લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટોપ ને ઈ-વ્હીકલના ચાર્જિગ સ્ટેશન કોઈ કામના નથી
સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ સુરત મ્યુનિ.એ ઈલેક્ટ્રીક વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે તેના કારણે સુરતમાં ઈ-વ્હીકલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ-વ્હીકલ વધી રહ્યાં છે તેની સામે પાલિકાએ ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું છે. આ ઈ-વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન માટે પાલિકાએ કોન્ટરાક્ટ આપ્યા છે પરંતુ તેની કામગીરીથી લોકોને સંતોષ નથી.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી બજાર ગોપી તળાવ બહાર ચાર્જીંગ સ્ટેશન બનાવ્યું છે તેના પર ભાગ્યે જ કોઈ કાર ચાર્જિંગમાં આવે છે. આ ઉપરાંત આ જગ્યાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્ટેશન બનાવ્યું છે પરંતુ જાળવણી કરનાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી બાળકો આ જગ્યાએ રમતો રમે છે. તેને લીધે તેમને જોખમ પણ રહે છે. તો બીજી તરફ પાલનપોર વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન બનાવ્યું છે તેના પર મોટાભાગે કુતરા બેઠેલા હોય છે. આવી સ્થિતિ હોવાથી હોવાથી ચાર્જીંગ સ્ટેશનની જાળવણી સામે પ્રશ્નો ઉભા થયા છે.
પાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરીને ચાર્જીંગ સ્ટેશન બનાવી રહી છે તેની જાળવણી યોગ્ય થાય અને વધુમાં વધુ લોકો આ જગ્યાનો ઉપયોગ કરે તે મુજબની કામગીરી કરવા માટે માગણી થઈ રહી છે.
સુરતમાં લોકોની સુવિધા માટે દોડાવવામાં આવતી સીટી બસની સુવિધા માટે સુરતમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો નથી. ઘણી જગ્યાએ પાલિકાએ સીટી બસ માટે બનાવેલા બસ સ્ટેન્ડ જાળવણીના અભાવે ખંડેર બની ગયા છે. તો કેટલીક જગ્યાએ માથાભારે લોકોનો કબ્જો અને કેટલીક જગ્યાએ વનસ્પતિ ઉગી નિકળી આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્રની નજર સામે આ થતું હોવા છતાં આ બસ સ્ટોપ પરના દબાણ અને ગંદકી હટાવવામાં આવતા નથી. આ સાથે બસ સ્ટોપ પર બસ ન ઊભી રાખતા ડ્રાઈવર રસ્તા પર બસ ઊભી રાખતા હોવાથી અકસ્માતોની સંખ્યા વધી ગઈ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. આવા ફોટા પણ વાયરલ થયા છે.
આ અંગે સૂરત પાલિકાના સૂત્રો સાથે વાત થઈ શકી નથી.