ધર્મતેજ

સર્વત્ર સમાનતાનો ભાવ-સદા મે સમત્વં

મનન -હેમંત વાળા

દરેક પરિસ્થિતિમાં સમાન હોવાની વાત તો સરસ છે પણ કઠિન છે. અહં બ્રહ્માસ્મિ બોલી દેવું સહેલું છે પણ તે સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. તેવી જ રીતે સમત્વની આ સ્થિતિ પ્રાપ્ત કરવી સરળ નથી. સમત્વ એટલે એવી સ્થિતિ કે જેમાં દરેક માટે સમાન દૃષ્ટિ હોય, કશા પ્રત્યે રાગ ન હોય કે દ્વેષ ન હોય, દરેક પરિસ્થિતિને એક સમાન અલિપ્તતાના ભાવથી જોવાતી હોય, અહીં કશાની ઈચ્છા ન હોય કે કશા માટે અનિચ્છા પણ ન હોય. આ પરિસ્થિતિમાં કોઈ મિત્ર ન હોય કે દુશ્મન ન હોય, કોઈ પ્રિય ન હોય કે અપ્રિય ન હોય, કોઈ હિતકારી પણ ન જણાય કે અહિતકારી પણ ન જણાય, કોઈ પોતાનું ન હોય કે કોઈ પારકું ન હોય – બસ જે કંઈ છે તે સમાનતાના ભાવથી સ્વીકૃત હોય. અહીં બધાનો પ્રવેશ શક્ય છે, અહીં બધા માટે શુભ ભાવના છે, અહીં પરસ્પરની સમાવેશિયતા અને એકરાગતા છે. સંપૂર્ણતામાં આ સમરસ સ્થિતિ છે. એમ કહી શકાય કે સાક્ષીભાવથી જીવન વ્યતીત કરવું એ સમત્વની નિશાની છે.

જ્યારે હેતુ સ્પષ્ટ હોય, સાધનો પ્રાપ્ય હોય, માર્ગ પણ સ્પષ્ટ દેખાતો હોય તો આપણે માત્ર ચાલવાનું હોય છે. જો આપણે ચાલવા જ ન માગીએ તો ગમે તેટલી બાબતો અનુકૂળ હોય તો પણ અંતિમ મુકામે પહોંચી ન શકાય. ભગવાને પગ ચાલવા માટે આપ્યા છે – ચાલવું જોઈએ. તેવી જ રીતે ભગવાને વિવેક-બુદ્ધિ હેતુસર આપી છે. આ વિવેક-બુદ્ધિથી નિત્ય-અનિત્યનો ભેદ સમજવાનો છે. આ ભેદ સમજ્યા પછી જીવનનો હેતુ સ્પષ્ટ થાય. જીવન માત્ર કર્મોના સારા-ખોટા ભોગવટા માટે નથી, તેની પાછળનો ઉદ્દેશ્ય આ ભોગવટાના ચક્રમાંથી બહાર નીકળવાનો પણ છે. આ ઉદ્દેશ્ય ત્યારે જ પરખાય જ્યારે ગુરુકૃપાથી જે નિત્ય છે, જે શાશ્ર્વત છે, જે સર્જનનું કારણ છે તેના પ્રત્યે દૃષ્ટિ પડે. આ શરૂઆતની સ્થિતિ છે.

પછી પ્રશ્ર્ન સાધનોનો આવે. ગંભીરતાપૂર્વક, તટસ્થતાથી જો સંસારની વિવિધ પરિસ્થિતિ મૂલવવામાં આવે તો જણાશે કે બંધન કરનારી પરિસ્થિતિ અને બંધનથી મુક્ત કરનારી પરિસ્થિતિ બંને અહીં યથાર્થતામાં હાજર છે. જો આગળ વધવું હોય તો અહીં રસ્તો પણ દેખાશે અને આગળ ન વધવું હોય તો જ્યાં છીએ ત્યાંની જ પરિસ્થિતિ અતિપ્રિય લાગવા માંડશે. કામ-ક્રોધ-લોભ-મોહ જેવા કુ-ઉપકરણો ચારે તરફ પથરાયેલા છે તો સાથે સાથે દાન-ધર્મ-શ્રદ્ધા-ગુરુકૃપા જેવા સુ-ઉપકરણો પણ ચારે તરફ જોવા મળશે. પોતાની રુચિ પ્રમાણે જે તે સાધનને પસંદ કરી રુચિ પ્રમાણેના માર્ગે આગળ વધવાનું છે. સામે રાજમાર્ગ છે અને રાજરથ છે, માત્ર તેમાં બેસીને શ્રીકૃષ્ણ-ગુરુના હાથમાં લગામ આપી દેવાની છે. આ મધ્યની સ્થિતિ છે.

પછી તો પ્રવાસમાં – રસ્તામાં સામે મળતી લોભામણી બાબતો અસર કરતી નથી. પછી તો બધી જ બાબતો અર્થહીન લાગે છે. પછી નથી કંઈ પામવાની ઈચ્છા કે કંઈ મેળવવાની લાલસા – નથી નિવૃત્તિ માટે લગાવ કે નથી પ્રવૃત્ત રહેવાનો અહંકાર. રાજરથ પર સવાર થયા પછી અને માત્ર હેતુને સિદ્ધ કરવા માટેનું લક્ષ્ય રાખ્યા પછી કોઈપણ વસ્તુ વિચલિત કરી શકતી નથી. પછી તો અમૃત અને મૃત્યુ પણ એક સમાન થઈ જાય છે – અને તેમાં પણ અમૃત જીવાડી શકતું નથી કે મૃત્યુ મારી શકતું નથી. આ માટે માત્ર નિર્વિકલ્પ ઇચ્છાશક્તિની જરૂર છે – નિત્ય અને અનિત્યનો વિવેક પારખવો જરૂરી છે. માત્ર શરૂઆત કરવાની છે. અનેક જન્મોના સંસ્કારને કારણે કેટલીક બાબતો સરળ બને તો કેટલીક બાબતો મુશ્કેલ પણ બની રહે. સમત્વની ભાવના માટે દરેક પ્રકારના દ્વંદ્વ છોડવાની જરૂર છે.

કોઈપણ બાબતમાં સંપૂર્ણ નિષ્ઠાથી, ઉત્તમ પ્રકારના પુરુષાર્થ કરી, પૂરેપૂરી સમજણ સાથે, કોઈપણ પ્રકારની છેતરામણ વિના જો સંમિલિત થઈએ તો તે બાબત ક્યારેય અસંભવ થતી નથી. આ સત્ય જેટલું દુન્યવી બાબતોને લાગુ પડે છે તેટલું જ આધ્યાત્મિક બાબતોને પણ લાગુ પડે છે. જો વ્યક્તિ સંપૂર્ણતામાં સમત્વને પામવા માટેનો પ્રયત્ન કરે તો તે બાબત મુશ્કેલ નથી જ. આ અંતિમ સ્થિતિ છે. અહીં દરેક પ્રકારનો ભેદ લુપ્ત થાય છે. અહીં દરેક પ્રકારની વિવિધતા, તે એક તત્ત્વ સાથે એક રસ થઈ જાય છે. અહીં દ્વિનુ અસ્તિત્વ જ નથી રહેતું. બધું જ એકાકાર થઈ જાય છે. સમાનતાના ભાવમાં દરેક પ્રકારની વિવિધ-રસતા નાશ પામે છે.

સમત્વની સંભાવના માટે વિશ્ર્વાસ હોવો જોઈએ. આવું સમત્વ પ્રાપ્ત કરી શકાય છે તે બાબતે પણ ખાતરી હોવી જોઈએ. આ સ્થિતિને પ્રાપ્ત કરવા દ્રઢ નિશ્ર્ચય જરૂરી છે. આ બધું કેટલું મુશ્કેલ નથી – અને જો મુશ્કેલી ઊભી થશે તો ઈશ્ર્વરી કૃપાથી તે દૂર થઈ જશે તેવી શ્રદ્ધા હોવી જોઈએ. આ બધાનો સમન્વય થતાં ‘સદા મે સમત્વં’ સ્થાપિત થતું જાય. પ્રતીત થતી વિવિધતા એ મનનો પ્રપંચ છે.

આ બધા માટે પણ અંત:કરણમાં એવી સમજ ઊભી થવી જોઈએ કે આ જીવનનો આશય ‘સમત્વ’ સ્થાપવાનો છે – નહીં કે જુદી જુદી વિવિધતામાં, જુદા જુદા કારણે, જુદા જુદા પ્રકારે રચ્યાપચ્યા રહેવાનો. જ્યાં સુધી વિવિધતા જણાશે ત્યાં સુધી તેમાંથી બહાર નીકળવું સંભવ નથી. વાસ્તવમાં વિવિધતા છે જ નહીં, બધું જ સમાન છે, બધામાં તે પરમનું જ પ્રતિબિંબ છે. કારણો પણ ભિન્ન ભિન્ન હોવા શક્ય નથી કારણ કે સંસારને – બ્રહ્માંડને સંચાલિત કરતું કારણ તો એક જ છે. વિવિધ રીતે સંમિલિત થવું પણ શક્ય નથી કારણ કે જ્યાં વિવિધતા જ ન હોય અને તમે શાશ્ર્વત એક સત્ય સ્વરૂપ હો તો સંમેલિતતામાં ભિન્નતા પણ ક્યાંથી સંભવી શકે. અંતે તો તે ‘સમત્વ’ને જ સત્ય સમજવાનું છે અને તે સ્થિતિમાં જ પહોંચવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker