એકસ્ટ્રા અફેર

મસ્કે જાહેરમાં ઈવીએમ હેક કરીને બતાવવું જોઈએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

હરિયાણામાં ભાજપની અણધારી જીતના કારણે ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન (ઈવીએમ)માં ગરબડનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યાં દુનિયામાં સૌથી ધનિક એવા એલન મસ્કે ફરી દાવો કર્યો છે કે ઈવીએમથી ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મસ્કે દેશભરમાં બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવા અને હાથથી મતોની ગણતરી કરવાની અપીલ કરી હતી.

મસ્કે વોટિંગ મશીન બનાવતી કંપનીને નિશાન બનાવીને કહ્યું કે, ઈવીએમ હેક થઈ શકે છે. એલન મસ્કે દાવો કર્યો કે, પોતે એક ટેક્નિશિયન છે તેથી એટલું ચોક્કસ કહી શકું કે, ઈવીએમ દ્વારા મતદાન ન થવું જોઈએ કારણ કે ઈવીએમ હેક થઈ શકે છે. મસ્કના કહેવા પ્રમાણે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું હોય છે અને તેને હેક કરવું શક્ય છે.

મસ્કે આખી વાત અમેરિકાના સંદર્ભમાં કરી છે પણ એક જગાએ ઈવીએમ હેક થઈ શકે તો બીજી જગાએ થઈ જ શકે એ જોતાં આ વાત બધાં ઈવીએમને લાગુ પડે જ છે. મસ્કે પહેલાં પણ આ વાત કરી જ હતી. એલન મસ્કે ૧૫ જૂને ટ્વીટ કરી હતી કે, ઈલેક્ટ્રોનિકસ વોટિંગ મશીન સિસ્ટમને ખતમ કરી દેવી જોઈએ કેમ કે ઈવીએમને માણસો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા હેક કરી શકાય એવું જોખમ છે. આ રીતે હેકિંગની શક્યતા ઓછી છે પણ લોકશાહીમાં કોઈ ચાન્સ ના લઈ શકાય એ જોતાં આ બહુ મોટું જોખમ છે. આ સંજોગોમાં અમેરિકામાં ઈવીએમ દ્વારા વોટિંગ ન થવું જોઈએ.

મસ્કે પોતે ઈવીએમનો મુદ્દો નહોતો ઉખેળ્યો પણ અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરની પોસ્ટ રિ-પોસ્ટ કરેલી. કેનેડી જુનિયરે પ્યુર્ટો રિકોની ચૂંટણીમાં ઈવીએમ દ્વારા થયેલી ગેરરીતિઓની વાત કરીને પેપર બેલેટથી મતદાનની તરફેણ કરેલી ને મસ્કે તેને ટેકો આપેલો. મસ્કે અત્યારે પણ વાત અમેરિકાની ચૂંટણીના સંદર્ભમાં જ કરી છે પણ સાથે સાથે ઈવીએમ હેક કરી શકાય છે એવો દાવો કર્યો છે તેથી મસ્કની વાત વૈશ્ર્વિક સ્તરે લાગુ પડે છે.

મસ્ક રેંજીપેજી માણસ નથી પણ ટેકનોલોજીનો જાણકાર માણસ છે. મસ્ક વિવિધ પ્રોજેક્ટ્સ પર વૈજ્ઞાનિકો સાથે સતત કામ કરે છે. દુનિયામાં બીજી કોઈ કંપની નથી કરી શકી એ સ્પેસ ટ્રાવેલિંગનું સપનું સાકાર મસ્કની કંપનીએ કર્યું છે એ જોતાં મસ્કને ટેકનોલોજીમાં માત્ર ખબર જ નથી પડતી પણ ટેકનોલોજીનો સારી રીતે ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની પણ ખબર પડે છે. મસ્ક એક રીતે ટેકનોલોજીમાં ખૂંપેલો માણસ છે તેથી તેની વાતને ગંભીરતાથી લેવી જોઈએ તેમાં પણ શંકા નથી.

મસ્કે સૌથી મોટો દાવો એ કર્યો છે કે, ઈવીએમ હેક થઈ શકે છે. મસ્કે ઈવીએમ કઈ રીતે હેક થઈ શકે છે એ પણ કહ્યું છે તેથી આ વાતની ગંભીરતા વધી જાય છે પણ મસ્ક હોય કે બીજું કોઈ હોય પણ માત્ર વાતો કરવાથી કશું પુરવાર થતું નથી. પોતાના દાવાને ડેમોસ્ટ્રેશન આપીને સાચી કરવી પડે છે ને એલન મસ્કે પણ એ કરવું જોઈએ. મસ્કે જે કારણ આપ્યું છે એ ગળે ઊતરે એવું છે પણ તેને સાબિત કરવું વધારે જરૂરી છે. આ વાત મસ્ક જેવા ટેકનોલોજીના ધુંરધરને સમજાવવાની ના હોય એ જોતાં મસ્કે હવે પછી ઈવીએમ હેક થઈ છે ને ફલાણું થઈ શકે છે ને ઢીકણું થઈ શકે છે એવી વાતો કરવાના બદલે એ વાત સાબિત કરી બતાવવી જોઈએ.

મસ્ક કહે છે એ રીતે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું હોવાથી હેક થઈ શકતું હોય તો પણ આખી દુનિયાની સામે તેને સાબિત ના કરાય તો કોઈ આ વાત ના માને. ભૂતકાળમાં મસ્ક જેવા દાવા ઘણાં લોકોએ કર્યા છે. સઈદ શુજા નામના હેકરે તો લંડનમાં પત્રકાર પરિષદમાં ફડાકો મારેલો કે, ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણી ઈવીએમમાં ગરબડો કરીને જીતી હતી. હમણાં ઈવીએમ અંગે એક હેકેથ્લોન યોજાયેલી ને તેમાં પોતે આ વાત સાબિત કરી હોવાનો પણ તેણે દાવો કર્યો હતો. શુજાનો દાવો છે કે પોતે ભારતીય જ છે પણ ૨૦૧૪ની ચૂંટણીમાં ગરબડો થયેલી તેનો ભાંડો પોતે ફોડવાનો હતો તેથી પોતાની ટીમના સભ્યોને પતાવી દેવાનો ખેલ શરૂ થયો. તેના કારણે પોતે ડરીને ભારતથી ભાગી ગયેલો. શુજાના દાવા પ્રમાણે તો ભાજપના નેતા ગોપીનાથ મુંડેને આ ખેલની ખબર પડી ગયેલી તેથી તેમને પણ પતાવી દેવાયા. શુજાએ બીજી ઘણી વાતો કરી છે ને એ બધી માંડવાનો અર્થ નથી પણ તેની વાતનો સાર એટલો છે કે, મોદી ઈવીએમમાં ગરબડ કરીને જીતેલા.

શુજાના દાવા પ્રમાણે તો તે ભારતની ચૂંટણીમાં વપરાતાં ઈવીએમ બનાવનારી કંપનીમાં જ કામ કરતો હતો તેથી તેને આખા ખેલની ખબર પડી ગયેલી. શુજાએ આવી બધી બહુ વાતો કરેલી પણ કદી કશું સાબિત ના કર્યું. અત્યારે ટેકનોલોજી વર્લ્ડમાં જે ટ્રેન્ડ ચાલે છે એ જોતાં ઈવીએમ હેક કરી શકાતાં હોય તો કોઈએ ક્યારેક ને ક્યારેક તો એ અટકચાળું કર્યું જ હોત. અત્યારે દુનિયામાં એક એકનાં માથાં ભાંગે એવા ટેકનોલોજીના ખેરખાંઓ પડ્યા છે ને તેમાંથી કેટલાક એવા છે કે જેમને કશું નવું કરવામાં એટલી મજા નથી આવતી જેટલી મજા અટકચાળાં કરવામાં આવે છે. જડબેસલાક સિક્યોરિટી ધરાવતી વેબસાઈટ્સને હેક કરવામાં કે કોઈનાં સર્વરમાં ઘૂસીને તોડફોડ કરવામાં એ લોકો બહાદુરી સમજે છે. ભારતમાં તો એવી જમાત બહુ મોટી છે ત્યારે હજુ સુધી એવું કશું થયું નથી તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી. કરવા ખાતર કદાચ એવી દલીલ કરી શકાય કે, બહુ થોડા લોકો આ કામમાં માહિર હશે તેથી બધું ઢંકાયેલું રહે છે. આ દલીલમાં દમ નથી કેમ કે ટેકનોલોજીમાં એક છીડું શોધાય પછી તેના પર કોઈની મોનોપોલી રહે એવું શક્ય નથી.

જો કે મસ્ક શુજા નથી. રાજકારણીઓએ ખાલી આક્ષેપો કર્યા કરે છે કેમ કે તેમની એ આદત છે પણ મસ્ક રાજકારણી નથી. અત્યારે ભલે ડોનલ્ડ ટ્રન્પના રવાડે ચડીને રાજકારણીઓ જેવી વાતો કરતો હોય પણ વાસ્તવિક રીતે એ ટેકનોક્રેટ છે. આ સંજોગોમાં એલન મસ્કે ઈવીએમ હેક કરીને બતાવવું જોઈએ ને પોતે સાચું બોલે છે એ સાબિત કરી બતાવવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button