આલ્કોહોલ અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્યોને આપી આ સત્તા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ માટે કાયદા બનાવવાના અધિકારક્ષેત્ર અંગે મહત્વનો ચુકાદો (Supreme courts verdict about industrial alcohol)આપ્યો છે. સુપ્રીમ કોર્ટની નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 8:1 ની બહુમતીથી ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ અંગે કાયદા બનાવવાની સત્તાને રાજ્યોને આપી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ચુકાદો આપતાં કહ્યું કે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ પર કાયદો બનાવવાનો અધિકાર રાજ્યનો છે.
આ ચુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે સિન્થેટીક્સ અને કેમિકલ્સ કેસમાં સાત જજોની બંધારણીય બેન્ચના 1990ના નિર્ણયને પલટાવી દીધો છે. 1990માં બંધારણીય બેન્ચે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બંધારણીય બેંચ વતી, એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્યો સમવર્તી સૂચિ હેઠળ હોવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલને નિયંત્રિત કરવાનો દાવો કરી શકે નહીં.
ચુકાદો સંભળાવતા ભારતના મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ પર કાયદો બનાવવાનો રાજ્યનો અધિકાર છીનવી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યોને પણ ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદન અને સપ્લાય અંગે નિયમો બનાવવાનો અધિકાર છે.
નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે પીવા માટે ઉપયોગમાં લેવાતા દારૂ સાથે સંબંધિત કાયદાકીય સત્તા રાજ્યો પાસે છે. તેવી જ રીતે, રાજ્યોને પણ ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલનું નિયમન કરવાનો અધિકાર હોવો જોઈએ.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હૃષીકેશ રોય, એએસ ઓકા, જેબી પારડીવાલા, ઉજ્જવલ ભુયા, મનોજ મિશ્રા, એસસી શર્મા અને એજી મસીહ દ્વારા બહુમતીથી આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
જ્યારે આ નિર્ણય સાથે અસંમતિ દર્શાવતા જસ્ટિસ બી.વી. નાગરથનાએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલના નિયમન માટેની સત્તા માત્ર કેન્દ્ર પાસે જ છે.
આ કેસમાં અરજદારો વતી એવું કહેવામાં આવ્યું હતું કે GST લાગુ થયા બાદ આવકના મહત્વના સ્ત્રોત તરીકે ઇન્ડસ્ટ્રીઅલ આલ્કોહોલ પર ટેક્સ લગાવવાનો અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે.