(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારની નજર સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝન પર રહેશે કારણ કે ૨૧ ઓક્ટોબરથી શરૂ થતા સપ્તાહમાં ૪૦૦થી વધુ કોર્પોરેટ ખેલાડીઓ તેમના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ સપ્તાહમાં ચાલુ સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની સિઝનને કારણે બજાર સતત શેરલક્ષી કામકાજ સાથે કોન્સોલિડેશન મોડમાં રહેવાની ધારણા છે, પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્પેસમાંથી ટેકો મળી શકે છે, જે ગયા સપ્તાહના આઉટ પરફોર્મર છે. આ કંપનીઓમાં આઇસીઆઇસીઆઇ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, કોલ ઇન્ડિયા અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા અગ્રણી નામોનો સમાવેશ થાય છે.
એ જ સાથે એસીસી, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ સર્વિસ, ઈન્ટરગ્લોબ એવિએશન, વન ૯૭ કોમ્યુનિકેશન્સ (પેટીએમ), ઝોમેટો, ઇન્ડસ પાવર, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ, એસબીઆઇ લાઈફ ઈન્સ્યોરન્સ, કોફોર્જ, જેએસડબ્લ્યુ એનર્જી, ટીવીએસ મોટર કંપનીના નાણાકીય પરિણામ પણ જાહેર થશે.