ધર્મતેજ

બુદ્ધત્વની ઓળખ કઈ? જે વ્યક્તિમાં આપણને ક્રોધ જોવા ન મળે તેમને બુદ્ધપુરુષ ગણવા

માનસ મંથન -મોરારિબાપુ


કોઈ યુવકનો પ્રશ્ર્ન છે, એ પહેલાં લેવાની ઈચ્છા છે. પ્રશ્ર્ન છે કે, “ભગવાન બુદ્ધને અહીં બોધગયામાં પ્રકાશ મળ્યો, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ. રામકથાના આધારે કાલે બુદ્ધત્વનાં કેટલાંક લક્ષણોની ચર્ચા પણ થઈ રહી હતી. કોઈનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે કે કેમ, એનો પરિચય અમારા જેવા લોકો સરળતાથી કરી શકે એવી કોઈ જુગતિ છે ?

મારી દ્રષ્ટિએ જેઓ કંઈક પામ્યા છે અથવા તો પૂરેપૂરું પામ્યા છે, એવા પહોંચેલા સાધુ-સંત વિશેના રામચરિતમાનસ’માં સંકેતો છે એ તો છે જ, પરંતુ એક યુવકની જ્યારે માગ છે ત્યારે હું એટલું જ કહીશ કે બાપ, જ્યારે કોઈનામાં ત્રણ વસ્તુ ન દેખાય, તો હું પાકું તો ન કહી શકું કે એ બુદ્ધ છે, પરંતુ એમનામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે, એવું તો હું જરૂર કહીશ. ચાહે એ બહેન હોય, ભાઈ હોય; ભારતના હોય, વિદેશના હોય; કોઈ પણ ધર્મના હોય, અમને કોઈ તકલીફ નથી.

બહુ સીધાં-સાદાં સરળ સૂત્રો છે. નાની-નાની ત્રણ વાતો. એક, અનુભવે તમે જોઈ શકો કે જેમના જીવનમાં ક્યારેય તમને ક્રોધ ન જોવા મળે, તો સમજવું કે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે. બહુ સીધાં-સાદાં સૂત્રો છે. એને ‘પરીક્ષણ’ શબ્દ લગાવવો બરાબર નથી, કેમ કે કોઈ બુદ્ધત્વની પરીક્ષા કરવી એ અણસમજ છે. બુદ્ધત્વની પરીક્ષા નથી થઈ શક્તિ પ્લીઝ, બુદ્ધત્વની પ્રતીક્ષા કરીએ કે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે.

કોઈ સંત-સાધુની પરીક્ષા તો કરો જ નહીં. થઈ શકે તો સમીક્ષા કરો. આ કેવળ શબ્દલાલિત્ય નથી અને સૌથી સારું તો એ છે કે પ્રતીક્ષા કરીએ. પ્રતીક્ષા કરવામાં આવે શબરીની જેમ, અહલ્યાની જેમ, સુતીક્ષ્ણની જેમ. બુદ્ધત્વના પરિચયના આ કેટલાક અણસાર છે. આધ્યાત્મિક રહસ્યોના કેવળ સંકેતો જ આપવામાં આવે છે, એની સ્પષ્ટતા કરવામાં નથી આવતી. પ્લીઝ, ધ્યાન દેજો, વેદોએ પરમાત્માને જાણ્યા બાદ કેવળ એક જ સંકેત કરી દીધો, ‘નેતિ’ આધ્યાત્મિક મારગમાં આપણને ગુરુની શું કામ જરૂર પડે છે ? એટલા માટે કે આપણે નિર્ણય નહીં કરી શકીએ. આ સંકેતોનું શાસ્ત્ર છે. મને કહેવા દો, બુદ્ધવચનોનો તો પછીથી વિસ્તાર થયો હશે. બુદ્ધ બહુ જ ઓછું બોલ્યા છે; બુદ્ધ ઓછામાં ઓછું બોલ્યા છે. કોઈનામાં બુદ્ધતા, પરિપક્વતા ઊતરી રહી છે, એના કેટલાક સંકેત આપવામાં આવે છે. મને જે નિકટ પડે છે એ કહું છું કે, જોતા રહો, કોઈ એવી વ્યક્તિ તમને મળે કે એનામાં ક્યારેય તમને ક્રોધ જોવા ન મળે, તો સમજવું કે કેટલીક માત્રામાં બુદ્ધત્વ ઊતરી રહ્યું છે.

મારી સમજમાં જે આવ્યું છે એ એવું છે કે, બુદ્ધમાં ક્રોધ જોવા નથી મળતો. આપણે જીવ છીએ. આપણામાં નબળાઈઓ હોય છે. અને ક્રોધ સારો તો નથી, પણ જરૂર પડે ત્યારે સમ્યક્ ક્રોધ ખરાબ પણ નથી. આ ‘સમ્યક્’ શબ્દ હું બુદ્ધમાંથી વારંવાર લઈ રહ્યો છું. અલબત્ત, મારા ગોસ્વામીજીએ પણ એનો ઉપયોગ કર્યો છે. બહુ મજાનો શબ્દ છે ‘સમ્યક્’. જેમને સાધના કરવી છે, આ જ જીવનમાં જેમને વિશેષ પ્રસન્નતાના માલિક બનવું છે, કંઈક પામવું છે, આ જગતમાંથી હસતાં હસતાં જવું છે, એમણે આ સાંકેતિક બોલી સમજવી પડશે.

હું કરબદ્ધ પ્રાર્થના કરું, પ્લીઝ, આપણે કેટલોક સમય એવો રાખીએ કે જેમાં આપણે ક્રોધ ન કરવો, પરંતુ કેટલાક લોકો તો સવારથી ગણેશસ્થાપન કરી દે છે ! એ કોઈ જીવન છે ? એ વિકૃતિ છે. મારી પ્રાર્થના છે, સવારે-સવારે ક્યારેય ક્રોધ ન કરવો. પ્લીઝ, ટ્રાય. બીજું, સૂતી વખતે ક્યારેય ક્રોધ કરીને સૂવું નહીં. એક તો નિદ્રા તમસ છે, પાછો ક્રોધ પણ તમસ છે. એટલે સત્વગુણની સવાર પાડવામાં મુશ્કેલી થશે. ત્રીજું, જો તમે ધ્યાન કરતા હો, પૂજા-પાઠ કરતા હો, જપ-યજ્ઞ કરતા હો, બંદગી કરતા હો, નમાજ અદા કરતા હો, જે કરતા હો તે, એવા ભજનના સમયે ક્રોધ ન કરવો. ચોથું, ભોજનના સમયે ક્રોધ ન કરવો. ભજન કરતી વખતે ક્રોધ ન કરવો અને ભોજન કરતી-કરાવતી વખતે ક્રોધ ન કરવો, પ્લીઝ. કેમકે ઉપનિષદે કહ્યું છે, ‘અર્ધ્ણૈ રૂસ્ત્રજ્ઞટિ વ્રઘળણળટ્ર’ અન્નને તને બ્રહ્મ સમજો. તો, આપણે અન્નને પણ બ્રહ્મ સમજ્યું, વિજ્ઞાનને પણ બ્રહ્મ સમજ્યું છે. એટલે ખાસ કરીને યુવાન ભાઈ-બહેનો, ભોજન કરતી વખતે ક્રોધ ન કરવો.

ભોજન કરતા સમયે ક્રોધ ન કરવો. આપણા ફાયદાની વાત છે. અને ઘેરથી જ્યારે ધંધા માટે દફ્તર, ઓફિસ અથવા બહારગામ જાઓ ત્યારે ક્રોધ ન કરવો. આપણે ક્રોધ કરીને પોતાના માટે ખુદ અપશુકન બની જઈએ છીએ! ‘રામચરિતમાનસ’માં ક્રોધને બહુ ભયંકર રૂપે બતાવ્યો છે. વરસાદ પડે પછી જમીન પર ક્યાંય ધૂળ ન મળે, એમ માણસ ક્રોધ કરે એટલે ક્યાંય ધર્મ ન ટકે ! આટલા બધા વિશાળ અર્થમાં આ વાતને અહીં મૂકી છે. ક્રોધ કર્યો ને ધર્મ ગયો… બસ ! ધર્મની એક રજકણ પણ નહિ મળે, જ્યારે જીવ ક્રોધ કરશે. એટલા માટે ક્રોધથી સાવધાન રહો.

આપણે ત્યાં દોષની વ્યાખ્યા એવી આવી છે, કે દોષ એને કહેવાય કે જેનાથી તમે પણ બગડો ને બીજા યે બગડે. જેમ કીચડમાં હાથ નાખીને તમે કીચડ પકડો અને કીચડ બીજા પર નાખો એટલે તમે યે બગડ્યાં ને સામાવાળો યે બગડ્યો, એના જેવું છે. ક્રોધ બહુ મોટો દોષ છે જીવ પર ! એમાં આપણને પહેલું નુકશાન, પછી બીજાને નુકશાન. ધગધગતું લોખંડ લઈને તમે કોઈને મારવા દોડો તો એ લોખંડ પકડો, એટલે પહેલો દાગ તમને પડે, બીજો તો છટકી યે જાય, કંઈ નક્કી નહીં. ક્રોધથી બહુ સાવધાન રહેવું. ક્રોધથી ધર્મનું નામનિશાન રહેતું નથી! ધર્મ જતો રહે ! અને જ્યાં ધર્મ જતો રહે, ધર્મ શીલતા જતી રહે, ધર્મઅભિમુખતા નાશ પામે એવી ભૂમિ કોઈ દિવસ સસિસંપન્ન ન બને!

મારા યુવાન શ્રોતાએ પૂછ્યું, બુદ્ધત્વ ઊતરી રહ્યું છે એનો સંકેત. આ પહેલો સંકેત. જેના જીવનમાં તમે ક્રોધ ન જુઓ તો, સમજવું હળવે-હળવે બુદ્ધત્વ ઊતરી રહ્યું છે. આપણે સંસારી છીએ, ક્રોધ થઈ જાય, પરંતુ સમ્યક્ ધ્યાન રાખવું.

કોણ બુદ્ધપુરુષ ? કોનું વરણ કરશો ? કોઈના કહેવા પર નહીં, તમારો ભીતરી અવાજ કહે એ અનુસાર કરો. શિષ્યની કોઈ ખુશી ન છિનવે કે તું બાંધકામ કરે છે, બિલ્ડર છો ને, મને એક ફ્લેટ આપી દે! મેં આવા ગુરુજનો મારી હાજરીમાં જોયા છે !

ક્રોધ ન હોય, એ બુદ્ધત્વનો સંકેત; વિરોધ ન હોય એ બુદ્ધત્વનો સંકેત. અને ત્રીજું સૂત્ર જેનું પૂરું જીવન કોઈના જીવનમાં અવરોધરૂપ ના બન્યું હોય. કોઈનો સાધના મારગ હોય, લૌકિક મારગ હોય, અલૌકિક મારગ હોય, સાંસારિક વાત હોય, ક્યારેય પણ કોઈનો અવરોધ ન બને, કોઈના અવરોધક ન
હોય ત્યારે સમજી લેવું કે એમાં બુદ્ધત્વનું અવતરણ છે. (સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker