ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોના બાહ્યપ્રવાહ સાથે નરમાઈનું વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત શુક્રવારની ૮૪.૦૭ની સપાટીએ જ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો. જોકે, રોકાણકારાએ વૈશ્ર્વિક રાજકીય-ભૌગોલિક અનિશ્ર્ચિતતાઓને ધ્યાનમાં લેતાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૪.૦૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૦૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૮ અને ઉપરમાં ૮૪.૦૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધની જ ૮૪.૦૭ની સપાટીએ બંધ રહ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૧૯ ટકા વધીને ૧૦૩.૫૦ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૪૨ ટકાની તેજી સાથે બેરલદીઠ ૭૪.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. વધુમાં સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૩.૪૮ પૉઈન્ટનો અને ૭૨.૯૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૫૪૮૫.૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.