નિકાસ પર પ્રતિબંધ છતાં ચોખાના ભાવે રેકોર્ડ તોડ્યો
આમ તો કઈ વસ્તુના ભાવ ઊંચા નથી ગયા તે મોટો સવાલ છે. ચોખાના ભાવ પણ આસમાને છે. જાણકારો પાસેથી મળતી જાણકારી અનુસાર ચોખાના ભાવ લગભગ 12 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ કહ્યું- ‘FAOના કુલ ચોખાના ભાવ સૂચકાંકમાં જુલાઈ મહિનાની સરખામણીમાં 2.8 ટકાનો વધારો થયો છે, જે સરેરાશ 129.7 પોઈન્ટ પર પહોંચી ગયો છે. તે ગયા વર્ષના આ સમયગાળા કરતાં લગભગ 20 ટકા વધુ છે અને સપ્ટેમ્બર 2011 પછી ચોખા માટે સૌથી ઊંચા ગણવામાં આવે છે.
ચોખાના ભાવ વધવાના ઘણાં કારણો છે. તેમાંથી એક ચોખાની વધતી જતી માંગ છે. આ સિવાય ભારતે તાજેતરમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. ભારતના નિકાસ પ્રતિબંધથી વૈશ્વિક બજારમાં ચોખાના પુરવઠામાં ઘટાડો થયો છે. આનું એક મુખ્ય કારણ કેટલાંક ચોખા ઉત્પાદક દેશોમાં અનિયમિત હવામાનને કારણે ઓછી ઉપજ છે. જેના કારણે પુરવઠામાં વધુ ઘટાડો થયો છે.
વૈશ્વિક ચોખાની નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ભારતે સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ તાજેતરના અઠવાડિયામાં ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ભારત દ્વારા ચોખાની નિકાસ પર પ્રતિબંધથી વૈશ્વિક બજારમાં ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતા વધવાની શક્યતા છે.
2022-23માં ભારતમાંથી બિન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 4.2 મિલિયન ડોલર હોવાનો અંદાજ હતો. જ્યારે ગયા વર્ષે તે 2.62 મિલિયન ડોલર હતી. ભારત થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં બિન-બાસમતી સફેદ ચોખાની સૌથી વધુ નિકાસ કરે છે. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં બિન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15.54 લાખ ટન સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે, જ્યારે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી, જે વર્તમાન નાંણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 35 ટકાનો વધારો દર્શાવે છે, તેવી માહિતી એક અહેવાલ દ્વારા મળી હતી.