“15 વર્ષમાં નહિ જોયેલી મંદીનો માર” ઘર સુશોભનની ચીજવસ્તુના કારીગરોની દિવાળી બગડી!
ભુજ: દિવાળીના તહેવારો નજીક આવી ચુક્યા છે ત્યારે ભુજ સહીત કચ્છના શહેરી વિસ્તારોમાં ‘હોમ ડેકોરની’ કલાત્મક ચીજવસ્તુઓને ફેરિયાઓ ઠેર-ઠેર વેંચી રહ્યા છે. આ ફેરિયાઓ મૂળ તો બિહારના છે પરંતુ છેલ્લા લગભગ બે દાયકાઓથી કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા છે અને જ્યાં જ્યાં તેઓ સ્થાયી થયા છે તે ગામોની ભૂમિને આવા પરિવારોએ તેમની કર્મભૂમિ બનાવી છે.
આ વખતે બહુ જ ઓછા લોકો આ કલાત્મક ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે, જેથી છેલ્લા પંદર વર્ષોમાં કદી પણ ન અનુભવી હોય તેવી ઘેરી મંદીનો સામનો આ શ્રમજીવી પરિવારો કરી રહ્યા છે. છેક બિહારથી ભુજ સ્થાયી થયેલા બીજય શાહ નામના ફેરિયાના જણાવ્યા પ્રમાણે વેસ્ટ પ્લાસ્ટિક અને અન્ય રી-સાઇકલ્ડ થયેલી જણસોમાંથી બનાવાયેલી હોમ ડેકોરની ચીજવસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકના ફૂલ, મૂર્તિઓ, ચિનાઈ માટીની કલાકૃતિઓ, દુકાનોમાંથી લોકો ખરીદે છે પણ ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના કલાકારો દ્વારા બનાવાયેલા કલાત્મક નમૂનાઓ ફેંકી દેવાના ભાવે વેંચાતા હોવા છતાં કોઈ ખરીદનાર નથી!.
આ પણ વાંચો : દિવાળી ટાણે કચ્છમાં ગરમીનો કહેર: દુબઇ અને દોહા કરતાં ભુજમાં વધારે ગરમી
દિવાળી પૂર્વે લગબગ બે મહિના પૂર્વે અમે હોમ ડેકોરની કલાત્મક ચીજવસ્તુઓના ઢગલે ઢગલા રસ્તા પર ખડક્યા છે પણ એમાંના મોટાભાગની ચીજવસ્તુઓ લગભગ એક દાયકાથી વણવેંચાયેલી પડી રહેવા પામી છે જેને લઈને અમારા પરિવારની દિવાળી તો બગડી જવા પામી છે. હોમ ડેકોરની કલાત્મક ચીજવસ્તુઓ પ્રત્યે ઘટતી જતી રુચિ પાછળ મોંઘવારીને જવાબદાર ગણતા આ ભાંગી ગયેલા રોડ સાઈડ ફેરિયાએ જણાવ્યું હતું કે, લોકો ભરપેટ બે ટંક ભોજન માટે ફાંફા મારી રહ્યા હોય ત્યારે ઘર સજાવટની ચીજવસ્તુઓ લોકો ક્યાંથી ખરીદે.આ માત્ર જાણે અમીરોનો જ શોખ હોય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે.
હવે હોમ ડેકોરની ચીજવસ્તુઓ રોડ સાઈડ વહેંચવાને બદલે અમે ફળ-ઝાડના રોપા,પક્ષી ઘર, પાણીના કુંડા જેવી ચીજ વસ્તુઓ વેંચશું જેથી તેના વેંચાણ થકી અમારા ઘરના રસોડાના ચૂલા સળગે.