અરવલ્લી: માઝુમ ડેમના વિસ્થાપિતોની જમીનનો વિવાદ બન્યો ઉગ્ર, અમરાપુર ગામમાં લાઠી ચાર્જ
અરવલ્લી જીલ્લાના મોડાસામાં માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન અંગેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આજે વહેલી સવારે અમરાપુર ગામમાં પોલીસ અને ગામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લાઠી ચાર્જ કરતા કેટલાક લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ગામજનોની જાણ બહાર પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓ જમીન માપણી માટે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો, પોલીસે બાળકો અને મહિલાઓને પણ માર માર્યો હતો. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક મહિલાઓ સહિત 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
ગામની મહિલાએ જણાવ્યું હતું કે, અમે સવારે ચાર વાગ્યે સૂતા હતા ત્યારે 400 પોલીસનો કાફલો ગામમાં પ્રવેશ્યો હતો. પોલીસે આવીને મારઝૂડ કરીને અમને ગાડીમાં બેસાડી દીધા. પાંચ વર્ષની છોકરીઓને લાફા માર્યા હતા અને 70 વર્ષની વૃદ્ધને ધક્કા માર્યા હતા.
આ આરોપો અંગે પ્રસાશનના અધિકારીએ જણાવ્યું કે ગામના લોકો 37 વર્ષથી જમીન પર કબજો કરીને બેઠા છે. જે અંગે પોલીસ બંદોબસ્ત સાથે રાખી કાર્યવાહી કરી હતી. અમે મહિલા પોલીસને સાથે રાખીએ જ કાર્યવાહી કરી છે. મારામારીના આક્ષેપો તદ્દન ખોટા છે. કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ એમાં વચ્ચે અવરોધ ન બનવું જોઈએ.
આ વિવાદ મામલે બે દિવસ પહેલા પણ ગ્રામજનો દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ મામલાની માહિતી મુજબ માઝૂમ જળાશયની વિસ્થાપિતોની જે જગ્યા છે તેની ઉપર ગામલોકો 1952થી વાવણી કરતા હતા. તેવા સંજોગોમાં આ જગ્યા સ્થાનિક વ્યક્તિને આપી દેવામાં આવી છે. આ અંગે કોર્ટ દ્વારા આદેશ બાદ માપણી કરવામાં આવી તે જગ્યા પર વિરોધ કરવામાં આવેલા ગામજનોને નજર કેદ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચથી વધારે લોકો ઇજાગ્રસ્ત છે.
મોડાસાના સાયરા પાસે વર્ષ 1982 માં માઝૂમ ડેમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. સ્થાનિક લોકોની ડૂબમાં ગયેલી જમીનના બદલામ પહાડપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સિતપુર ગામની સીમમાં 6 હેક્ટર જમીન આપવામાં આવી હતી. વીસ વર્ષ અગાઉ તંત્ર દ્વારા બે વ્યક્તિઓને આ જમીનની ફાળવણી કરી દેવામાં આવી હતી. આ અંગે માઝૂમ ડેમના વિસ્થાપિતોમાં પોતાને અન્યાય થયો હોવાની લાગણી છે.