જાતિ આધારિત ગણકરી પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર…
બિહારમાં જાતિ આધારિત ગણતરી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી હતી. છેલ્લી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી.એન. ભટ્ટીની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે આ જાતિ આધારિત ગણતરી અને તેના સર્વે પર કોઇ સ્ટે આપવામાં નહિ આવે.
જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે આજે શુક્રવારે એટલે કે 06 ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ જાતિ સર્વેક્ષણ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો તેમજ જાન્યુઆરીમાં આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે તેમ કહ્યું હતું.
સ્ટે આપવાનો ઇનકાર કરતા બેન્ચના અધ્યક્ષ જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અમે કોઈપણ રાજ્ય સરકારને નીતિ ઘડતા કે કામ કરતા રોકી શકીએ નહીં. કેસની સુનાવણી કરતાં ન્યાયાધીશે કહ્યું હતું કે હાઈકોર્ટે વિગતવાર આદેશ આપ્યો છે અને અમારે પણ તેની વિગતવાર સુનાવણી કરવી પડશે. એ વાત પણ સાચી છે કે સરકારી યોજનાઓ માટે ડેટા એકત્ર કરવો જરૂરી છે.
કેસની સુનાવણી દરમિયાન વકીલે કહ્યું કે બિહાર સરકારે કેસની સુનાવણી પહેલા જ સર્વેના આંકડા જાહેર કર્યા. તેના પર જજે કહ્યું કે અમે તેના પર પ્રતિબંધ લગાવ્યો નથી. દલીલ કરતી વખતે વકીલે કહ્યું કે સર્વેક્ષણની પ્રક્રિયા જ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.
સૌથી પહેલા તો એ નક્કી કરવું જોઈએ કે આ મામલે નોટિસ જારી કરવી જોઈએ કે નહીં. તેના પર જજે કહ્યું હતું કે અમે નોટિસ જારી કરી રહ્યા છીએ અને આગામી સુનાવણી જાન્યુઆરીમાં થશે. વકીલે વિનંતી કરી કે સ્ટે અંગે આદેશ જારી કરવામાં આવે, જેના પર ન્યાયાધીશે કહ્યું કે આ અત્યારે કરી શકાય નહીં. વર્ગીકૃત ડેટા પ્રકાશિત થાય છે કે નહીં તે પણ જોવાનું રહે છે. અમે કોઈપણ રાજ્ય સરકારને નીતિઓ બનાવતા રોકી શકીએ નહીં પરંતુ લોકોનો અંગત ડેટા સાર્વજનિક ન કરવો જોઈએ.