બાબા સિદ્દીકી હત્યા કેસ: કાવતરામાં સામેલ આરોપી હરિયાણામાં પકડાયો
સૂત્રધારો સાથેની મહત્ત્વની કડી પોલીસને હાથ લાગી: શૂટરોને આપવાની રકમ હરિયાણાના અમિત કુમારના બૅન્ક ખાતામાં જમા થઈ હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની બાન્દ્રામાં ગોળી મારીને હત્યા કરવાના કેસમાં પોલીસને સૂત્રધારો સાથેની મહત્ત્વની કડી હાથ લાગી હતી. હરિયાણાથી પકડાયેલો આરોપી સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડનારા ઝિશાન અખ્તરના સંપર્કમાં હતો અને તેના જ બૅન્ક ખાતામાં શૂટરો સુધી પહોંચાડવાની રકમ જમા થઈ હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અમિત હિસમસિંહ કુમાર (29) તરીકે થઈ હતી. હરિયાણાના કૈથલ જિલ્લામાં નાથવાન પટ્ટી ખાતે રહેતા અમિતને કોર્ટે ચોથી નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ કેસમાં અગાઉ પોલીસે બે શૂટર સહિત 10 આરોપીની ધરપકડ કરી હતી. અમિત પકડાતાં આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 11 થઈ હતી. અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં અમિતની ભૂમિકા સામે આવી હતી. અમિત હરિયાણામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી અમિતને તાબામાં લઈ મુંબઈ લવાયો હતો.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડનારા અને શૂટરો વચ્ચેની મુખ્ય કડી ગણાતા ફરાર આરોપી ઝીશાન અખ્તર એક કેસમાં પંજાબની જેલમાં બંધ હતો. આરોપી અમિત જૂનમાં જેલમાંથી જામીન પર છૂટેલા અખ્તરના સંપર્કમાં આવ્યો હતો. થોડો સમય બન્ને સાથે પણ રહ્યા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો : બાબા સિદ્દીકી હત્યાકેસ: ચાર આરોપીની પોલીસ કસ્ટડી 25 ઑક્ટોબર સુધી લંબાવાઇ…
બાબા સિદ્દીકીની હત્યાના કાવતરામાં અખ્તરે અમિતને પણ સામેલ કર્યો હતો. અમિતના બૅન્ક ખાતામાં અઢી લાખ રૂપિયા જમા કરાવાયા હતા, જે રકમ અમિતે અખ્તરને આપી હતી. બાદમાં અખ્તરે આ નાણાં શુભમ લોણકર અને પ્રવીણ લોણકર સુધી પહોંચ્યાં હતાં. સિદ્દીકીની હત્યા માટે શૂટરોની વ્યવસ્થા કરવાનું અખ્તરે લોણકર ભાઈઓને કહ્યું હતું. લોણકર ભાઈઓ દ્વારા આ રકમ શૂટરોને આપવામાં આવી હતી, એવું તપાસમાં જણાયું હતું.
પોલીસે પુણેના પ્રવીણ લોણકરને પકડી પાડ્યો હતો, પરંતુ શુભમ લોણકર હજુ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આ કેસનો મુખ્ય શૂટર ગણાતો શિવકુમાર ગૌતમ પણ હજુ પોલીસને હાથ લાગ્યો નથી.