ઈલેક્શન સ્પેશિયલઃ MVA & ‘મહાયુતિ’ને ટક્કર આપશે પરિવર્તન મહાશક્તિ, ઉમેદવાર જાહેર કર્યાં…
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજ્યના સૌથી મોટા બે મહાગઠબંધન (મહાવિકાસ આઘાડી અને મહાયુતિ)ના પક્ષોએ સૌથી મોટી તૈયારીઓ શરુ કરી છે ત્યારે રાજ્યમાં વધુ એક ગઠબંધનની પાર્ટી તૈયાર થઈ છે.
‘પરિવર્તન મહાશક્તિ’ નામની પાર્ટી (એટલે નોન-એમવીએ અને નોન-મહાયુતિ) રાજ્યના અન્ય પક્ષોના ગઠબંધને ટક્કર આપવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૦ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. આ ગઠબંધનમાં રાજુ શેટ્ટીની સ્વાભિમાની શેતકરી સંગઠન, સંભાજી છત્રપતિની મહારાષ્ટ્ર સુરાજ્ય પક્ષ અને વિધાનસભ્ય બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ સામેલ છે.
આ પણ વાંચો : Maharashtra elections:કોંગ્રેસની CECની બેઠકમાં 63 બેઠકો પર ચર્ચા: આ તારીખે જાહેર થશે યાદી
રાજુ શેટ્ટીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે બચ્ચુ કડુને અચલપુરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અનિલ ચૌધરી રાવેરથી, ગણેશ નિમ્બાલકર ચંદવાડથી, સુભાષ સામને ડેગલુરથી, અંકુશ કદમ ઐરોલીથી, માધવ દેવસરકરન હદગાંવ હિમાયતનગર અને ગોવિંદ ભંવર હિંગોલીથી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે શિરોલ અને મિરાજ બેઠકો (સાંગલી જિલ્લામાં) સ્વાભિમાની શેતકરી સંગઠનને આપવામાં આવી છે અને આ બે બેઠકોના ઉમેદવારોની જાહેરાત પછી કરવામાં આવશે. સંભાજી છત્રપતિએ કહ્યું હતું કે બાકીના ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
જ્યારે ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ૯૯ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે તેના ૭૧ ધારાસભ્યોને ફરી ટિકિટ આપી છે. લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનને જોતા ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી તેણે કેટલાક મતવિસ્તારમાં પ્રભાવશાળી નેતાઓને રિપીટ કર્યા છે જ્યારે કેટલાક નેતાઓના સંબંધીઓને ટિકિટ આપી છે.
આ પણ વાંચો : 210 બેઠક માટે MVAમાં સર્વસંમતિ: સંજય રાઉતે ભાજપ પર મૂક્યો મોટો આરોપ
જેમાં પૂર્વ સીએમ અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણને પણ ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે, ભાજપના રાજ્યસભા સભ્ય ધનંજય મહાડિકના નાના ભાઈ અમલ મહાડિક, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના પુત્ર સંતોષ દાનવે, પૂર્વ સીએમ શિવાજીરાવ પાટીલ નિલંગેકરના પૌત્ર સંભાજી પાટીલ નિલંગેકર, અજિત પવારના નજીકના વરિષ્ઠ નેતા પદ્મસિંહ પાટીલના પુત્ર રાણા જગજીતસિંહ પાટીલ, પૂર્વ સાંસદ અનિલ શિરોલેના પુત્ર સિદ્ધાર્થ શિરોલે, ધારાસભ્ય અશ્વિની જગતાપના સાળા શંકર જગતાપ ઉપરાંત અન્ય નામોનો સમાવેશ છે.