સલમાન ખાનને ધમકી આપનાર શાકભાજી વેચવા વાળો નીકળ્યો, મુંબઈ પોલીસે આ રીતે કરી ધરપકડ
મુંબઈ: બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાન હાલ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર (Death Threat to Salman Khan) થઇ રહ્યો છે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrance Bishnoi Gang) અગાઉ ઘણી વાર સલમાનને જાનથી મારી નાખવીની ધમકી આપી ચુકી છે. ખાસ કરીને સલમાનના નજીકના ગણાતા એનસીપી નેતા બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો, જેમાં 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જો કે તપાસ કરતા ખબર પડી કે આ ધમકી આપનાર કોઈ ગેંગસ્ટર નહીં પણ ઝારખંડના જમશેદપુરનો એક શાકભાજી વેચનાર છે.
એક અહેવાલ મુજબ મુંબઈ પોલીસને એક મેસેજ મળ્યો હતો, જેમાં એક શખ્સે દાવો કર્યો હતો કે તે લોરેન્સ બિશ્નોઈની નજીકનો માણસ છે અને જો સલમાન ખાનને દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ મેસેજ મળ્યા બાદ મુંબઈ પોલીસે દોડતી થઇ ગઈ હતી અને નંબર પરથી લોકેશન ઝારખંડમાં હોવાનું જાણવા મળ્યું હતું.
અહેવાલ મુજબ પોલીસે ગઈ કાલે 23 ઓક્ટોબરે ઝારખંડના જમશેદપુરથી મેસેજ મોકલનાર શખ્સની ધરપકડ કરી હતી. તેની ઓળખ 24 વર્ષીય શેખ હુસૈન શેખ મૌસીન તરીકે થઈ છે અને તે શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધમકીભર્યા મેસેજના નંબરને ટ્રેક કર્યો અને આરોપીઓને પકડવા માટે ટીમ ઝારખંડમાં મોકલવામાં આવી હતી. બીજી ટીમ ગુવાહાટી ગઈ હતી.
મુંબઈ ટ્રાફિક પોલીસને ધમકીભર્યો મેસેજ મોકલ્યા બાદ શખ્સે માફી પણ માંગી હતી, એ જ મોબાઈલ ફોન નંબર પરથી મેસેજ મળ્યા હતા. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આગાઉને મેસેજ ભૂલથી થઇ ગયો હતો.
Also Read – સિંઘમ અગેઇનમાં થશે ‘હુડ હુડ દબંગ દબંગ’, સલમાન ખાન કરશે કેમિયો?
નોંધનીય છે સલમાન ખાનને અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. ગેંગના શખ્સોએ આ વર્ષે એપ્રિલમાં બાંદ્રામાં આવેલા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનની હત્યા કરવાના કથિત કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, ત્યાર બાદથી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.