વિશ્ર્વ બજાર પાછળ નિકલ, કોપર, લીડ અને બ્રાસ શીટ કટિંગ્સમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં સ્ટિમ્યુલસ પેકેજની સ્પષ્ટતાના અભાવ વચ્ચે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે નિકલ, કોપર, લીડ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૩૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ તથા ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. બે અને રૂ. ચાર વધી આવ્યા હતા તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં મુખ્યત્વે નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૩૦ ઘટીને રૂ. ૧૪૦૩, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત ઘટીને રૂ. ૮૫૨, કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. ૭૯૭, રૂ. ૭૮૮ અને રૂ. ૫૭૩, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૭૩૨ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને રૂ. ૧૮૫ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૨૭૧૬ અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલીને ટેકે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૯૪ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૨૪૫ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે પાંખાં કામકાજો વચ્ચે બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૨૦ અને રૂ. ૧૯૮ના મથાળે ટકેલા રહ્યા હતા.