આ બૅટરે માત્ર 103 બૉલમાં ફટકારી રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી…
સાત સિક્સર અને 27 ફોરથી સ્ટેડિયમ ગજાવ્યું, ભારતીય પ્લેયરનો તોડ્યો વિક્રમ
ક્રાઇસ્ટચર્ચ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હજી સુધી કોઈ બૅટર 125થી ઓછા બૉલમાં ડબલ સેન્ચુરી (200 રન) નથી ફટકારી શક્યો, પરંતુ લિસ્ટ-એ તરીકે ઓળખાતી 50 ઓવરની મૅચમાં ન્યૂ ઝીલૅન્ડના ચાડ બોવ્સ નામના 32 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટરે કમાલ કરી નાખી છે. તેણે ફક્ત 103 બૉલમાં 200 રન પૂરા કરીને ક્રિકેટજગતમાં ધમાકો મચાવ્યો છે. લિસ્ટ-એ સ્તરની ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી હવે બોવેસના નામે છે.
આ પણ વાંચો : પૃથ્વી શૉને ડ્રૉપ કર્યો એટલે એ ભાઈ રિસાઈ ગયા…જાણો, બાદબાકીના બે કારણ અને તેની પ્રતિક્રિયા
બોવેસની આ 100મી લિસ્ટ-એ મૅચ હતી. તે ન્યૂઝીલૅન્ડ વતી છ વન-ડે અને 11 ટી-20 રમી ચૂક્યો છે. તેણે બુધવારે ક્રાઇસ્ટચર્ચમાં કૅન્ટરબ્યૂરી ટીમ વતી ‘ધ ફોર્ડ ટ્રોફી’ નામની સ્પર્ધામાં ઑટેગો સામેની મૅચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે કુલ 162 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 110 બૉલમાં સાત સિક્સર અને 27 ફોરની મદદથી 205 રન બનાવ્યા હતા. કૅન્ટરબ્યૂરીએ 50 ઓવરમાં નવ વિકેટે 343 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઑટેગોની ટીમ માત્ર 103 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને કૅન્ટરબ્યૂરીનો 240 રનથી વિજય થયો હતો.
લિસ્ટ-એમાં ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરીનો વિશ્ર્વવિક્રમ અગાઉ ભારતના એન. જગદીશન તેમ જ ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડના નામે હતો. બન્નેએ 114-114 બૉલમાં 200 રન બનાવ્યા હતા, જ્યારે બોવેસે એટલા જ રન 103 બૉલમાં બનાવી દેખાડ્યા છે.
તામિલનાડુના જગદીશને 114 બૉલમાં 200 રન બે વર્ષ પહેલાં વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામેની મૅચમાં બનાવ્યા હતા. એમાં તેણે કુલ 277 રન 141 બૉલમાં પંદર સિક્સર અને પચીસ ફોરની મદદથી બનાવ્યા હતા.
ટ્રેવિસ હેડે 114 બૉલમાં 200 રન 2021ની સાલમાં માર્શ કપમાં સાઉથ ઑસ્ટ્રેલિયા ટીમ વતી ક્વીન્સલૅન્ડ સામે બનાવ્યા હતા.
આ પણ વાંચો : ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના નિયમોમાં થશે મોટા બદલાવ, ICC લઇ શકે છે મોટા નિર્ણય
કયા ફૉર્મેટમાં કોની ડબલ સેન્ચુરી કેટલા બૉલમાં?
(1) ટેસ્ટમાં, ન્યૂ ઝીલૅન્ડના નૅથન ઍસ્ટલના 2002માં ઇંગ્લૅન્ડ સામે 153 બૉલમાં 200 રન
(2) વન-ડેમાં ભારતના ઇશાન કિશનના 2022માં બાંગ્લાદેશ સામે 126 બૉલમાં 200 રન
(3) ટી-20 ઇન્ટરનૅશનલમાં ઑસ્ટ્રેલિયાના આરૉન ફિન્ચના 2018માં ઝિમ્બાબ્વે સામે 172 બૉલમાં 200 રન
(4) લિસ્ટ-એ ફૉર્મેટમાં ન્યૂ ઝીલૅન્ડના (કૅન્ટરબ્યૂરીના) ચૅડ બોવેસના 2024માં ઑટેગો સામે 103 બૉલમાં 200 રન