અમે હિંમત નહીં હારીએ, ફેબ્રુઆરી જેવું વિનિંગ કમબૅક કરીને રહીશું: રોહિત
કૅપ્ટને કહ્યું, ‘ઇંગ્લૅન્ડ સામે અમે પહેલી ટેસ્ટ હાર્યા પછી બાકીની ચારેય જીતી ગયા હતા’
બેન્ગલૂરુ: ભારતીય કૅપ્ટન રોહિત શર્માને ખાતરી છે કે ‘ટીમ ઇન્ડિયા અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ આઠ વિકેટે હારી ગયા પછી હવે બાકીની બન્ને ટેસ્ટ જીતી લેશે. ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે આવેલી ઇંગ્લૅન્ડની ટીમ સામે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં હારી ગયા પછી બાકીની ચારેય ટેસ્ટ જીતી ગયા હતા અને સિરીઝમાં 4-1થી વિજય મેળવ્યો હતો.’
આ પણ વાંચો: ઋષભ પંત ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં રમતો જોવા મળશે? કેપ્ટન રોહિતે આપ્યા આવા સંકેત
આ વર્ષના ફેબ્રુઆરી-માર્ચમાં (આઇપીએલ પહેલાં) ભારતીય ટીમ હૈદરાબાદની પ્રથમ ટેસ્ટ હારી ગઈ હતી. ટૉમ હાર્ટલીની સાત વિકેટને લીધે ભારતીય ટીમ 231 રનના લક્ષ્યાંક સામે 202 રનમાં આઉટ થઈ ગઈ હતી. જોકે ત્યાર પછી ભારતે વિશાખાપટનમ, રાજકોટ, રાંચી અને ધરમશાલાની ટેસ્ટ જીતી લીધી હતી. કુલદીપ યાદવ પાંચમી ટેસ્ટનો મૅન ઑફ ધ મૅચનો તથા યશસ્વી જયસ્વાલ મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીત્યો હતો.
બેન્ગલૂરુમાં ગુરુવારે ભારતીય ટીમ 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ એની આકરી કિંમત રવિવારે પરાજય સાથે ચૂકવવી પડી. સરફરાઝ ખાનના બીજા દાવના 150 રન તથા રિષભ પંતના 99 રન પાણીમાં ગયા. ન્યૂ ઝીલૅન્ડના રાચિન રવીન્દ્રએ પહેલા દાવમાં 134 રન બનાવ્યા એ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો.
આ પણ વાંચો: પ્રથમ ટેસ્ટમાં હાર છતાં કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડને પડકાર ફેંક્યો, કહ્યું અમને ગર્વ છે
રોહિતે રવિવારે પરાજય બાદ પત્રકારોને કહ્યું, ‘આવી મૅચો અગાઉ પણ રમાઈ ગઈ છે. અમે આ હાર ભૂલીને આગળ વધીશું અને ન્યૂ ઝીલૅન્ડને વળતો જવાબ આપીને રહીશું. આ વર્ષના ફેબ્રુઆરીમાં અમે ઇંગ્લૅન્ડ સામે પહેલી ટેસ્ટ હારી ગયા બાદ બાકીની ચારેય ટેસ્ટ જીત્યા હતા. અમે એવું ફાઇટબૅક ન્યૂ ઝીલૅન્ડ સામે બતાવીશું અને બાકીની બન્ને ટેસ્ટ જીતી લઈશું.’
46 રનના ધબડકાને આધારે ટીમ ઇન્ડિયાને કોઈએ આંકવી નહીં: રોહિત
કૅપ્ટન રોહિત શર્માએ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી એ ઇનિંગ્સનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે ‘એ ત્રણ કલાકના પર્ફોર્મન્સને આધારે ભારતીય ટીમને કોઈએ આંકવી નહીં. એક ખરાબ દેખાવ પરથી કંઈ અમારી ટીમની કાબેલિયત નક્કી ન થાય. અમારી ટીમ મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિમાંથી કમબૅક કરી જાણે છે. અમે એ ત્રણ કલાક ખરાબ રમ્યા એટલે એને આધારે અમારા ખેલાડીઓની ક્ષમતા નક્કી કરવી એવું કરવામાં અમે નથી માનતા. બીજા દાવમાં અમે (462 રન બનાવીને) જોરદાર કમબૅક કર્યું જ હતું. અમે હારી ગયા, પણ આ મૅચમાં એવું બીજું ઘણું બન્યું જેમાંથી નવું શીખવા મળ્યું છે. અમે કેટલીક ભૂલ કરી હતી, પરંતુ આગામી મૅચ પહેલાં અમે જરાય ભયભીત નથી થયા.’