ભારે વરસાદની વચ્ચે બેંગલુરુમાં ઈમારત ધરાશાયી: 17 કામદારો દટાયાની આશંકા…

બેંગલુરુ: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને કારણે દક્ષિણ ભારતમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે નિર્માણાધીન એક ઈમારત ધરાશાયી થઈ ગઈ. બિલ્ડિંગના કાટમાળ નીચે 17 કામદારો ફસાયા હોવાની આશંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બે ઈમરજન્સી અને ફાયર બ્રિગેડની સાથે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને હાલ કામદારોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : બેંગલુરુમાં વિરાટ કોહલીની માલિકીના પબ સામે કેસ નોંધાયો, જાણો પોલીસે શું કહ્યું
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સાંજે ભારે વરસાદ વચ્ચે ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં 17 મજૂરો ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ પણ લાગી હતી. દુર્ઘટનાની માહિતી પ્રાપ્ત થતાંની સાથે જ તાત્કાલિક રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત:
સોમવાર રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે સમગ્ર બેંગલુરુમાં ઘણા વિસ્તારો જલમગ્ન થયા છે. પાણી ભરાવાને કારણે શહેરના ઘણા રસ્તાઓ બંધ છે અને વહીવટીતંત્રે લોકોને બચાવવા માટે રસ્તાઓ પર હોડીઓ ઉતારી દીધી છે. બેંગલુરુની અનેક રસ્તાઓ ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો :બેંગલુરુમાં એમેઝોન પાર્સલમાંથી જીવિત Cobra નીકળ્યો, વિડીયો વાયરલ
વિમાની સેવાને પહોંચી અસર:
મીડિયા અહેવાલો અનુસાર મંગળવાર સવાર સુધીમાં બેંગલુરુ શહેરમાં 157 મીમી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે બેંગલુરુમાં ફ્લાઈટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. સોમવારે રાત્રે 20 થી વધુ ફ્લાઇટ સેવાઓ મોડી પડી હતી. ભારે વરસાદને કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટ અને દિલ્હીથી ઈન્ડિગોની ચાર ફ્લાઈટ ચેન્નાઈ ડાયવર્ટ કરવામાં આવી છે.