાડી બન્યો છે. તેણે ઈનિંગમાં 15 સિક્સર લગાવી હતી.
રઝાએ નામીબિયાના લોફ્ટી-ઈટનની બરાબરી કરી છે, લોફ્ટી-ઈટને ફેબ્રુઆરી 2024માં નેપાળ સામે 33 બોલમાં સેન્ચ્યુરી ફટકારી હતી.
રઝા ઉપરાંત ઝિમ્બાબ્વેના ખેલાડીઓએ વધુ 12 સિક્સર ફટકારી હતી અને એક રેકોર્ડ સર્જાયો હતો, મેચમાં કુલ 27 સિક્સ લાગી હતી. અત્યાર સુધી આ રેકોર્ડ નેપાળના ખાતામાં હતો, નેપાળે એક ઇનિંગમાં સૌથી વધુ સ્કોર (314) બનાવ્યા હતા અને સૌથી વધુ 26 સિક્સર લગાવી હતી.
ઝિમ્બાબ્વે સામે ગામ્બિયા 54 રનમાં ઓલઆઉટ થઈ ગયું, આ રીતે ઝિમ્બાબ્વેએ T20 માં રનની દ્રષ્ટિએ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી.
કોણ છે સિકંદર રઝા:
સિકંદર રઝાએ 2013માં ઝિમ્બાબ્વે તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેના જીવનની શરૂઆત પાકિસ્તાનના સિયાલકોટથી થઈ હતી. સિકંદરનો જન્મ 24 એપ્રિલ 1986ના રોજ સિયાલકોટમાં થયો હતો અને જ્યારે તે મોટો થયો ત્યારે તે પાકિસ્તાની એરફોર્સમાં જોડાવા માંગતો હતો. તેણે પાકિસ્તાન એરફોર્સ પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કર્યો. પરંતુ તે વિઝન ટેસ્ટમાં નિષ્ફળ ગયો, જેના કારણે તેનું એરફોર્સમાં જોડાવાનું સપનું પરું ન થઇ શક્યું.
તેનો પરિવાર 2002માં ઝિમ્બાબ્વે સ્થાયી થયો, પરંતુ સિકંદરે પછી સ્કોટલેન્ડમાં રહીને સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી.
Also Read – પુણે ટેસ્ટમાં કૉન્વે અડીખમ, પણ અશ્વિન અસરદાર
જો કે સિકંદર રઝા મૂળ પાકિસ્તાની છે, પરંતુ ઝિમ્બાબ્વેએ ટી-20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાનને એક રનથી હરાવીને અપસેટ સર્જ્યો હતો. આ હાર માટે પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ હતી. મેચ બાદ જ્યારે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પૂછવામાં આવ્યું કે મેચમાં તેને ક્યારે લાગ્યું કે તે પાકિસ્તાનને હરાવી શકશે. જવાબમાં સિકંદરે કહ્યું કે, અમને પહેલો બોલ ફેંકતા પહેલા જ વિશ્વાસ હતો કે અમે પાકિસ્તાનને હરાવી શકીશું.