હરિયાણામાં ભાજપના વિજયરથના સારથી હવે મહારાષ્ટ્રમાં પણ કામે લાગશે…

મુંબઈઃ હરિયાણામાં ભાજપની જીતની આશા ઓછી હતી, પરંતુ ભાજપે બાજી પલટી સતત ત્રીજીવાર સત્તાનું સૂકાન સંભાળ્યું છે. આ માટે બીજા બધા પાસાઓ સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું ગ્રાઉન્ડ વર્ક કામ આવી ગયું હોવાનું કહેવાય છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપને વિજયી બનાવવા આરએસએસ કામે લાગ્યું હોવાના અહેવાલો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીઃ RSS અને VHP આ મુદ્દાઓ પર આ પાર્ટી માટે વોટ માંગશે…
ભાજપના સૂત્રના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આરએસએસ પોતાના કાર્યકરોને ગામે ગામ અને ઘરે ઘરે મોકલી ભાજપ સરકારની નીતિઓ અને યોજનાઓ વિશે માહિતી આપશે. આ માટે આરએસએસ સમગ્ર મહારાષ્ટ્રમાં 50,000 જેટલી નાની-મોટી બેઠકો યોજશે. આરએસએસ પોતાના જમીની સંપર્ક માટે જાણીતું છે. આ સાથે હિન્દુત્વનો મુદ્દો સાથે લઈ ચાલતા હોવાથી ભગવા પક્ષ તરીકે જાણીતા ભાજપને ફાયદો થશે.
આ પણ વાંચો : ફડણવીસ-પવાર બહાર અને શિંદે અંદરઃ અમિત શાહ સાથે શું ચર્ચા કરી મુખ્ય પ્રધાને
મહારાષ્ટ્રમાં ભાજપ સાથી પક્ષ શિવસેના(શિંદે) અને એનસીપી (અજિત પવાર) સાથે મળી ચૂંટણી લડી રહ્યો છે જ્યારે તેમની સામે પણ ત્રણ પક્ષોનું ગઠબંધન છે જેમાં કૉંગ્રેસ સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી છે.
આ પણ વાંચો : સીટ શેરિંગ મુદ્દે MVAમાં હંગામો ચાલુ, શું ભાજપને ફાયદો થશે?
લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે સકારાત્મક નથી આવ્યા અને પક્ષે ઘણી બેઠકો પર મહેનત કરવાની જરૂર છે. આરએસએસ એ તમામ બેઠકોની યાદી તૈયાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ભાજપ નબળી સાબિત થઈ શકે તેમ છે. આ બેઠકો પર આરએસએસ વધુ જોર લગાવશે, તેમ એક અહેવાલ જણાવે છે.