મિલિંદ નાર્વેકરે અમિત શાહને શુભેચ્છા પાઠવી, રાજકીય વર્તુળોમાં ચર્ચા
મુંબઇઃ કોઇની બર્થ ડે આવે એટલે એને શુભેચ્છા પાઠવવી એવો આજકાલનો ટ્રેન્ડ છે, જેને બધા જ ફોલો કરતા હોય છે પણ રાજકારણમાં જ્યારે બે વિરોધી પાર્ટીના નેતાઓ એકબીજાને બર્થ ડેની શુભેચ્છા આપે ત્યારે તેના ગુઢાર્થો અલગ હોય છે. હાલમાં આવું જ કંઇક જોવા મળ્યું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર મિલિંદ નાર્વેકરે ટ્વિટર દ્વારા તેમની શુભેચ્છાઓ મોકલી છે. હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ભાજપ બંને એકબીજાના કટ્ટર વેરી બની ગયા છે. બંને પક્ષો એકબીજા પર અનેક આક્ષેપો કરી ચૂક્યા છે. તેવા સમયે ઉદ્ધવના ખાસ મનાતા મિલિંદ નાર્વેકર અમિત શાહને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છા મોકલે તો રાજકીય વર્તળોમાં ચર્ચા થવી સ્વાભાવિક જ છે. અલબત્ત, આ ટ્વિટમાં શુભકામનાઓ સિવાય કંઈ ખાસ નથી. જોકે, રાજકીય વર્તુળોમાં તેનું અલગ-અલગ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સેક્રેટરી મિલિંદ નાર્વેકરે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની સર્વોચ્ચ કાઉન્સિલની ચૂંટણીમાં ભારે જીત મેળવી હતી. આ જીતના કલાકોમાં જ નાર્વેકરે ભાજપના શક્તિશાળી કેન્દ્રીય નેતૃત્વને શુભેચ્છા પાઠવી છે. આથી આ ટ્વીટની ભારે ચર્ચા થઈ રહી છે. પક્ષના નેતાઓ પણ સવાલ કરી રહ્યા છે કે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?’
નાર્વેકરે આપેલી શુભેચ્છાઓથી તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓ નારાજ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે અમિત શાહે છેલ્લા કેટલાક મહિનામાં ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી છે. પક્ષના નેતાઓના મનમાં એવો સવાલ આવવો પણ સ્વાભાવિક છે કે શું નાર્વેકર આ ટીકા ભૂલી ગયા? અમિત શાહને શુભકામનાઓ પાઠવવા માટે આટલી ઉતાવળ કેમ, હવે ઠાકરે જૂથમાં અંદરોઅંદર ચર્ચા શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
ઉદ્ધવ ઠાકરે પણ છેલ્લા કેટલાક સમયથી ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે મોદી-શાહને દિલ્હીના અફઝલ ખાન વગેરે જેવા ટોણા મારી રહ્યા છે અને બીજી તરફ તેમની જ પાર્ટીના અને તેમના જ ખાસ એવા મિલિન્દ નાર્વેકર અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા પાઠવે એ વાત કોઇની સમજમાં નથી આવતી. નાર્વેકર હાલમાં જ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ મળ્યા હતા.