ધર્મતેજ

સરળતા એ આજના કાળમાં પણ સદગુણ જ છે

પ્રાંસગિક -રાજેશ યાજ્ઞિક

સંસ્કૃતમાં એક સુંદર શબ્દ છે આર્જવ. ભગવદ ગોમંડળ પ્રમાણે આ શબ્દનો અર્થ થાય છે, ‘ઋજુતા; નિખાલસપણું; સરળતા; સીધાપણું’. ધર્મના ક્ષેત્રમાં આર્જવ અર્થાત સરળતાનું બહુ મહત્ત્વ છે. આપણે ત્યાં તો કહેવાય છે, કે સાધુ ન બની શકો તો કંઈ નહીં, સીધા તો બનો! જેનું મન સરળ હોય, તેને માટે એમ કહેવાય છે કે તે વ્યક્તિ બાળક જેવો સરળ છે. કારણકે જન્મથી બાળક સરળ જ હોય છે. આખા વિશ્ર્વ પ્રત્યે કૌતૂહલ, પ્રત્યેક વસ્તુને તેના સાચા રૂપમાં ઓળખવાની ઈચ્છા, કોઈપણ પ્રકારના સ્વાર્થ વગરનું સહજ વર્તન. ગમો કે અણગમો વ્યક્ત કરતી વખતે કોઈ કપટ નહીં. ગમતું હોય તો ગ્રહણ કરવું અને ન ગમતું હોય તો ઘા કરીને ફેંકી દેવું, એ બાળકનો સહજ, કુદરતી સ્વભાવ હોય છે. પણ જેમજેમ ઉંમર વધતી જાય અને દુનિયાદારી દિમાગ પર હાવી થતી જાય એટલે સરળતાનું સ્થાન શઠતા લેવા માંડે છે.

વ્યવહાર જીવનમાં સરળતા કેવા પ્રકારે હોવી જોઈએ? લાખો કરોડોનો માલિક હોય પરંતુ ગરીબમાં ગરીબ માણસને માન-સમ્માનથી બોલાવે અને આવકારે, એ વાણીની સરળતા છે. ગમે તેટલા ઊંચા પદ પર બેઠો હોય, તેમ છતાં નાનામાં નાના માણસને ધૂત્કારે નહીં, કોઈને અવગણે નહીં. ઘણીવાર આપણે જોઈએ કે ગાડી લઈને નીકળેલો વ્યક્તિ મકાનના વોચમેનને તું-તા કરીને જ બોલાવે, કારણ વગર કઠોરતાથી વાત કરતો હોય. આ સજજન વ્યક્તિનું લક્ષણ નથી. સાથે સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે માત્ર કોઈ સાથે સારો વ્યવહાર કરતા હોય, એટલે જ વ્યક્તિ સરળ છે એવું કહી શકાય નહીં. ઘણીવાર ઉપરછલ્લી સારપની અંદર નિહિત છુપાયેલું હોઈ શકે. કોઈ સ્વાર્થ, કોઈ ગરજના માર્યા કોઈની સાથે સતત સારો વ્યવહાર કરવો અને હકીકતમાં સરળ હોવા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. કપટી વ્યક્તિનો સરળ વ્યવહાર પણ એક કપટ જ છે.

બેફામનો એક શેર યાદ આવે,
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા;
ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે, વાટ કીન્તુ બીજાને બતાવી દીધી
આ છે હકીકતમાં વર્તનની સરળતા. ‘હું મરું પણ તને વિધવા કરું’ જેવી વૃત્તિ ધરાવતા લોકો પોતે કશું ન પામે તો ઈર્ષાના માર્યા બીજાને મદદ પણ ન કરે. પોતાની પાસેનું જ્ઞાન, પોતાનું ધન, પોતાની ઓળખાણ કે પોતાના પદનો ઉપયોગ કરીને કોઈપણ અપેક્ષા વિના કોઈને મદદરૂપ થનાર હકીકતમાં સરળ વ્યક્તિ કહી શકાય.

આ બંનેની ઉપર છે, મનની સરળતા. સત્ય તો એ છે કે મનમાં સરળતા ન હોય તો વાણી કે વર્તનમાં સરળતા આવી જ ન શકે. સ્વભાવની સરળતા એ તો સાધુતા અર્થાત કે સજજનતાનું મહત્ત્વનું લક્ષણ છે. જૈન ધર્મમાં સાધુ પુરુષના બાર ઉત્તમ ધર્મમાં એક ઉત્તમ ધર્મ ‘આર્જવ’ અર્થાત સરળતા ગણાયો છે. મનમાં લોભ, ઈર્ષા, સ્વાર્થ, કપટ લઈને સાધના કરનાર વ્યક્તિ ક્યારેય ધર્મના માર્ગમાં આગળ વધી ન શકે. કારણકે ‘મનસા, વાચા, કર્મણા’ જે સરળતાની જરૂર છે તે તેનામાં આવી શકતી નથી.

સરળતાનું ઉત્તમ ઉદાહરણ કોણ? એવો પ્રશ્ર્ન કરીએ તો બહુધા લોકો રામનું નામ લે. પણ કૃષ્ણની સરળતા પણ ધ્યાન આપવા યોગ્ય છે. એક ગોવાળિયાથી દ્વારિકાના રાજા સુધીની સફર ખેડનાર, પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાં હંમેશાં સરળ રહ્યા, ગોકુળના પેલા ગોવાળિયાની જેમ. દ્વારિકાને દ્વાર આવેલા પોતાના બાળપણના મિત્ર સુદામાને જે માન આપ્યું, તેનો જે સત્કાર કર્યો, તેને જોઈને જે હર્ષાશ્રુ આવી ગયા તે સરળતા વિના સંભવી શકે ખરા? આપણે ત્યાં નાત જમણમાં ભાડે બોલાવેલા લોકો પાસે નહીં, પરંતુ જ્ઞાતિ અને પરિવારના બાળકો પાસે એઠાં પતરાળા ઊપડાવવાની રીત એટલે જ હતી કે જેથી બાળકોમાં સરળતાનો ગુણ ખીલે, કોઈ કામ નાનું નથી તેવો અહેસાસ આવે. કૃષ્ણએ પણ એઠાં પતરાળા ઉપાડીને પોતાની સરળતાનો પરિચય આપ્યો હતો.

સરળતાનો વિરોધી શબ્દ જટિલતા છે અને મનુષ્ય માટે જીવનમાં સૌથી જટિલ કંઈ હોય તો પોતાની સરળતા ટકાવી રાખવી. અફસોસ કે આજના કાળમાં સરળ વ્યક્તિને મૂર્ખ અથવા બુદ્ધુનું લેબલ લગાડી દેવામાં આવે છે. સામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરી જાણતા લોકોને ‘હોશિયાર’ ગણવામાં આવે છે. વ્યવહારના જગતમાં એ કદાચ હોશિયારી હશે, પણ ધર્મ અને આધ્યાત્મના જગતમાં આ ‘હોશિયારી’ જ મનુષ્યના ઉથ્થાન આડેની સૌથી મોટી રુકાવટ બની જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button