મુંબઈ સહિત આ વિસ્તારો નક્કી કરશે મહારાષ્ટ્રનો કેપ્ટનઃ બન્ને ટીમનું ધ્યાન આ બેઠકો પર…
મુંબઈઃ સામાન્ય રીતે મુંબઈગરાઓ મતદાન માટે જોઈએ તેવો ઉત્સાહ બતાવતા નથી, પરંતુ તમને ખબર નથી તમારી 36 બેઠક મેળવવા માટે ઉમેદવારો અને રાજકીય પક્ષોએ કેટલી કમર કસવી પડે છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) અને કોંકણ તેમ જ વિદર્ભની બેઠકો પરની હારજીત આખા રાજ્યની બાજી પલટાવી નાખે છે. એમએમઆર- કોંકણ અને વિદર્ભની અનુક્રમે 75 ને 62 બેઠક માટે બન્ને ટીમ પીચ તૈયાર કરી રહી છે કારણ કે અહીં વધારે રન ફટકારનાર રાજ્યનો કેપ્ટન બનશે.
આ પણ વાંચો : હરિયાણામાં ભાજપના વિજયરથના સારથી હવે મહારાષ્ટ્રમાં પણ કામે લાગશે…
હવે હાલનું ચિત્ર જોઈએ તો મહાયુતી સત્તામાં છે અને એમવીએ વિરોધપક્ષમાં છે. લોકસભામાં 48 બેઠકમાંથી 30 પર એમવીએનો વિજય થયો હતો અને 17 પર મહાયુતીને જીત મળી હતી, પરંતુ આ આંકડાઓ વચ્ચેનો તફાવત એમવીએ માટે વધારે ઉત્સાહમાં રહેવા જેવો નથી કારણ કે બન્નેના વૉટશેરમાં માત્ર 1 ટકાનો તફાવત છે. એમવીએને 43.71 ટકા જ્યારે મહાયુતીને 43.55 ટકા મત મળ્યા છે.
વિદર્ભની વાત કરીએ તો એમવીએના ભાગે 10માંથી 7 લોકસભા બેઠક આવી છે. કોંકણમાં મહાયુતીએ 6માંથી 5 બેઠક મેળવી હતી અને મુંબઈમાં પણ એમવીએનો હાથ ઉપર રહ્યો હતો કારણ કે અહીંની 6માંથી 4 બેઠક તેમને મળી હતી અને એક બેઠક પર માત્ર એક મતના માર્જિનથી શિંદેસેનાના ઉમેદવાર જીત્યા હતા.
આ પણ વાંચો : હિંમત હોય તો આ સીટ પર લડોઃ ભાજપના વિધાનસભ્યએ રાઉત-પટોલેને ખુલ્લી ચેલેન્જ
આ વિસ્તારોની એવી 30 બેઠક છે જે એમવીએના હાથમાં છે અને મહાયુતીએ તેમની પાસેથી લેવા માટે ભારે મહેનત કરવી પડશે. જેમાં જ્ઞાતિના સમીકરણો સાથે જનસંપર્ક કેટલો સાધી શકાય છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી કેટલી આપી શકાય છે, તે મહત્વનું બની રહે છે.
વિદર્ભમાં ભાજપનો દબદબો હતો, પરંતુ લોકસભામાં આમ ન થયું ત્યારે હવે વિધાનસભામાં પોતાનો ગઢ ફરી મેળવવા ભાજપ કોશિશ કરશે. ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખુદ આ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે લોકસભાની જેમ આ ચૂંટણીમાં પણ ખેડૂતોના નારાજગીનો સામનો ભાજપે કરવો પડશે. આ સાથે અહીંના દલિત, મુસ્લિમ અને કુનબી સમાજનું સમર્થન એમવીએને વધારે મજબૂત બનાવી રહ્યું છે.
આ પણ વાંચો : બહારગામ રહેતા મતદાતાઓને ઑનલાઈન નાણાં આપવાની વાત: વિધાનસભ્ય સામે ગુનો…
ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત રહ્યું છે, પરંતુ મુંબઈ,પુણે, નાગપુર જેવા શહેરોની જરૂરિયાતો ન સંતોષાતી હોવાથી અહીં પણ લોકો નારાજ છે. કૉંગ્રેસ-એનસીપી ગ્રામીણ વિસ્તારોમાં પહેલેથી સારું સમર્થન ધરાવે છે. વિધાનસભામાં 5,000થી 20,000 મતનો તફાવત ચિત્ર બદલી શકતું હોય છે ત્યારે આ બેઠકો પર બન્ને ટીમનો ઘણોખરો મદ્દાર રહેલો છે.