પરપ્રાંતિય ચોરોને પકડવામાં રાજકોટ પોલીસને સફળતા
રાજકોટ: દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર તેમજ ઓફિસમાં સાફ-સફાઇ કરતા હોય છે ત્યારે આ સમયમાં કેટલાક લોકો બહારથી માણસો બોલાવી સાફ-સફાઈનું કામ કરાવતા હોય છે તેવા લોકો માટે આ સમાચાર ખૂબ મહત્વના છે કારણ કે રાજકોટ તાલુકા પોલીસ ટીમે એક એવી ગેંગની ધરપકડ કરી છે જે પહેલા દિવાળીના ઘર સફાઇ કરવા બહાને કામ મેળવે છે અને પછી ઘર માલિક ની નજર ચૂકવી રોકડ રકમ અને કીમતી માલ સામાનની ચોરી કરે છે.
આ પણ વાંચો: રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું
આ શખ્સોએ છેલ્લા એક મહિનામાં 4 ઘરને નિશાન બનાવી 34 લાખથી વધુની ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ 31 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તકે રાજકોટ ઝોન 2 DCP જગદીશ બાંગારવા દ્વારા એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ઘર સાફસફાઈ માટે લોકો બહારથી આવતા મજૂરોને ઘર સાફસફાઈ માટે બોલાવતા હોય છે પણ આ લોકો સાફસફાઈ દરમ્યાન સાવધાની પૂર્વક મકાન માલિકની નજર ચૂકવી રોકડ રકમ અને કીમતી માલ સામાનની ચોરી કરી હોવાના બનાવો સામે આવ્યા હતા.
આ બનાવોની તપાસ કરવા રાજકોટ તાલુકા પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ એનાલિસિસ કરી આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ ડી એમ હરીપરા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આવી ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી રાજસ્થાની ગેંગ રાજકોટના પોશ વિસ્તારોમાં કામ કરી રહી છે અને ચોરીના ગુનાને અંજામ આપી રહી છે, જેના આધારે પોલીસે આજ રોજ મૂળ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના વતની અને રાજકોટના નાના મવા રોડ પર લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા પ્રભુ મીણા, બંશી મીણા, કનુરામ ઉર્ફે કાન્તિ મીણા, ગોપલા ઉર્ફે ભુપેશ મીણા, પવન મીણા, એમ મળી કુલ 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વિદ્યાર્થીએ વીડિયો બનાવી શિક્ષક પર કર્યા આક્ષેપો ને પછી જીવન ટૂંકાવ્યું, રાજકોટની ઘટના…
કાયદેસરની કાર્યવાહી આકરી પૂછપરછ કરતા તમામ આરોપીઓએ છેલ્લા એક મહિનામાં રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી તેમજ યુનિર્વિસટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12.63 લાખ અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 21.60 લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આ તકે રાજકોટ પોલીસ દ્ધારા કુલ 34 લાખની ચોરીની ઘટનામાં તાલુકા પોલિસી દ્વારા કુલ 31લાખની ચોરીનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.