આ અભિનેતાએ રૂ. 10 કરોડની પાન મસાલાની જાહેરાતની ઓફરને નકારી કાઢી
કરોડો રૂપિયા કમાતા બોલિવૂડના અજય દેવગન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર જેવા કલાકારો પાન મસાલાની જાહેરાતોમાં જોવા મળે છે અને તેઓ આ માટે મોટી ફી પણ વસુલે છે. પાનમસાલા આરોગ્ય માટે જોખમકારક હોવાનું તેઓ જાણતા હોવા છતાં પૈસાની લાલચ તેઓ જતી કરી શકતા નથી, પરંતુ પીઢ અભિનેતા અનિલ કપૂરે સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે. અનિલ કપૂર તેમની પ્રામાણિકતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. અનિલ કપૂરને પાન મસાલાની જાહેરાત કરવાની ઓફર મળી હતી, પરંતુ તેમણે આ જાહેરાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. અનિલ કપૂર તેમના ચાહકોને ખોટો સંદેશ આપવા માંગતા નથી, તેથી તેમણે 10 કરોડ રૂપિયાની ઓફર ફગાવી દીધી છે. આ બાબત પોઝિટિવ અને અનુકરણીય રોલ મોડલ તરીકેની તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
અનિલ કપૂરની નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે, ”તેમનો એક પ્રખ્યાત પાન મસાલા કંપની દ્વારા આકર્ષક ઓફર સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેને ઠુકરાવી દીધી હતી. તેઓ તેમના ચાહકો પ્રત્યે જવાબદારીની ઊંડી લાગણી અનુભવે છે અને તેઓ એવા ઉત્પાદનોને સમર્થન આપવા માટે તૈયાર નથી જે લોકોના આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે, પછી ભલે તેમને ઊંચુ વળતર આપવામાં આવે.”
પાન મસાલા, તમાકુ અને આલ્કોહોલ જેવા હાનિકારક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા અભિનેતાઓનો જનતાએ હંમેશા વિરોધ કર્યો છે. અક્ષય કુમાર, શાહરૂખ ખાન, અજય દેવગણ અને અમિતાભ બચ્ચન જેવી હાઈ-પ્રોફાઈલ હસ્તીઓએ પણ પાન મસાલા જેવા હાનિકારક ઉત્પાદનોને તેમના સમર્થન માટે ઓનલાઈન વિરોધનો સામનો કરવો પડ્યો છે.
વાત કરીએ અનિલ કપૂરની તો 1977 માં ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા ત્યારથી અનિલ કપૂરે અસંખ્ય ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યા છે. વર્ક ફ્રન્ટ પર અનિલ કપૂર તાજેતરમાં અભિનય દેવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સાવી’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે દિવ્યા ખોસલા, એમ કે રૈના અને પ્રોમિલા થોમસ પણ હતા. ફિલ્મમાં તેમના અભિનયની ઘણી પ્રશંસા થઇ હતી. તેઓ હવે આગામી એક્શન ફિલ્મ ‘વોર 2’ માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને કિયારા અડવાણી છે.