વૈશ્વિક સોનું ઊંચી સપાટીએથી પાછુ ફરતા સ્થાનિકમાં રૂ. ૫૩૧ની પીછેહઠ, ચાંદી રૂ. ૧૪૪૨ તૂટી છતાં અન્ડરટોન મજબૂત
વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક સોનું ઔંસદીઠ ૩૦૦૦ની સપાટીએ પહોંચવાનો અંદાજ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૭૫૮.૩૭ ડૉલરની સર્વોચ્ચ સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલીનું દબાણ આવતા ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં પુન: ઘટ્યા મથાળેથી ૦.૭ ટકા જેટલો અને ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૧.૨ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૯થી ૫૨૯ અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૨ ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ઓવરના નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય નફારૂપી વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૪૨ ઘટીને રૂ. ૯૭,૪૨૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી ઉપરાંત ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ સુસ્ત રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૯ ઘટીને રૂ. ૭૭,૮૪૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩૧ ઘટીને રૂ. ૭૮,૧૬૧ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે મધ્યપૂર્વના દેશોના તણાવ અને અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાને કારણે સલામતી માટેની માગને ટેકે હાજર અને વાયદામાં માં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૭૩૫.૨૬ ડૉલર અને ૨૭૫૮.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બધ સામે ૧.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં તીવ્ર રસાકસી અને મધ્યપૂર્વના દેશોમાં તણાવને કારણે ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો છે અને સોના, ચાંદી, પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગને ટેકે ભાવ ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા છે. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતા અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું નવી દિલ્હી સ્થિત રિસર્ચ કંપની એસએસ વેલ્થસ્ટ્રીટનાં સ્થાપક સુગંધા સચદેવાએ જણાવ્યું હતું.
વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા અમારા મતે શેષ વર્ષ ૨૦૨૪માં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૫માં ભાવ ઔંસદીઠ ૩૦૦૦ ડૉલર અથવા તેથી વધી પણ શકે છે. તેમ જે ચીનના સ્ટિમ્યુલસ પેકેજ અને વ્યાજદરમાં કપાત ઉપરાંત ઔદ્યોગિક વપરાશી માગને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૫માં ચાંદીના ભાવ ઔંસદીઠ ૪૫ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.