આપણું ગુજરાતટોપ ન્યૂઝ

નકલી જજના નર્યા કારનામા: સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વકીલ બની જામીન પણ મેળવ્યા હતા!

અમદાવાદ: ગુજરાતમાં નકલીનો જાણે રાફડો ફાંટયો છે. રાજ્યમાં નકલી પીએમઓ, સીએમઓના અધિકારી, આઇપીએસ અધિકારી, ટોલનાકું ઝડપાયા બાદ ગઇકાલે અમદાવાદમાંથી નકલી કોર્ટ મળી આવી હતી. નકલી કોર્ટના ઘટસ્ફોટ બાદ નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટ દ્વારા રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાંથી નકલી કોર્ટ ઝડપાયા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે આ બાદ આરોપી નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની કરતૂતો પ્રકાશમાં આવી રહી છે. આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની સામે હાઇકોર્ટની અવમાનના, નકલી જજ બનીને લોકો પાસેથી નાણાં પડાવવા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી વકીલ બનીને કામ કરવા સહિતના ગંભીર આરોપો છે. જો કે છેક વર્ષ 2015માં આરોપીની સામે નોંધાયેલા એક ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન 20 વર્ષથી નકલી જજ બનીને અજ્ઞાની લોકોને છેતરી તેમની પાસેથી નાણા પડાવતો હતો.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજે ગુજરાતની મુલાકાતે, વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત રહેશે

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને એક નકલી કોર્ટ , જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ પણ રાખ્યો હતો. નકલી વકીલે કોર્ટ બનાવીને પાલડી ખાતેની એક સરકારી જમીનનો હુકમ પણ કરી નાખ્યો હતો. આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયો, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો.

સોહરાબુદ્દીન કેસમાં પણ બન્યો હતો વકીલ:
નકલી કોર્ટનો ભાંડો ફુટ્યા બાદ હવે તેના અનેક કરતૂતો સામે આવી છે. રાજ્યના બહુચર્ચિત રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નકલી વકીલ બન્યો હોવાનું પણ ખૂલ્યું છે. વળી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં વર્ષ 2009માં એક આરોપી વતી કોર્ટમાં વકીલ તરીકે પણ હાજર રહીને આરોપીના જામીન પણ મેળવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button