કચ્છમાં રિસોર્ટો પર બુલડોઝર કાર્યવાહી: બુકિંગ કરાવનાર અનેક સહેલાણીને અસર…
ભુજ: દિવાળીની રજાઓ અને રણોત્સવ દરમ્યાન કચ્છની વૈશ્વિક ઓળખ બની ચૂકેલાં સફેદ રણની મુલાકાત લેવા માટે આવનારા અમુક પ્રવાસીઓને પોતાના કાર્યક્રમો રદ્દ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે વહીવટીતંત્ર દ્વારા ભીરંડિયારાથી ધોરડો સુધીના વિસ્તાર અને બીએસએફ ટાવરથી 66 કે.વી પાવર હાઉસ સુધીના વિસ્તારમાં ખડકી દેવામાં આવેલા સંખ્યાબંધ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી જમીનને ખુલ્લી કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : કચ્છમાં ફરી ધરા ધ્રુજી: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો…
કચ્છના પ્રવાસે આવનારા સહેલાણીઓ કચ્છી ભૂંગામાં રહેવાનું પસંદ કરતા હોઈ, ધોરડો આસપાસ રિસોર્ટ અને તંબુનગરી (ટેન્ટ સિટી)ની બોલબાલા વધી છે. તેવામાં ધોરડોમાં વોચ ટાવર જતા માર્ગે બીએસએફ ચેકપોઇન્ટ નજીક ગેરકાયદે રીતે ખાનગી પાર્ટીઓ દ્વારા આવા ગેરકાયેદેસર રિસોર્ટ ઉભા કરી લાઈટ-પાણીના જોડાણો મેળવીને રૂપકડાં કચ્છી ભૂંગા બનાવવામાં આવ્યા હતા.
આ દબાણોને સ્વેચ્છાએ હટાવી લેવા માટે મહેસુલ વિભાગ દ્વારા અનેકવાર સૂચના આપવામાં આવી હતી, જોકે સ્વેચ્છાએ દબાણ ન હટતા તંત્રના બુલડોઝર દ્વારા 6 જેટલા રિસોર્ટના કુલ 160થી વધુ કચ્છી ભૂંગા તોડી પાડવામાં આવ્યા અને 54 હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : દિવાળી ટાણે કચ્છમાં ગરમીનો કહેર: દુબઇ અને દોહા કરતાં ભુજમાં વધારે ગરમી
ભુજથી ખાવડા જતા માર્ગે હાલ 140થી વધુ ગેરકાયેદે બનાવી દેવામાં આવેલા રિસોર્ટ-હોટલોને તોડવા માટે નોટીસ આપવામાં આવી છે એ દબાણ પર પણ તંત્રનું બુલડોઝર ટૂંક સમયમાં ફરી વળશે તેમ આ દબાણહટાવ ઝુંબેશ સાથે જોડાયેલા અધિકારીએ. જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ વર્ષે 124 દિવસ લાંબા રણોત્સવનો વિધિવત પ્રારંભ આગામી 11 મી નવેમ્બરથી થવાનો છે.