સ્પોર્ટસ

ગાવસકરે આઇપીએલને કેમ અને શેના માટે કારણરૂપ ગણાવી?

મુંબઈ: એક તરફ ભારતીય ખેલાડીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં વ્યસ્ત છે ત્યાં બીજી બાજુ ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠિત રણજી ટ્રોફી ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતના મોટા ભાગના ખેલાડીઓ ટેસ્ટ-સિરીઝમાં બિઝી છે, પરંતુ અમુક ખેલાડીઓ રણજી ટ્રોફીને બદલે ઓમાનમાં ચાલી રહેલા ઇમર્જિંગ એશિયા કપમાં ભાગ લઈ રહ્યા છે. મહાન ક્રિકેટર સુનીલ ગાવસકર આ બાબતથી ખફા છે. તેમણે એક રીતે આઇપીએલને કારણરૂપ ગણાવી છે.

સનીનું માનવું છે કે ખેલાડીઓ જો પોતાની સ્ટેટ ટીમને બદલે અન્ય જ કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંડે તો રણજી ટ્રોફી જેવી ઘરઆંગણાની ડોમેસ્ટિક સ્પર્ધાનું મહત્ત્વ ઘટી જાય.

રણજી ટ્રોફીની નવી સીઝન 11મી ઑક્ટોબરે શરૂ થઈ ચૂકી છે અને બે રાઉન્ડ થઈ ગયા છે. અમુક ખેલાડીઓ આ સ્પર્ધા છોડીને ઇમર્જિંગ એશિયા કપમાં ઇન્ડિયા-એ વતી રમે છે. ગાવસકરે કહ્યું છે, ‘રણજી ટ્રોફીની સીઝન શરૂ થઈ ગઈ છે, પણ જો ખેલાડીઓ એમાં રમવાને બદલે બીજી જ કોઈ ટૂર્નામેન્ટમાં રમવા માંડે તો રાષ્ટ્રીય સ્પર્ધાનું મહત્ત્વ ઘટી જાય.’

ગાવસકરે એક કૉલમમાં એવું પણ લખ્યું છે કે ‘આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં ભારતની પાંચ ટેસ્ટ રમાવાની છે. એ પહેલાં, સાઉથ આફ્રિકામાં ચાર ટી-20 મૅચ રમાશે. ઑસ્ટ્રેલિયામાં ઇન્ડિયા-એ ટીમની પણ ટૂર્નામેન્ટ રમાશે. પરિણામે, આ સમયગાળા દરમ્યાન 50થી 60 ખેલાડીઓ રણજી ટ્રોફીમાં પોતાની સ્ટેટ ટીમ વતી ઉપલબ્ધ નહીં રહે. એ જોતાં એમાંના ખેલાડીઓએ શક્ય હોય તો હાલમાં રણજી મૅચોમાં રમવું જોઈએ.’

આ પણ વાંચો : IPL 2025: અમદાવાદનો આ પૂર્વ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો બનશે બેટિંગ મેન્ટોર, જાણો કેવી છે કરિયર…

ગાવસકરે એવું પણ જણાવ્યું છે કે ‘જ્યારથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ છે ત્યારથી રણજી ટ્રોફીને જોઈએ એવું મહત્ત્વ નથી મળતું. કોઈ પણ દેશ પોતાની રાષ્ટ્રીય સ્પર્ધા પ્રત્યે ભારતની જેમ લાપરવાહીનો અભિગમ ન રાખે. શું તમે ક્યારેય ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડને પોતાની ડોમેસ્ટિક સ્પર્ધા દરમ્યાન ‘એ’ સ્તરની ટૂર આયોજિત કરતા કે એના ખેલાડીઓને અર્થ વગરની ટૂર્નામેન્ટમાં ભાગ લેતા જોયા છે? જોકે જ્યારથી આઇપીએલ શરૂ થઈ છે ત્યારથી રણજી ટ્રોફીનું મહત્ત્વ ઓસરી ગયેલું જોવા મળ્યું છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button