ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ સ્ટોકિસ્ટોની નવી લેવાલીના અભાવ અને માલની ગુણવત્તાનુસાર હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. ૧૮થી ૨૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સાધારણ ઘટાડો આવ્યો હતો. જોકે, આજે નાકા ડિલિવરી ધોરણે વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત રિટેલ સ્તરની ખપપૂરતી માગ રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો. આમ એકંદરે કામકાજો મર્યાદિત રહેતાં હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૪ અને ઉપલા મથાળેથી રૂ. ૧૮ ઘટીને રૂ. ૩૭૧૨થી ૩૭૮૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર ઘટીને રૂ. ૩૭૭૨થી ૩૯૩૬માં થયા હતા.