ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દિવાળીના ફટાકડા પહેલા રાજકીય તડાફડી ફૂટી રહી છે. ચૂંટણીનો માહોલ જામે તે પહેલા જ દરેક પક્ષમાં અને બન્ને ગઠબંધનોમાં નવાજૂની થઈ રહી છે. આ ચૂંટણી પોતાનો પક્ષ છોડી આવેલા એકનાથ શિંદે (શિવસેના) અને અજિત પવાર (એનસીપી) માટે અસ્તિત્વની લડાઈ સમાન છે, આથી આ બન્નેનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે. અજિત પવારે તો હજુ પોતાની પહેલી યાદી પણ બહાર પાડી નથી ત્યારે એકનાથ શિંદેએ ગઈકાલે મોડી રાત્રે 45 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આ યાદીમાં એકનાથ શિંદેનું નામ પણ છે અને તેઓ થાણેના કોપરી પાચપખાડી વિસ્તારમાંથી ચૂંટણી લડવાના છે.
શિવસેના શિંદે વિરુદ્ધ આ યુવાનને આપશે ટિકિટ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શિવસેના (યુબીટી)એ શિંદેની બેઠક પરથી એક યુવાનને ઊભો રાખવાની તૈયારી કરી છે. આ યુવાનનું નામ ભલે બહુ જાણીતું ન હોય, પરંતુ એકનાથ શિંદે માટે તે ઉપાધિનું કારણ બની શકે છે. આ યુવાન છે કેદાર દીઘે. એ સૌ કોઈ જાણે છે કે એકનાથ શિંદેના રાજકીય ગુરુ આનંદ દીઘે હતા અને શિંદે તેમના નકશાકદમ પર ચાલવાની જ વાત કરે છે. એકનાથ દીઘેની ફિલ્મ પણ બહાર પડી હતી અને તેમાં પણ શિંદે તેમન સાથે લાગણીથી કેટલા જોડાયેલા છે તે બતાવવામાં આવ્યું હતું. હવે ઠાકરેએ તેમના વિરુદ્ધ આનંદ દીઘેના પૌત્ર કેદાર દીઘેને ઉતારવાની તૈયારી કરી છે. એક તો આનંદ દીઘેને થાણેમાં આજે પણ યાદ કરવામાં આવે છે અને બીજી બાજુ શિંદેએ બાળ ઠાકરેની શિવસેના છોડી હોવાથી પણ થોડી નારાજગી છે. બીજી બાજુ શિંદે માટે પણ દીઘે વિરુદ્ધ બોલવાનું અઘરું થઈ જશે ત્યારે જો આમ થશે તો આ બેઠક પર સૌની નજર રહેશે.